સત્યાસી વર્ષના શાંતિલાલ ખૂબ જ અશાંત થઈ ગયા હતા. આમ તો એ સરળ અને સૌમ્ય સ્વભાવના સજ્જન વ્યક્તિ હતા, પણ છેલ્લા કેટલાક સમયથી એમની ખોપડી `સોલિડ તપેલી' રહેતી હતી.

એ સતત ગુસ્સામાં રહેતા હતા, કન્ટિન્યૂઅસ અગ્રેસિવ મોડમાં ફરતા હતા. વાતે વાતે એ ધગધગી ઊઠતા હતા. દાંત નહીં હોવા છતાં દાંત ભીંસ્યા કરતા હતા. ફૂંફાડા મારી છણકા કર્યા કરતા હતા. વારે વારે મોટે મોટેથી `નાલાયકો, હરામખોરો, જુઠ્ઠા, લબાડ' એવું બોલ્યા કરતા હતા. દિવસ દરમિયાન બેઠાં બેઠાં જોર જોરથી જમીન પર લાકડી પછાડતા. રાત્રે ઊંઘમાં સૂતાં-સૂતાં હવામાં મુઠ્ઠીઓ ઉગામતા રહેતા હતા. ઘરના લોકો શાંતિલાલના આવા વિચિત્ર વર્તનથી હેબતાઈ ગયા હતા.

મૂળમાં શાંતિલાલ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા સત્યવાદી અહિંસક માણસ હતા. મોટી ઉંમરે પણ શરીરે સ્વસ્થ અને માનસિક રીતે મજબૂત હતા. એ ક્યારેય ગુસ્સે નહોતા થતા, પણ અચાનક જ એ કંઈક વિચિત્ર રીતે ખીજવાયેલું વર્તન કરવા માંડ્યા હતા. શાંત શાંતિલાલના આવા અશાંત વર્તનથી હબક ખાઈ ગયેલા ઘરના લોકોએ તાત્કાલિક ડૉક્ટરને ઘરે બોલાવ્યા. ડૉક્ટર પણ જ્યારે પોતે માનસિક રીતે મૂંઝાય ત્યારે `શાંતિદાદા' પાસે સલાહ લેવા આવતો'તો. એટલે એ ફટાફટ ઉગ્ર શાંતિલાલને તપાસવા પ્રગટ થઈ ગયો.

ડૉક્ટરને ઘરે આવેલો જોઈ શાંતિલાલ તાડૂક્યા, `અલ્યા એ ડૉક્ટરિયા, મને કંઈ નથી થયું. ચલ નીકળ અહીંથી. દવાખાને જઈ તારા દર્દીઓને તપાસ, હાળા કામચોર.' શાંતિલાલની આવી `અવળવાણી' સાંભળી ડૉક્ટર પણ `છક્ક' થઈ ગયા. એણે શાંતિલાલને ક્યારેય આવા સ્વરૂપમાં નહોતા જોયા. એણે ઘરના લોકોને કહ્યું, `મોટી ઉંમરના કારણે આમના શરીરમાં સોડિયમ કે પોટેશિયમ ઓછાં થઈ ગયાં હોય એવું લાગે છે, એને લીધે શાંતિદાદાને સનેપાત ઊપડ્યો છે અને એ આવું ચિત્ર-વિચિત્ર બોલી રહ્યા છે.' આ સાંભળી શાંતિલાલ મોટેથી બરાડ્યા, `કપાળ તારું, સનેપાત તો તું કરી રહ્યો છે ડોબા. ડૉક્ટર થઈને તું પણ બીજા બધાયની જેમ બેફામ બકવાસ કરવા માંડ્યો?' ડૉક્ટર તો ચકિત થઈને શાંતિલાલને જોઈ જ રહ્યો. શાંતિલાલે ધીમા અવાજે બબડવાનું, ઘૂરકાટ કરવાનું ચાલુ જ રાખ્યું. `નાલાયકો છે બધા. જુઠ્ઠા, લબાડ છે બધા. બેશરમ, નકટા છે બધા.'

ડૉક્ટરે શાંતિથી શાંતિલાલને `ઓબ્ઝર્વ' ક2વાનું શરૂ કર્યું. એને એવું લાગ્યું કે શાંતિલાલ મનમાં ને મનમાં ખૂબ `ધૂંધવાઈ' રહ્યા છે. કોઈકના ઉપર એ `કચકચાવીને' ગુસ્સે થયા છે, પણ પોતાની વ્યથા, અકળામણ એ `પ્રોપર રીતે' કહી નથી શકતા. ડૉક્ટરને દેખાયું કે શાંતિલાલ ગરમ થઈ વરાળ ભરેલા કૂકર જેવા છે, પરંતુ બરાબ2 `સીટી' ન વાગવાના કારણે અંદરથી `ખદખદી' રહ્યા છે. ડૉક્ટરે ઘરના લોકો તરફ જોયું અને એણે સૌને બહાર જતા રહેવા ઇશારો કર્યો. બધા એક પછી એક શાંતિલાલની રૂમમાંથી બહાર નીકળી ગયા.

ડૉક્ટરે ધીમેથી રૂમનો દરવાજો બંધ કર્યો અને ચૂપચાપ એ શાંતિલાલ પાસે આવીને બેઠો. શાંતિલાલનો હાથ પકડી સહાનુભૂતિભર્યા અવાજે ડૉક્ટરે પૂછ્યું, `શાંતિદાદા, તમે આટલા બધા ગુસ્સે કેમ છો? કોના પર અકળાયેલા છો?' શાંતિલાલે હાથ છોડાવીને કહ્યું, `ગુસ્સે ન થાઉં, અકળાઉં નહીં તો શું કરું? આ બધું શું ચાલી રહ્યું છે આજકાલ?' ડૉક્ટરે પૂછ્યું, `ક્યાં?' તો શાંતિલાલે ખીજવાઈને કહ્યું, `ક્યાં શું? આપણા દેશમાં. આપણા દેશમાં આજે શું ચાલી રહ્યું છે? જ્યાં જુઓ ત્યાં બૂમાબૂમ, રાડારાડી, લડાલડી. ચારે બાજુ એકબીજાનો વિરોધ, ધાંધલ ધમાલ ચાલે છે. જેને જુઓ એ બેફામ બકવાસ કરી રહ્યો છે. દેશની ઇજ્જત આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેવો વાણીવિલાસ કરી આપણા જ લોકો આપણા જ દેશને દુનિયામાં બદનામ કરી રહ્યા છે. લોકો એકબીજા ઉપર કાદવ કીચડનાં પીપડાં ઠાલવી રહ્યા છે. દેશને બહારના દુશ્મનોની સાથે અંદરના દુશ્મનોથી પણ ખતરો વધી રહ્યો છે, તો પણ કોઈના પેટનું પાણીયે નથી હલી રહ્યું. લોકોને પોતાના સિવાય બીજા કોઈની પડી જ નથી. લોકો બેફામ, બેજવાબદાર, બેકાબૂ બની રહ્યા છે. દેશની, પ્રજાની તો કોઈને કંઈ પડી જ નથી. અત્યારે તો બધા આડેધડ, એલફેલ વર્તન કરી રહ્યા છે. બધા નાલાયક, નપાવટ થઈ ગયા છે. આટલું બધું એકસાથે બોલી શાંતિલાલ બેઠાં બેઠાં અકળાઈને હાંફવા માંડ્યા.

ડૉક્ટરને ખ્યાલ આવી ગયો કે શાંતિલાલને શું થયું. દેશમાં સુમેળભર્યા વાતાવરણનાં સપનાં જોનારા સ્વાતંત્ર્યસેનાની શાંતિલાલ દેશની હાલની સ્થિતિને કારણે અકળાઈને આવું વર્તન કરી રહ્યા હતા. એમણે શાંતિલાલનું મગજ શાંત પડે એવી દવાઓ આપી. ટીવીના સમાચારો જોવાનું, છાપાં વાંચવાનું બંધ કરાવ્યું અને શાંતિલાલ થોડા દિવસમાં શાંત થઈ ગયા, પણ આવા બીજા ઘણા બધા શાંતિલાલો અકળાયેલા ફરી રહ્યા છે, એમનું શું થશે?