એક જીવતી જાગતી સ્ત્રીને કોઈ માણસ ઉપભોગની નિર્જીવ વસ્તુ ગણે છે ત્યારે અસલમાં એ માણસ સ્ત્રીનો ખૂની જ ગણાય, કારણ કે એ પેલી સ્ત્રીમાંથી જીવનની બાદબાકી કરી નાખે છે.
ટોલ્સ્ટોયની લઘુનવલ ક્રોત્ઝર સોનાટાનો હીરો પોઝ્નીશેફ ઉપર મુજબની દલીલ કરે છે. આ પોઝ્નીશેફ ખતરનાક છે. એ તો માત્ર પ્રેમ વગરના સેક્સ વડે જ નહીં, વાસ્તવમાં ચાકુ વડે પોતાની પત્નીનું ખૂન કરી ચૂક્યો છે. એક ટ્રેનયાત્રા દરમિયાન આ ખૂની કોઈ અજાણ્યા સહયાત્રી સમક્ષ પત્નીની હત્યા વિશે વાત માંડે છે (અને પછી એ સહયાત્રી આખી વાત આપણને કહી રહ્યો હોય એ રીતે કથા લખાઈ છે). સહયાત્રી સમક્ષ પત્નીના ખૂન વિશે વાત કરતી વખતે આરંભે જ પોઝ્નીશેફ કહે છે: `હું મારી પત્નીને ઓળખતો થયો એ પહેલાં જ હું એને મારી ચૂક્યો હતો. મેં જ્યારે પહેલી વાર હૃદયમાં પ્રેમ અનુભવ્યા વિના શરીરનું સુખ માણેલું ત્યારે જ મેં પત્નીની, પત્નીપણાની હત્યા કરી હતી અને પછી મોડેથી મેં મારી પત્નીની હત્યા કરી.' પછી પોઝ્નીશેફે પોતાની જીવનકથાનાં પાનાં ખોલતાં
વધુમાં કહ્યું, `સોળેકની ઉંમરે એ ઉંમરના કોઈ પણ છોકરાની જેમ, મારા મનમાં (સેક્સ વિશે) ભયંકર ઝંઝાવાતો ચાલી રહ્યા હતા. હું ખૂબ ડરતો, પ્રભુને પ્રાર્થના કરતો. મગજમાં તો બહુ વિચારો આવતા, પરંતુ હજુ સુધી મેં અસલી કૃત્ય નહોતું કર્યું. છેવટે એક રાતે મને અને મારા મોટા ભાઈને અમારો એક મોજીલો દોસ્તાર પેલી જગ્યાએ (ગણિકા પાસે) લઈ ગયો અને મેં પ્રથમ અનુભવ લીધો. અમારા કોઈ વડીલે અમને એવું નહોતું શીખવ્યું કે આ બધું ખરાબ ગણાય. એ ખરું કે બાઈબલના ટેન કમાન્ડમેન્ટ્સ છે, પરંતુ એ તો માત્ર રટવા માટે છે. વાસ્તવમાં તો લોકો આને (સેક્સ) સારી ચીજ ગણતા અને કહેતા પણ કે એનાથી સ્વાસ્થ્ય સુધરે. જોકે, એમાં ચેપી રોગનું જોખમ ખરું, પરંતુ એનાથી બચાવવા માટે વિજ્ઞાન છે જ ને! રોગ થાય તો વિજ્ઞાન ઉપચાર કરી આપે. સ્ત્રીઓને સગર્ભા બનવાથી કઈ રીતે બચવું એ શીખવવામાં આવે. (જાતીય) રોગોની ચિકિત્સામાં જેટલો ખર્ચ થાય છે એનાથી સોમા ભાગનો ખર્ચ પણ વ્યભિચારની (વૃત્તિની) ચિકિત્સા પાછળ નથી થતો. ટૂંકમાં, આમાં કશું ખરાબ છે એવું મને કોઈએ કહ્યું-શીખવ્યું નહીં અને પછી તો શરાબ અને ધૂમ્રપાનની જેમ વ્યભિચાર પણ મારા જીવનનો સહજ હિસ્સો બની ગયો.
જોકે, એક વાત કહી દઉં કે પહેલા જ અનુભવ બાદ મને ભારે ઉદાસી ઘેરી વળેલી અને મને રડવાનું મન થઈ ગયેલું. અંદરખાને મેં એવું અનુભવેલું કે સેક્સના પ્રથમ અનુભવ બાદ સ્ત્રીઓ સાથેનો મારો અગાઉનો પવિત્ર સંબંધ કાયમને માટે બદલાઈ ચૂક્યો હતો. હું વિલાસી બની ચૂક્યો હતો. પછી તો માણસને જેમ મોર્ફિન, દારૂ, તમાકુની લત લાગે તેમ મને વિલાસિતાની લત લાગી. આ લત જેને લાગે એ પછી કાયમને માટે એનો બંધાણી બની જાય. વિલાસિતાથી પીડાતો માણસ અન્ય વ્યસનોના બંધાણીની માફક પછી ક્યારેય નોર્મલ નથી રહી શકતો. જે રીતે વ્યસનીને એ જ રીતે વિલાસીને પણ એના ચહેરા પરથી ઓળખી શકાય. આવો માણસ કોઈ જુવાન સ્ત્રી સામે જે રીતે જુએ એના પરથી જ ખબર પડી જાય કે એ વિલાસી છે. તો હું વિલાસી બન્યો અને પછી હંમેશાં વિલાસી જ રહ્યો, આજ લગી.
ખૈર, સોળથી ત્રીસની ઉંમર સુધી હું બેફામ ભોગવિલાસમાં રાચતો રહ્યો. જોકે, એ સમગ્ર સમયગાળા દરમિયાન એક વાત મારા મનમાં પાક્કી હતી કે છેવટે હું કોઈ સરસ કન્યાને પરણીને એક ભદ્ર માણસ તરીકે જીવીશ. મારી નજર સતત મારે લાયક છોકરી શોધતી રહેતી. હું પોતે કીચડમાં આળોટી રહ્યો હતો, પરંતુ ભાવિ પત્ની તરીકે હું જે મને શોભે, મારા માટે લાયક હોય એવી શુદ્ધ અક્ષતયોનિ કુંવારિકાને શોધી રહ્યો હતો. અનેક કન્યાઓનાં માગાં મેં નકારી કાઢેલાં, કારણ એ જ કે મને એ પૂરતી શુદ્ધ નહોતી લાગી.
છેવટે મને એક કન્યા મારા માટે યોગ્ય લાગી. અગાઉ બહુ અમીર રહ્યા બાદ ખુવાર થયેલા એક મોટા ખાનદાનની બે દીકરીઓમાંની એ એક હતી. ખોટી નમ્રતા દાખવ્યા વિના એક સાદી સચ્ચાઈ તમને કહી દઉં કે મેં એને પસંદ કરી એના કરતાં એમ કહેવું વધુ યોગ્ય ગણાશે કે એ લોકોએ, ખાસ તો છોકરીની મમ્મીએ અમારું ચોકઠું ગોઠવાય એ માટે પ્રયત્નો કરેલા. એ પ્રયત્નોના ભાગરૂપે એક રાતે કન્યા સાથે હું નૌકાવિહાર કરું એવી ગોઠવણ થઈ. એ રાતે મારું ભવિષ્ય નક્કી થઈ ગયું.
એ ચાંદની રાત હતી. નૌકામાં હું કન્યાની બાજુમાં બેઠો હતો. એની જર્સીમાંથી એની સુડોળ કાયા વ્યક્ત થઈ રહી હતી. એના વાંકડિયા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા અને અચાનક મને લાગ્યું કે બસ, આ જ... આ જ છે એ. મને લાગ્યું કે હું જે કંઈ વિચારું અને અનુભવું છું એ બધું જ આ છોકરી સમજી રહી છે. હું એકદમ ઉદ્દાત અને ભવ્ય વિચારો-અનુભૂતિમાં સરી પડ્યો. અસલમાં મૂળ પ્રભાવ તો જર્સી અને વાંકડિયા વાળનો જ હતો અને એ પણ ખરું કે એક આખો દિવસ હું એની સાથે રહેલો તથા તેની વધુ ને વધુ નજીક જવાનું મને મન થઈ રહ્યું હતું.
કન્યા સાથેના નૌકાવિહાર બાદ હું ઘરે પાછો ફર્યો ત્યારે એકદમ ઉત્સાહમાં હતો અને મને લાગ્યું કે ઉચ્ચતમ પૂર્ણતા કોને કહેવાય એની આ છોકરીને સમજ છે અને માટે એ મારી પત્ની બનવાને લાયક છે. બીજા જ દિવસે મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
તમે માનો કે ન માનો, હકીકત એ જ છે કે આપણા (19મી સદીના ભદ્ર રશિયન) સમાજમાં કોઈ પણ માણસ પરણતાં પહેલાં અનેક સ્ત્રીઓને પરણી ચૂક્યો હોય છે (એમની સાથે સંબંધ બાંધી ચૂક્યો હોય છે), પછી એ ચાહે ગણિકાઓ હોય, આયા હોય, રસોઈયણ હોય કે બીજોઓની પત્ની હોય. બધાને બધી જ ખબર હોય, પણ નવલકથાઓમાં પ્રેમનું વર્ણન કરતી વખતે ઊંચા વિચારો અને ભવ્ય અનુભૂતિઓ અને નૌકાવિહારો અને એવું બધું સુષ્ઠુ સુષ્ઠુ જ લખ્યું હોય, પણ અસલમાં પ્રેમી જીવડો અગાઉ કેવાં પરાક્રમો કરી ચૂક્યો હોય એની કોઈ વાત ન કરે. પુરુષ પોતે પણ એની પ્રેમિકા સાથે હોય ત્યારે એવું માને કે પ્રેમ વિનાના ગંદા સંબંધો સમાજમાં છે જ નહીં અથવા તો બહુ ઓછા છે. એ પુરુષની પ્રેમિકા, ભાવિ પત્ની પણ એવું માને કે એનાવાળો મરદ એકદમ ચોખ્ખો છે. મારી પત્નીએ પણ મારા વિશે એવું જ માન્યું.
અમારી સગાઈ થયા બાદ મેં મારા ભૂતકાળનાં સંભારણાં વિશેનું, ખાસ તો મારા છેલ્લા લફરા વિશેનું મારું લખાણ ભાવિ પત્નીને વંચાવ્યું. મને શંકા હતી કે હું એને નહીં જણાવું તો પણ એને અમારા કોઈ ઓળખીતા પાસેથી કૂથલીરૂપે આ વાતની ખબર પડવાની જ હતી. એટલે મેં સામે ચાલીને મારો ભૂતકાળ એની સામે ખુલ્લો મૂક્યો. એ વાંચીને એ ડઘાઈ ગઈ.
એને એટલો આઘાત લાગ્યો કે એણે સગાઈ તોડવાનું પણ વિચાર્યું. કાશ, એણે સગાઈ તોડી નાખી હોત તો અમે બચી ગયાં હોત.'
આટલું કહીને પોઝ્નીશેફે ઊંડો નિઃસાસો નાખ્યો. (ક્રમશઃ)
***
આ કાલ્પનિક કથાનું અહીં સુધીનું વર્ણન ટોલ્સ્ટોયના વાસ્તવિક જીવન સાથે ઘણું બધું મળતું આવે છે. આ નવલકથા મહદંશે (ખૂનની ઘટના તથા અન્ય કેટલીક બાબતો બાદ કરતાં) ટોલ્સ્ટોયની પોતાની જ આત્મકથા છે એવી એક માન્યતા સાવ પાયા વિનાની નથી.