ઘણીવાર આપણા ઘરમાં મોડી રાતે જ્યારે બધું જ શાંત થઇ જાય છે ત્યારે ઘરના કોઇ ખૂણે ક્રિકેટ્સના અવાજ ચાલુ થઇ જાય છે અને તે તમારી ઊંઘ ખરાબ કરી દે છે. ઘણીવાર તો સતત તેના અવાજે લાંબી ઊંઘ પણ લઇ શકતા નથી. થોડા દિવસ પહેલાં જ ચીનનાં જંગલોમાં 18 વર્ષીય યાંગ નામનો યુવાન જંગલમાં નેચરનો અવાજ સાંભળવા ગયો હતો. તે દરમિયાન ક્રિકેટ્સના સતત ગણગણને કારણે તે બેરો થઇ ગયો હતો. તે ગયો હતો નેચરની મજા માણવા, પણ પોતે દર્દી બનીને જંગલ બહાર નીકળ્યો. નોંધનીય છે કે, યાંગ કોઇ પણ પ્રકારના ઇયર પ્રોટેક્શન વગર ત્યાં ચાર કલાક રહ્યો હતો. જંગલામાં સાંજ પડતાંની સાથે જ તેને લાગ્યું કે તેના કાનમાં સોજા ચડી ગયા છે અને તે મોબાઇલ મેસેજ ટોન કે સામાન્ય ચકલીનો અવાજ પણ સાંભળી શકતો નથી. અલબત્ત, ડોક્ટરી તપાસમાં જાણ થઇ કે, ક્રિકેટ્સના સતત અવાજથી તેને હિયરિંગ લોસ થયો છે, તેથી ડોક્ટરે તેને ઘોંઘાટથી દૂર રહેવાની સલાહ આપી અને અંદાજિત 14 દિવસ બાદ તે વ્યવસ્થિત સાંભળતો થયો. ટૂંકમાં, ક્રિકેટ્સનું સતત ગણગણ પણ તમારા કાનને હાનિ પહોંચાડી શકે છે.

ચહેરો નથી ગમતો? તો બદલી નાખો

લોકો પોતાની જાતને વધુ સુંદર બનાવવા ક્રીમ્સ, ટેબ્લેટ કે ઘરગથ્થુ નુસ્ખા અજમાવતા હોય છે. અલબત્ત, કેટલાક લોકો મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે, જેમાં પ્લાસ્ટિક સર્જરીનો પણ વિશેષ સમાવેશ થાય છે, પરંતુ દ. કોરિયામાં મોટાભાગના લોકો પોતાની જાતને વધુ ને વધુ સુંદર બનાવવા બિન્ધાસ્ત પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા છે. દ. કોરિયામાં માથાદીઠ પ્લાસ્ટિક સર્જરીનો દર વિશ્વમાં સૌથી વધુ છે. એવો અંદાજ છે કે આશરે 20%થી 33% સ્ત્રીઓ(ખાસ કરીને 19થી 29 વર્ષની નાની વય જૂથની)એ તેમના જીવનના કોઈ ને કોઈ તબક્કે કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, કારણ કે દ. કોરિયાના યુવાવર્ગને એટ્રેક્ટિવ પ્લસ સેન્ટ્રલ ઓફ એક્ટ્રેક્શન બનવું વધારે પસંદ છે, જે માટે તેઓ કોઇ પણ હદે જવા તૈયાર છે. અહીં સિયોલનો ગંગનામ વિસ્તાર પ્લાસ્ટિક સર્જરીનું મુખ્ય હબ કહેવાય છે. જ્યાં અધધ ક્લિનિક જોવા મળે છે. સૌથી સામાન્ય સર્જરી ડબલ પોપચાંની સર્જરી છે. કોરિયન લોકોમાં સામાન્ય રીતે એક ઢાંકણવાળી આંખો હોય છે. ડબલ પોપચાં આંખોને મોટી અને તેજસ્વી બનાવે છે. નવાઇની વાત એ છે કે, અહીં નાકની સર્જરી, વી-લાઇન જડબાને આકાર આપવો, લિપોસક્શન અને બોટોક્સ સાવ સામાન્ય બાબત છે.

લાખો રૂપિયાની ઝોમ્બી ફૂગ!

હિમાલયની ઊંચાઈવાળી જગ્યાઓ પર જોવા મળતા કીટક(ઇયળ)ને યાર્સાગુમ્બા તરીકે ઓળખવામાં આવે છે. આ કીટકોની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કિંમત લાખો રૂપિયા છે. આ કીટકનું વૈજ્ઞાનિક નામ ઓફિયોકોર્ડિસેપ્સ સાઇનેન્સિસ (Ophiocordyceps sinensis) છે. મૂળ આ એક પરોપજીવી ફૂગ છે જે આ કીટકના લાર્વા પર હુમલો કરે છે. આ કીટકો (ઈયળ) ઠંડા, ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂગર્ભમાં રહે છે. આ ફૂગ તેમના શરીરમાં પ્રવેશ કરે છે, તેમને મારી નાખે છે અને પછી તેમના માથામાંથી ઊગે છે. આ કારણે લોકો તેને `ડેડ વોર્મ' અથવા `ઝોમ્બી ફૂગ' પણ કહે છે. આ કીટકો હિમાલય સિવાય નેપાળ, તિબેટ ઉપરાંત ભુતાનમાં પણ જોવા મળે છે. વસંતઋતુ અને ગરમીની શરૂઆતમાં જ્યારે આ વિસ્તારોમાં બરફ પીગળે છે ત્યારે આ વિસ્તારના લોકો તેની શોધમાં નીકળી જાય છે. જમીન પર નાની દાંડીઓ જુએ છે અને તેને ખૂબ જ સાવધાની ખોદીને ઉખાડે છે. એક કિલો કીટકો માટે અંદાજિત 1000 જેટલી દાંડીઓ શોધવી પડે છે. નોંધનીય છે કે, ચીન અને તિબેટમાં આ કીટકોનો ઉપયોગ ચિકિત્સા માટે સદીઓથી ચાલતો આવ્યો છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો