સામાન્ય લોકોની વાત કરીએ તો રોજિંદું જીવન એટલું મોંઘું થઈ ગયું છે કે એક પત્ની અને એક સંતાનવાળો પરિવાર જ લોકો પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકોને કોઈ જ પરિબળો અસર કરતાં નથી અને તેથી લગ્ને લગ્ને કુંવારા હોય એમ લગ્ન કરતા રહે છે. જોકે, એવા લોકો પણ એક બે કે ત્રણ લગ્ન કરીને સંતોષ માનતા હોય છે, પરંતુ એક દેશ એવો છે કે જેના રાજા દર વર્ષે લગ્ન કરે છે! એ દેશ એટલે એસ્વાટિની.

 એસ્વાટિની તરીકે જાણીતો આફ્રિકાનો નાનકડો દેશ પહેલાંના જમાનામાં સ્વાઝીલેન્ડ તરીકે ઓળખાતો હતો. 2018માં સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ હતી, ત્યારે રાજાએ દેશનું નામ બદલીને ધ કિંગ્ડમ ઓફ એસ્વાટિની એટલે કે સ્વાઝી લોકોની જમીન એવું રાખ્યું હતું. એસ્વાટિની દક્ષિણ આફ્રિકા અને મોઝામ્બિક વચ્ચે આવેલું છે. એસ્વાટિની વિશ્વના પૂર્ણ રાજાશાહી દેશોમાંનો એક છે, જ્યાં રાજા તૃતીય સર્વોચ્ચ અધિકાર ધરાવે છે. ફક્ત 17364 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા આ દેશમાં વિવિધ પ્રકારના ભૂપ્રદેશ અને આબોહવા જોવા મળે છે. સુંદર પર્વતો, ધોધ અને ખીણો એવું કુદરતી સૌંદર્ય ધરાવતો આ દેશ `આફ્રિકાનું સ્વિટ્ઝર્લેન્ડ' પણ કહેવાય છે. અહીં કુદરતની સાથે સાથે વન્યજીવન પણ મનોહર છે. એક જ દેશમાં બ્લેક અને વ્હાઇટ રાઈનો જોવા મળે છે તેમજ બિગ ફાઇવ એટલે કે સિંહ, ચિતા, હાથી, ગેંડો, ભેંસ જોવા મળે છે. સિબેબે રોક વિશ્વનો બીજો સૌથી મોટો એક જ ખડક છે. આ દેશમાં આજે પણ હજુ પૂર્ણ રાજાશાહી ચાલે છે.

 દુનિયાભરમાં ઘણા રાજાઓ તેમની જીવનશૈલી માટે જાણીતા છે. એસ્વાટિનીના રાજા પણ અનોખા જીવન માટે દુનિયાભરમાં જાણીતા છે. એસ્વાટિનીના રાજા અને તેમનો પરિવાર હંમેશાં લગ્નો માટે ચર્ચામાં રહેતો હોય છે. એસ્વાટિનીના રાજા મસ્વાતિ ત્રીજાએ અત્યાર સુધીમાં એક બે નહીં 16 લગ્નો કર્યાં છે. દરેક રજવાડામાં કાયદા હોય છે. એ કાયદાનો અમલ પ્રજા ઉપર જ નહીં, રાજા પર પણ થતો હોય છે. આજે પણ જ્યાં રાજાશાહી છે, ત્યાં રાજા એ દેશનો સર્વોચ્ચ શાસક હોય છે. એ ખરું કે તેમની સત્તાઓ બંધારણ કે કાયદા દ્વારા મર્યાદિત કરી દેવામાં આવી હોય છે.. મતલબ કે રાજાશાહી હોય એવા દેશોમાં પણ રાજા કાયદાથી બંધાયેલો હોય છે. તે પોતાનાં ધાર્યાં કામ કરી શકતો નથી.

 એસ્વાટિનીના રાજા દર વર્ષે ચર્ચામાં આવતા હોય છે. એસ્વાટિનીમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રાણીની માતાના શાહી ગામ લુડઝિડઝિનીમાં ઉમહલાંગા સમારોહ યોજાય છે. આ ઉત્સવમાં 10,000થી વધુ અપરિણીત છોકરીઓ અને બાળકો ભાગ લે છે. અપરિણીત છોકરીઓ રાજા સમક્ષ નૃત્ય કરે છે. એ સમારોહ વર્ષે વર્ષે કુંવારા હોય એમ રાજા માટે લગ્ન કરવા માટે છોકરીની પસંદગી કરવાની પરંપરા પૂરી કરવાની તક પૂરી પાડે છે. રાણીની પસંદગી કરવા માટે રાજા આ નૃત્ય ખાસ જોતો હોય છે. યુવતીઓ રાજા અને પ્રજા સમક્ષ નગ્ન નૃત્ય કરે છે. દુનિયાની સાથે સાથે એસ્વાટિનીમાં પણ સુધારાનો વાયરો ફૂંકાતો રહ્યો છે, એ કારણે જ દેશની ઘણી યુવતીઓએ આ પરંપરાનો વિરોધ કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ આ સમારોહમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. રાજાને આ બહિષ્કારની જાણ થઈ, ત્યારે છોકરીઓના પરિવારોને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.

એસ્વાટિનીના રાજ્યના રાજા પર અત્યંત વૈભવી જીવન જીવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજાના નિવાસ પાછળ 610 લાખ ડોલરની ફાળવણી કરવામાં આવી હતી. વૈભવી નિવાસ ઉપરાંત રાજા પાસે વૈભવી કાર પણ છે. મુસાફરી માટે રાજા પાસે એક બે નહીં 62 વૈભવી કારોનો કાફલો છે. 2000 લાખ ડોલરની સંપત્તિ ધરાવતા રાજા ભલે વૈભવી જીવન જીવતા હોય, પણ મોટાભાગની વસ્તી અત્યંત ગરીબીમાં જીવે છે. એમ છતાં રાજા સદીઓ જૂની પરંપરા મુજબ જ જીવે છે. રાજા મસ્વાતીના પિતાને 125 રાણીઓ હતી, તો વર્તમાન રાજા મસ્વાતી ત્રીજાની 16 પત્નીઓ અને 30થી વધુ બાળકો છે. હજુ તો દર વર્ષે રાજા મસ્વાતી લગ્ન કરતા જ જાય છે, તેથી પત્ની અને બાળકોની સંખ્યામાં દર વર્ષે વધારો થતો રહે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો