સિંધુ ખીણની સભ્યતા એ વિશ્વની સૌથી જૂની અને રહસ્યમય સંસ્કૃતિઓમાંની એક છે. આ સંસ્કૃતિના અનેક અવશેષો મળી આવ્યા છે. એમાં સૌથી વધુ આકર્ષક અને ચર્ચાસ્પદ વિષય જો કોઇ હોય તો એ છે.
એકશૃંગી. હડપ્પા અને મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન હજારોની સંખ્યામાં લંબચોરસ મુદ્રાઓ મળી આવી છે. એમાં આશરે 60 ટકા કરતાં વધુ મુદ્રાઓ એક શિંગડાવાળા પ્રાણીની છે. આ પ્રાણી આજે પણ પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો માટે ચર્ચાનો વિષય છે. એકશૃંગી પ્રાણીનો દેખાવ કંઈક અંશે બળદ જેવો છે, પરંતુ તેના કપાળના મધ્ય ભાગમાંથી એક લાંબું અને વળાંકવાળું શિંગડું નીકળતું દેખાય છે. જે રીતે મોટી સંખ્યામાં તેનું ચિત્રણ મળી આવ્યું છે એ સૂચવે છે કે તે સમયના લોકો માટે આ પ્રાણી અત્યંત પવિત્ર અથવા કોઈ મોટા સમુદાયનું પ્રતીક રહ્યું હશે.
વૈજ્ઞાનિકોનાં મંતવ્યો
વૈજ્ઞાનિકોના મત અનુસાર બે મત પાડવામાં આવ્યા છે.
કલાત્મક અભિવ્યક્તિ : કેટલાક માને છે કે આ બે શિંગડાંવાળાં પ્રાણી જેમ કે, બળદને પ્રોફાઈલ વ્યૂ (બાજુમાંથી જોતાં)માં દોરવામાં આવ્યું છે, જેના કારણે બંને શિંગડાં એકબીજાની પાછળ હોવાથી માત્ર એક જ દેખાય છે. જોકે, શિંગડાની બનાવટ અને તેના પરના પટ્ટાઓ તેને સામાન્ય બળદથી અલગ પાડે છે.
કાલ્પનિક અથવા લુપ્ત પ્રાણી : ઘણા ઇતિહાસકારો માને છે કે તે પશ્ચિમની સંસ્કૃતિના યુનિકોર્ન જેવું જ એક કાલ્પનિક પ્રાણી હોઈ શકે, જે શક્તિ અને પવિત્રતાનું પ્રતીક હતું. અમુક સંશોધકો તેને પ્રાચીન ગેંડાના કોઈ લુપ્ત વંશજ સાથે પણ જોડે છે.
સંસ્કૃતિ અને સમાજિક ઓળખ
સિંધુ સભ્યતામાં આ પ્રાણી માત્ર ચિત્ર નહોતું, પણ એક ઓળખ હતું. એવું માનવામાં આવે છે કે એકશૃંગી પ્રાણી ધરાવતી મહોરોનો ઉપયોગ ઉચ્ચ વર્ગના વેપારીઓ કે સત્તાધીશો કરતા હતા. તે શાસન કે વહીવટી શક્તિનું પ્રતીક હોઈ શકે છે. મહોરો પર આ પ્રાણીની સામે અવારનવાર એક કર્મકાંડનું પાત્ર જોવા મળે છે. આ દર્શાવે છે કે એકશૃંગી પ્રાણીની પૂજા થતી હશે અથવા તેને કોઈ પવિત્ર વિધિ સાથે જોડવામાં આવતું હશે.
વિશ્વની અન્ય સંસ્કૃતિ સાથે સામ્યતા
મજાની વાત તો એ છે કે એકશૃંગી પ્રાણીની કલ્પના માત્ર સિંધુ સંસ્કૃતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય સંસ્કૃતિમાં પણ તેનો ઉલ્લેખ છે. જેમ કે, પ્રાચીન મેસોપોટેમિયા (સુમેરિયન સંસ્કૃતિ) મેસોપોટેમિયાની કલામાં એક શિંગડાવાળા પ્રાણીઓનાં પ્રતીકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાંની મુદ્રાઓમાં ઘણીવાર બળદ જેવા દેખાતા પ્રાણીને એક શિંગડા સાથે દર્શાવાયું છે. ઇતિહાસકારો મુજબ,મેસોપોટેમિયા અને સિંધુ સંસ્કૃતિ વચ્ચે વેપારી સંબંધો હોવાથી, આ પ્રતીક એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં ગયું હોઈ શકે છે.
પ્રાચીન ગ્રીસ અને રોમન સંસ્કૃતિ
ગ્રીક લોકો માટે યુનિકોર્ન કોઈ કાલ્પનિક દેવતા નહીં, પણ એક વાસ્તવિક વન્ય પ્રાણી હતું. ટેસિયસ નામના ગ્રીક ઇતિહાસકારે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં લખેલું કે ભારતમાં એવાં જંગલી ગધેડાં છે, જેમના કપાળ પર એક ફૂટ લાંબું શિંગડું છે. મહાન દાર્શનિક એરિસ્ટોટલે પણ ઓરિત્સ અને ભારતીય ગધેડાના ઉદાહરણ આપીને એક શિંગડાવાળા પ્રાણીઓની ચર્ચા કરી છે. ગ્રીક લોકો માનતા હતા કે આ પ્રાણીના શિંગડામાંથી ઝેરને દૂર કરી શકે છે.
પ્રાચીન ચીની સંસ્કૃતિ
ચીની પૌરાણિક કથાઓમાં કિલિન નામનું એક અત્યંત પવિત્ર પ્રાણી છે, જેને ઘણીવાર ચાઇનીઝ યુનિકોર્ન કહેવામાં આવે છે. તે હરણનું શરીર, ઘોડાની ખરી અને પૂંછડી ધરાવે છે. તેના કપાળ પર એક શિંગડું હોય છે. ચીની માન્યતા મુજબ કિલિન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે કોઈ મહાન શાસકનો જન્મ થવાનો હોય અથવા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ આવવાની હોય. તે અહિંસા અને શુદ્ધતાનું પ્રતીક છે.
યુરોપિયન મધ્યકાલીન સંસ્કૃતિ
મધ્યકાલીન યુરોપમાં યુનિકોર્ન એક ખૂબ જ શક્તિશાળી ધાર્મિક અને રાજકીય પ્રતીક બની ગયું હતું. બાઇબલના જૂના અનુવાદોમાં રીમ નામના પ્રાણીનો ઉલ્લેખ છે, જેને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવ્યું. તે શુદ્ધતા અને ઈસુ ખ્રિસ્તના પ્રતીક તરીકે પૂજાવા લાગ્યું. એવી માન્યતા હતી કે યુનિકોર્ન અત્યંત તેજ અને જંગલી હોય છે, જેને પકડવું અશક્ય છે.
રહસ્યમય લિપિ અને એકશૃંગી
એકશૃંગી મહોરો પર જે લિપિ કોતરાયેલી છે, તે આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. આજે પણ આ લિપિને ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ લિપિ ઉકેલાય, તો કદાચ આપણને ખબર પડે કે તે લોકો આ પ્રાણીને શું કહેતા હતા અને તેમના જીવનમાં તેનું ખરેખર શું સ્થાન હતું. 4500 વર્ષ પછી પણ એકશૃંગી માનવજાત માટે જિજ્ઞાસાનો વિષય બની રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો