દ્રૌપદી-ચાણક્ય-ધુરંધર : પ્રતિશોધની આગમાં લખાતી મહાગાથાઓ અને ઘડાતી સંસ્કૃતિઓ મહાન ભારતવર્ષનાં બે મહાન વિજાતીય પાત્રોએ એનો બદલો પૂરો ન થાય ત્યાં સુધી પોતાના વાળ ખુલ્લા રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દ્રૌપદી-ચાણક્ય-ધુરંધર :

પ્રતિશોધની આગમાં લખાતી મહાગાથાઓ અને ઘડાતી સંસ્કૃતિઓ

મહાન ભારતવર્ષનાં બે મહાન વિજાતીય પાત્રોએ એનો બદલો પૂરો ન થાય ત્યાં સુધી પોતાના વાળ ખુલ્લા રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ બંને પાત્રો, એક પુરુષ અને એક સ્ત્રીનું આપણા સમાજમાં અદકેરું સ્થાન છે. મહાન પુરુષોની વચ્ચે જેનું ચીરહરણ થવાની કોશિશ કરવામાં આવેલી તે સ્ત્રી દ્રૌપદી અને મગધના રાજા ધનનંદ દ્વારા અપમાનિત કરવામાં આવેલા મહાન નીતિજ્ઞ ચાણક્ય. બંનેનું ભરેલા દરબારની વચ્ચે અનેક સક્ષમ હસ્તીઓ સામે ઘોર અપમાન થયેલું. બંનેએ અપમાનિત પાત્રોનું કાસળ ન નીકળી જાય ત્યાં સુધી પોતાના વાળ ખુલ્લા રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પછી જે થયું તે ઇતિહાસ છે. એ ઇતિહાસના પાયા ઉપર આપણો દેશ ઉન્નત શિરે ઊભેલો છે. બદલાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં બહુ પ્રાચીન છે. ભારતીયોને બદલાની કથા સાંભળવી ગમે છે.

માનવીય લાગણીઓના ઘણા ફાંટા પડે છે. લગભગ દરેક લાગણી મોસમી કે કમોસમી વાતાવરણ જેવી હોય. આવે ને જાય. પ્રેમ આવે ને જાય. ઇર્ષ્યાભાવ આવે ને બહુ ન ટકે. બહુ ગુસ્સો આવે ને ઓછો થઈ જાય. નફરત રહે કદાચ લાંબો સમય, પણ નફરતનું સાતત્ય અને તેનું પરિણામ ખાસ હોતું નથી. નફરત માટે પ્રયત્ન કરવો પડતો નથી. અણગમો આપણા ભાવનાત્મક કેન્દ્રના એક ખૂણે પડ્યો રહે. બસ એટલું જ, પણ એક એવી લાગણી છે જે દુર્લભ છે અને તે છે બદલો. બદલો આમ તો નેગેટિવ ઇમોશન કહેવાય, પણ તેવા ઇમોશનના આશીર્વાદ બધાને મળતા નથી. બીજી બધી લાગણીઓ આપણી અંદર ભાડે રહે - એક મુલાકાતીની જેમ જ્યારે બદલો તો દિલોદિમાગમાં પાક્કું મોટું રહેઠાણ ચણે, એ પણ ચૂપચાપ. કોઈને ખબર ન પડે કે બદલાની ભાવના આપણી ભીતર ક્યારે ઘર કરી ગઈ.

ના, ના, ના, વારેતહેવારે કે રોજિંદા જીવનમાં જે ગુસ્સો આવે છે તે પ્રતિશોધ નથી. `હું તને જોઈ લઈશ.', `મારી વાઈફ આમ કરે તો હું પણ આમ કરી લઈશ.', `હું મારા બોસને દેખાડી દઈશ.' - આ બધા ગુસ્સા છે અને તે અલ્પજીવી છે. આ કંઈ પ્યોર બદલો નથી. બીજે દિવસે સવાર સુધીમાં તો આવા ખયાલો કેટલા ખોખલા હતા એ ખબર પડી જાય છે. ગુસ્સો લાઉડ હોય, અસ્તવ્યસ્ત હોય, ક્ષણિક હોય. જ્યારે બદલો તો સાહિત્ય છે. બદલો સ્થાપત્ય છે. બદલો તો ખુદને ઘડનારું શસ્ત્ર છે, જે અંદરથી આપણું તેજ વધારે છે. જે હરપળ મંદ પડવાને બદલે સતત તીક્ષ્ણ થતું જાય છે. ઇતિહાસ જુઓ. જે મોટાં યુદ્ધો થયાં છે એનાં કારણોમાં બદલાની ભાવના હતી. રિવેન્જ ઇઝ ફાયર. દાવાનળની જેમ બધું ભસ્મ કરી નાખે અને તો પણ બુઝાય નહીં. પુરાણા યુગ અને આધુનિક યુગમાં જો કોઈ મોટો ફેર હોય તો એ આ બદલાની ભાવનાનો અભાવ છે. આતંકવાદના સમયમાં વેરવૃત્તિ વધી છે, પણ રિવેન્જ એ અલગ જ તત્ત્વ છે. એને પામવા માટે તપ કરવું પડે. આ નેવું સેકન્ડની રીલના સમયમાં સાધના કરવાની ધીરજ ભાગ્યે જ કોઈ પાસે રહી છે. રિવેન્જ લેવા માટે અટેન્શન સ્પાન જોઈએ. લોકોની એકાગ્રતા જ રહી નથી.

આપણા સંતો, કથાઓ અને માર્ગદર્શક વડીલ મંડળોએ ખોટું શીખવાડ્યું છે. પ્રતિશોધને જંગલી લાગણી કહી છે. માફી આપે એ મહાન એવી શિક્ષા આપણને મળે છે જે સાચી જ છે. ભારતની સંસ્કૃતિ મિચ્છામી દુક્કડમની રહી છે. વેર લેવા પર ઊતરીએ તો આખી દુનિયા અંધ થઈ જાય, પણ એક કડવું સત્ય એ પણ છે કે માનવ સભ્યતાઓ માફીનામા પર નહીં, પણ વડવાઓના વારસા અને કબીલાની યાદો પર ઊભી થાય છે. મહાભારત ધર્મ-અધર્મની વાતો કરે છે, પણ એ હકીકતમાં એક લાખ પંક્તિઓ ધરાવતું પ્રતિશોધ-કાવ્ય છે. એમાંથી આપણને ગીતા જડે છે. બદલો લેવાનું દ્રૌપદી પાસેથી શીખવા જેવું છે. એ કોઈ બિચારી સ્ત્રીની જેમ કકળાટ કરીને બેસી નથી રહેતી. એ પર્વતની જેમ અડગ રહે છે અને માટે એના પતિઓએ જીવના જોખમે પણ યુદ્ધમાં ઊતરવું પડે છે. રિવેન્જ ઇઝ પર્સનલ. એનું કદ વધતું જ જાય. એ વ્યક્તિગત પ્રતિશોધની શૃંખલા અને તેનાં પરિણામો મોટો પ્રેક્ષકગણ જોતો હોય છે. ચાણક્યે શું કર્યું? ગુસ્સામાં રાજાને શાપ આપ્યો? ના. તેણે એક બાળકને મોટું કર્યું. ચંદ્રગુપ્ત મૌર્યને સક્ષમ બનાવ્યો. એના માટે વર્ષો લાગ્યાં. દુશ્મનનું ઘર સળગાવી નાખવાનું કામ સહેલું છે અને એ ગુસ્સામાં વેર વાળ્યું કહેવાય, પણ એના ઘરની બાજુમાં એવડો મોટો મહેલ ચણાવવો કે દુશ્મન ક્યારેય સૂરજનું એક કિરણ જોઈ ન શકે અને સંસાર ભૂલી જાય કે અહીં દુશ્મનની કોઈ ઝૂંપડી પણ હતી. એ થયો ખરો રિવેન્જ.

એલેક્ઝાન્ડર ડુમાની મહાન નવલ - ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો. એનું મુખ્ય પાત્ર એડમંડ દાંતે.

એ ગુસ્સામાં એના દુશ્મનો ઉપર હુમલો નથી કરતો. એ જેલમાં રહીને તપસ્યા કરે છે. એ ધીરજ અને પ્લાનિંગને એનું હથિયાર બનાવે છે. પછી મોકો મળતાં એ એના દુશ્મનોને મારતો નથી. એ બધાની જિંદગીઓને એવી ગોટે ચડાવે છે કે દુશ્મનો પોતાના જ બનાવેલા જાળામાં ખૂંપતા જાય. આને કહેવાય રિવેન્જ? ના. આ છે આર્ટ. આર્ટ ઓફ રિવેન્જ. પ્રતિશોધ એક કળા છે અને કળા હસ્તગત કરવા માટે વર્ષોનો સ્વાધ્યાય જોઈએ.

ભારતીય દર્શનશાસ્ત્ર પ્રતિશોધનું મહિમાગાન નથી કરતું, પણ ભારતીયોને રિવેન્જ-સ્ટોરીનું વળગણ છે. એટલે જ તો ધુરંધર ફિલ્મના બીજા ભાગનું શીર્ષક - રિવેન્જ છે. ધુરંધર પણ બીજા દરેક ભારતીયની જેમ સમય બળવાન છે, એનાં કર્મો એને જવાબ આપશે, જેવું વાવશે એવું લણશે એવું માનીને બેસી રહ્યો હોત તો પાકિસ્તાનમાં આવી ગંધ મચાવી શક્યો ન હોત. અમુક ગુનાઓની માફી નથી હોતી. પુરાણોમાં પણ ચિરંજીવીતાને શાપ ગણ્યો છે. મૃત્યુ વરદાન છે. આસાન મોત તો સૌને જોઈતું હોય છે. તડપ આપવામાં પ્રતિશોધ રહેલો છે. ધુરંધરના આ ત્રણ શબ્દો મનમાં વસાવવા જેવા છે. હૌસલા, ઇંધન, બદલા. વિરાટવાચકો, આગ લાગવી જોઈએ. કોઈને મારવા નહીં, પણ પોતાની જાતને આગળ ધપાવવા. આગ લાગેલી છે ખરી? બુઝાયેલા કોલસાને ભંગારમાં પણ કોઈ લેતું નથી એ યાદ રાખવું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો