ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે, પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીનાં પંચોતેર વર્ષો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વર્ષના કાર્યકાળ માટે તો મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું નથી.
છેલ્લે પંજાબમાં ચરણજિતસિંહ ચન્ની(જન્મ 1963)ને સપ્ટેમ્બર 2021થી માર્ચ-2022ના સમયગાળા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એટલે છેલ્લાં પાંચ વર્ષથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. 2011ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી 20.14 કરોડ હતી, જે કુલ વસ્તીના 16.6 ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી, પરંતુ 2011 પ્રમાણેના 21 કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્યમંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે.
રાજ્યના મુખ્યમંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ સંજીવૈયા (1921-1972) હતા. તેઓ 1960થી 1962ના ગાળામાં અવિભાજિત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કોંગ્રેસી હતા. આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ, બે વાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. 1957માં તેઓ આંધ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 301માંથી 187 બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો, પરંતુ મુખ્યમત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. જૂથવાદ અને કોંગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી 1960થી માર્ચ 1962 સુધી મુખ્યમંત્રી હતા. તેમણે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. 39 વર્ષની નાની વયે પહેલા દલિત મુખ્યમંત્રી બનેલા સંજીવૈયા 51 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા.
દેશના પહેલા દલિત મહિલા મુખ્યમંત્રી બનવાનું માન માયાવતી(જન્મ 1956)ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીનાં નેત્રી માયાવતી ચાર વખત મુખ્યપ્રધાન બન્યાં હતાં. 1995, 1997 અને 2002માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યાં હતાં, પરંતુ 2007માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વર્ષ (2007 થી 2012) યુ.પી.ના સી.એમ પદે વિરાજ્યાં હતાં. લગભગ 21 ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં હતાં. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જોકે, તે પછીનાં વર્ષોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યાં નથી.
દલિત મુખ્યમંત્રીની બાબતમાં બિહારનો ઈતિહાસ સમૃદ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્યમંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી (1914-1984) રામસુંદર દાસ (1921- 2015) અને જીતનરામ માંઝી (જન્મ 1944) એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પણ એકેયને પૂરી પાંચ વર્ષની મુદત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્યમંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી 1968થી 72 દરમિયાન ત્રણ વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલી વાર 91 દિવસ, બીજી વાર 13 દિવસ અને ત્રીજી વાર 222 દિવસ તેઓ મુખ્ય પ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.
ક્વીટ ઈન્ડિયા મૂવમેન્ટમાં ભાગ લેવા કોલેજ છોડી જાહેર જીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓબીસી અનામત લાગુ પાડતાં પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી 1979-80માં સી.એમ.ની ગાદી મળી હતી.
બિહારના છેલ્લા દલિત મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ(યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું, તો માંઝી કહ્યાગરા મુખ્યમંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામુકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરાંકુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યા. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય, પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્યમંત્રી વગરનો એક દાયકો વીત્યો છે.
રાજસ્થાનના જગન્નાથ પહાડિયા (1932-2021) છેક નહેરુના વારાથી કોંગ્રેસમાં હતા અને નહેરુ-ગાંધી પરિવારના નજદીકી હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-1980થી જુલાઈ 1981ના 13 મહિના માટે મુખ્યમંત્રી બન્યા હતા. પંતપ્રધાનકાળમાં દારૂબંધી લાદવાની સિદ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલકુમાર શિંદે (જન્મ-1941) પણ કોંગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી 2003થી નવેમ્બર 2004ના બે એક વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કોંગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્યમંત્રી બનાવવાનું નાટક કોંગ્રેસે કર્યું હતું.
જે છ રાજ્યોમાં દલિતોને મુખ્યમંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા. આ મુખ્યમંત્રીઓમાં 1914માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને 1963માં જન્મેલા ચરણજીત ચન્ની છે. તમામ આઠેય દલિત મુખ્યમંત્રીઓએ ડો. આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત્ કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વત્તાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમબીએ થયેલા ચન્ની મુખ્યમંત્રી બન્યા ત્યારે પીએચડી કરતા હતા. એક પણ મુખ્યમંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે કેટલાકે પોતાનાં સંતાનોને રાજકારણમાં ઉતાર્યાં છે ખરાં. દલિત મુખ્યમંત્રી થવાથી દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તીકરણ થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જોકે તે રીપિટ થઈ શક્યો નથી.
દલિત રાજનીતિની ગુંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે 75 વર્ષોમાં અલ્પ દલિત મુખ્યમંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્યમંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી. સંજીવૈયા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્યમંત્રી થયા હતા. આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કોંગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે.
રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્યમંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કોંગ્રેસે પંજાબમાં જોયું છે. 2007થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા.તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઊજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે.
ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે, પરંતુ મુખ્યમંત્રી કે વડાપ્રધાન માટે આવી અનામત નથી, એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનાં પદ પામે છે, પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી થઈ શકતા નથી.
જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ન આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વર્ષના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્યમંત્રી દલિતોના દળદર ફેડી શકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો