હમણાંની એક સાવ સાચી વાત છે. એક સેલિબ્રિટી છે. સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ છે. તે કોઇ પણ પોસ્ટ મૂકે તેને હજારો લાઇક્સ અને સેંકડો કમેન્ટ્સ મળે છે. ક્યાંય જાય તો લોકો તેને ઘેરી વળતા હતા. કોઇ વાતની એને કમી ન હતી. અચાનક એક દિવસ એ સાઇકિયાટ્રિસ્ટ પાસે પહોંચ્યો. તેણે કહ્યું કે, મને બહુ ખાલીપો લાગે છે. અંદરથી કંઇક ખોખલું થઇ રહ્યું હોય એવું ફીલ થાય છે. ક્યારેક ગભરામણ થઇ આવે છે. ચહેરા પર ઉદાસી ઊતરી આવે છે. બધું જ છે. કોઇ પ્રોબ્લેમ નથી, તો પણ મને કેમ આવું થાય છે? સાઇકિયાટ્રિસ્ટ એનો જાણીતો હતો. તેણે કહ્યું, તમને એવું લાગે છે કે, કોઇ પ્રોબ્લેમ નથી, જે છે એ ઇશ્યૂ ઇમોશનલ વેક્યૂમનો છે. માત્ર આ એક સેલિબ્રિટીની વાત નથી, હવે તો મોટાભાગના લોકોને એવું થવા લાગ્યું છે. હું સાવ એકલો થઇ ગયો છું. કોઇને કંઇ ફેર પડતો નથી. નિષ્ફળ વ્યક્તિને આવું લાગે તો હજુયે સમજી શકાય, અત્યંત સફળ અને સમૃદ્ધ લોકોને પણ આવું થવા લાગ્યું છે. સફળતાની ટોચ પર હોય, સંપત્તિની કોઇ કમી ન હોય, ઘરમાં બધા હોય તો પણ માણસને એકલવાયું લાગવા માંડ્યું છે. એનું સૌથી મોટું કારણ એ છે કે, આત્મીય જોડાણ તૂટતું જાય છે. ટેક્નોલોજીના કારણે લોકો હવે એકબીજા સાથે કનેક્ટેડ રહેવા લાગ્યા છે, પણ અટેચ્ડ નથી. કનેક્ટ હોવામાં અને અટેચ હોવામાં હાથી ઘોડોનો ફેર છે. આજના સમયમાં માણસ બધું દિલમાં સંઘરીને જીવવા લાગ્યો છે. બધી અંગત વાતો કરી શકાય એવા સંબંધો જ ક્યાં રહ્યા છે?
સમગ્ર વિશ્વમાં અત્યારે ઇમોશનલ વેક્યૂમની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. લોકો હવે લાગણીઓ અને ભાવનાઓનો શૂન્યવકાશ અનુભવવા લાગ્યા છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં માણસને પોતાની આસપાસ બધું જ હોવા છતાં કંઇ ન હોવાનો અહેસાસ થાય છે. આપણને એવું લાગે કે, એને ક્યાં કોઇ વાતની કમી છે. હકીકત એને જ ખબર હોય છે. ઇમોશનલ વેક્યૂમનો ભોગ બનેલો માણસ સામાન્ય માણસની જેમ જ હસે છે, વાતો કરે છે, ફરે છે, કામ કરે છે, પણ અંદરથી સાવ સુન્ન હોય છે. મોટાભાગના માણસો શ્વાસ લેતા હોય છે, ખરેખર જીવતા અને ધબકતા લોકો કેટલા હોય છે એ સૌથી મોટો સવાલ છે. હવે એવા લોકોની સંખ્યા વધતી જાય છે જેના ચહેરા પર નૂર કે ચેતના જોવા મળતી નથી. મૂરઝાઇ ગયેલો ચહેરો નંખાઇ ગયેલા મનની ચાડી ફૂંકતો હોય છે. સંવેદનાઓ જ્યારે ક્ષુબ્ધ થઇ જાય ત્યારે માણસને ઇમોશનલ વેક્યૂમ લાગવા માંડે છે. આવું રાતોરાત નથી થતું. એક લાંબી પ્રોસેસ હોય છે. ખાલીપો ધીમે ધીમે વધે છે. એકલા રહેવાનું મન થાય છે. કોઇની સાથે વાત કરવાની ઇચ્છા નથી થતી. એક તબક્કે બધું વ્યર્થ લાગવા માંડે છે. મનમાં સવાલો ઊઠે છે કે, આ બધાનો અર્થ શું છે? આ સ્થિતિમાં માણસને કોઇ પણ વાતમાં આનંદ આવતો નથી. સારો પ્રસંગ હોય ત્યારે એ હસે, બોલે અને કેટલાક કિસ્સાઓમાં નાચે પણ છે, એ બધું કરતી વખતે મનમાં જે ઉત્સાહ અને રોમાંચ હોવો જોઇએ એ એને વર્તાતો નથી. માણસ જો આમાંથી બહાર ન આવે તો એ ડિપ્રેશનમાં સરી જાય છે.
અંગત સંબંધોમાં જ્યારે ઓટ આવે, નજીકની વ્યક્તિ દગો કે વિશ્વાસઘાત કરે, જીવનસાથી સાથે સંઘર્ષ થાય, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે બ્રેકઅપની સ્થિતિ આવે ત્યારે અચાનક જ ભયંકર ઇમોશનલ વેક્યૂમ સર્જાય છે. ડિવોર્સ, બ્રેકઅપ કે અંગત મિત્ર સાથે ઝઘડો થાય ત્યારે માણસ પોતાની લાગણીઓના દરવાજાઓને બંધ કરી દે છે. સંબંધોમાં ભંગાણ પછી માણસને નજીકની વ્યક્તિઓમાંથી પણ રસ ઊડી જાય છે. ફરીથી હર્ટ થવાના ડરે માણસ કોઇની સાથે જોડાતો નથી એટલે વેક્યૂમ સર્જાય છે. એક બીજું કારણ પણ ઇમોશનલ વેક્યૂમ સર્જે છે. માણસ રૂપિયા કમાવવા માટે રાત દિવસ મહેનત કરે છે. એ સરસ ફ્લેટ કે બંગલો લે છે, કાર ખરીદે છે, મોંઘી ચીજવસ્તુઓ ખરીદે છે. એ એટલો વ્યસ્ત રહે છે કે, નજીકના લોકો માટે એની પાસે સમય જ નથી રહેતો. ભૌતિક ચીજવસ્તુઓમાંથી જિંદગી શોધવાનો ભ્રમ જલદી ભાંગી જાય છે અને ધીમે ધીમે એકલતા કોરી ખાવા લાગે છે.
કારણ વગર મજા ન આવતી હોય તો સમજવું કે, સાચું કારણ ઇમોશનલ વેક્યૂમ છે. નિષ્ણાતો કહે છે કે, આવી સ્થિતિમાં માણસે વહેલી તકે સતર્ક થઇ જવું જોઇએ. મનનો ખાલીપો લંબાય તો એ ક્લિનિકલ ડિપ્રેશન નોતરે છે. જો એ વધે તો પેનિક એટેક પણ આવી શકે છે. જિંદગી અર્થહીન અને નીરસ લાગવા માંડે છે. જીવવાનો મોહ જ છૂટી જાય છે. અમુક લોકો ડ્રગના રવાડે ચડી જાય છે. ધીમે ધીમે બીમાર મનની અસરો તનને પણ થવા લાગે છે. રાતે ઊંઘ આવતી નથી. માનસિક તણાવના કારણે કોર્ટિસોલ હોર્મોન્સ પેદા થાય છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. પોતાનામાં જે વેક્યૂમ પેદા થયું હોય એ ભરવા માટે માણસ ઘણી વખત કારણ વગરની ઓનલાઇન ખરીદીઓ કરે છે. જંક ફૂડ ખાતો રહે છે. ક્ષણિક આનંદ મેળવીને એ ખાલીપો ભરવાનો નાકામ પ્રયાસ કરે છે. એ કર્યા પછી પણ તેને સારું નથી લાગતું.
સોશિયલ મીડિયાએ નવી ઉપાધિઓ સર્જી છે. લોકો સોશિયલ મીડિયા પર સુખી જિંદગી અને મસ્ત પ્રવાસોનું અતિશિયોક્તિભર્યું પ્રદર્શન કરે છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં લોકો ખોવાયેલા રહે છે. સાચી વાત કરવા માટે કોઇ ખરો દોસ્ત કે અંગત સંબંધ હોતો નથી. એકલતા અને ખાલીપા અંગે થયેલા અભ્યાસ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હમણાંના એક રિપોર્ટમાં આવી સ્થિતને ગ્લોબલ હેલ્થ થ્રેટ એટલે કે વૈશ્વિક હેલ્થ કટોકટી જાહેર કરી છે.
એક મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં એવું કહેવાયું છે કે, ઇમોશનલ શૂન્યવકાશ શરીર માટે દિવસની પંદરેક સિગારેટ પીવા જેટલો ઘાતક સાબિત થઇ શકે છે. જેન-ઝી પર થયેલા સરવેમાં 73 ટકાએ કબૂલ્યું હતું કે, તેઓ ક્યારેક અંદરથી ખાલીપો અને એકલતા અનુભવે છે. એકલા રહીને નોકરી કરતા છોકરા છોકરીઓમાં તેનું મોટું પ્રમાણ જોવા મળ્યું છે.
સૌથી મોટો સવાલ એ છે કે, ઇમોશનલ વેક્યૂમથી બચવા શું કરવું? સૌથી પહેલો ઉપાય છે, ડિજિટલ ડિટોક્સ. તમારો સ્ક્રીન ટાઇમ ચેક કરતા રહો. લોકો ચારથી છ કલાક સુધી સોશિયલ મીડિયામાં રચ્યાપચ્યા રહે છે. રીલ્સ જોયા રાખે છે. તેની ખરાબ અસરો મન પર થાય છે. મોબાઇલથી દૂર રહીને પોતાના લોકો સાથે સમય વિતાવો. મિત્રોને મળો અને વાતો કરો. તમારા સંબંધોને સક્ષમ બનાવો. જો કોઇ પણ જાતનો મૂંઝારો થતો હોય તો અંગત મિત્રો કે નજીકના લોકોને વાત કરો. બધું મનમાં સંઘરી ન રાખો. ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગ ચોક્કસપણે કરો, પણ તેની મર્યાદાનું ભાન રાખો. જે વીતી ગયું છે એને ભૂલીને વર્તમાન સમયમાં જીવો. ખુલ્લી હવામાં જઇને ઊંડો શ્વાસ લો. યોગ અને કસરત માટે સમય કાઢો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, પોતાના વિચારો પર પણ થોડોક વિચાર કરતા રહો. આખા દિવસ દરમિયાન કેવા વિચારો આવે છે? એ વિચારો કેવા છે? નકારાત્મક તો નથીને? તમામ પ્રકારના કાલ્પનિક ભયથી મુક્ત રહો. એક વાત યાદ રાખો કે, જો સંબંધો સારા હશે તો જ જિંદગી જીવવાની મજા આવવાની છે. વર્ચ્યુઅલ વર્લ્ડ ક્યારેય સુખ કે શાંતિ આપવાનું નથી. ઇર્ષા, દેખાદેખી અને દ્વેષભાવથી મુક્ત થઇ જાવ. જિંદગી ખૂબ જ સરસ છે. નક્કી કરો કે, મારે મારી જિંદગીની તમામ ક્ષણો સરસ રીતે જીવવી છે. જિંદગીમાં ક્યારેક હતાશા આવે એવી સ્થિતિ સર્જાવાની જ છે. બધા સાથે એવું થતું હોય છે. એમાંથી જેમ બને એમ વહેલી તકે મુક્ત થઇ જવાય એ જ જિંદગી માટે બહેતર છે. કોઇ વેક્યૂમ ન સર્જાય એ માટે જિંદગીને જીવવા જેવાં કારણોથી ભરેલી રાખવી પડે છે. સંબંધો, પ્રેમ, લાગણી, આત્મીયતા, વફાદારી અને હૂંફનો કોઇ વિકલ્પ નથી. એ સરવાળે પોતાના લોકો પાસેથી જ મળવાના છે. પ્રેમ આપશો એટલો મળશે. જો બેદરકાર રહ્યા તો, ઇમોશનલ વેક્યૂમનું જોખમ રહેવાનું છે. આપણે આપણી જિંદગીને કેવી રીતે જીવવી છે એનો અંતિમ નિર્ણય આપણે જ કરવો પડે છે.
પેશ-એ-ખિદમત
ગમોં કે જખ્મ ઉઠાતે રહે ખુશી કે લિયે,
તરસ ગએ હૈં મોહબ્બત કી જિંદગી કે લિયે,
યે કૈસી દિલ કી લગી હૈ કિ અપની ઉમ્ર-એ-અજીજ,
મિટાએ દેતે હૈં હમ ઇક અજનબી કે લિયે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો