તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે એશિયાના ઊંચા પહાડોમાં થતી કાળઝાળ ગરમી, હજારો કિલોમીટર દૂર આવેલા અમેરિકાના દરિયાકિનારે ભયાનક વાવાઝોડું અને પૂર લાવી શકે છે. મતલબ કે એશિયાના પહાડો અતિશય ગરમ થાય તો અમેરિકાના દરિયાકિનારે નિશ્ચિતરૂપે પૂર આવે જ. આવું કેમ? ભાઇ એનું જ નામ કુદરત. એ કંઇ આપણી સગવડતા પ્રમાણે ન વર્તે. એના પોતાના નિયમો અને પોતાના ગણિત છે. એ પોતાના નિયમ અને ગણિત પ્રમાણે જ વર્તન કરે છે. આપણી પૃથ્વીનું વાતાવરણ એક અદ્ભુત અને રહસ્યમય તાંતણે બંધાયેલું છે. ઘણીવાર આપણને લાગે છે કે કોઈ એક ખૂણે થતી હવામાનની ઘટના માત્ર સ્થાનિક જ હશે, પણ આગળ કહ્યું એમ કુદરતનો નિયમ અલગ છે, કોઇ ખૂણે થતી ઘટના સ્થાનિક ન પણ હોઇ શકે, એ ઘટનામાં કાર્યકારણનો સંબંધ હોય અને એ ઘટનાને કારણે હજારો કિલોમીટર દૂર કોઇ સ્થળે મોટી બીજી ઘટના પણ ઘટી શકે છે.   

વેલ, વાતોનાં બહુ વડાં ન કરીએ અને સીધા મુદ્દે આવીએ.   

દરિયાઈ સપાટીથી આશરે 14,800 ફૂટની ઊંચાઈએ આવેલો તિબેટનો ઉચ્ચપ્રદેશ (જે મુખ્યત્વે ચીનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે) એશિયાનો સૌથી મોટો અને ઊંચો વિસ્તાર છે. તિબેટમાં ઉનાળાના મહિનાઓ દરમિયાન સામાન્ય રીતે વધુમાં વધુ તાપમાન 20°Cથી 23°C (68°F થી 73°F) ની આસપાસ રહે છે. તિબેટના ઉચ્ચપ્રદેશ પર અતિશય ગરમી નથી પડતી અને તાપમાન ભાગ્યે જ 30°C (86°F)ને પાર કરે છે, જ્યારે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં તો ઉનાળા દરમિયાન પણ વાતાવરણ ઘણું ઠંડું રહે છે. હવામાં ભેજનું ઓછું પ્રમાણ હોવાને કારણે અહીં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત જોવા મળે છે. જેમ કે, ઉનાળાની રાતોમાં તાપમાન ઘટીને 9°Cથી 10°C સુધી પહોંચી જાય છે. જ્યારે શિયાળાના સમયગાળામાં (નવેમ્બરથી માર્ચ) અહીં અતિશય કડકડતી ઠંડી પડે છે અને સરેરાશ તાપમાન -4°C કે તેથી પણ નીચે જતું રહે છે. વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, જો શિયાળાની શરૂઆતમાં આ પ્રદેશમાં ઠંડી ન શરૂ થાય અને સામાન્ય કરતાં વધુ ગરમી પડે, તો તેની સીધી અસર મહિનાઓ પછી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં જોવા મળે છે. હવે આવું કેમ થાય છે એ વૈજ્ઞાનિક શોધનો વિષય હતો, તો વૈજ્ઞાનિકોએ એ પણ શોધ કરી અને એ લોકોએ શું તારણ કાઢ્યું એ વિશે થોડી ચર્ચા કરી લઇએ.   

સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો વરસાદ કે વાવાઝોડાની આગાહી કરવા માટે સમુદ્રના તાપમાન (જેમ કે, `લા-નીના' કે `અલ-નીનો') પર નિર્ભર રહે છે. લા-નીના એ સમુદ્રનું તાપમાન ઠંડું થવાની એક પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે કેલિફોર્નિયામાં દુષ્કાળ લાવે છે, પરંતુ વર્ષ 2016-2017 અને 2022-2023ના શિયાળામાં લા-નીના હોવા છતાં કેલિફોર્નિયામાં ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને રસ્તાઓ-પુલો તૂટી ગયા. અઢળક નુકસાન થયું અને કેલિફોર્નિયા જળબંબાકાર થઇ ગયું. કોઈ પણ કમ્પ્યૂટર મોડલ માત્ર સમુદ્રના તાપમાન પરથી આટલા ભયાનક પૂરનું કારણ સમજી શક્યું નહોતું. ત્યારે વિજ્ઞાનીઓએ જમીનના તાપમાન પર ધ્યાન આપ્યું અને તિબેટ સાથેનો આ અદૃશ્ય સંબંધ સામે આવ્યો. આ કામ અઘરું હતું, પણ વૈજ્ઞાનિકોએ એક પછી એક કડીઓની ભરપૂર તપાસ આદરી અને એ કડીઓને એકબીજા સાથે જોડતાં ગયાં.   

ભવિષ્યની આગાહીઓ માટે નવો આશાવાદ

આ શોધ માત્ર એક સિદ્ધાંત નથી, પરંતુ હવામાનની આગાહીઓ સુધારવા માટેની એક મજબૂત ચાવી છે. ભૂતકાળમાં પણ રોકી પર્વતોનું તાપમાન અમેરિકાના દક્ષિણ તરફનાં મેદાનોના હવામાનને અસર કરતું જોવા મળ્યું છે અને તિબેટની ગરમી પૂર્વ એશિયાના મોન્સૂન પર પણ અસર કરે છે.   

હવે જો શિયાળાની શરૂઆતમાં તિબેટના તાપમાન પર નજર રાખવામાં આવે, તો કેલિફોર્નિયા જેવા વિસ્તારોમાં આવનારા વાવાઝોડાની ચોક્કસ આગાહી અગાઉથી કરી શકાશે. 

આનાથી ત્યાંની ગવર્નમેન્ટ એલર્ટ બનશે અને ડિઝાસ્ટર ટીમને પહેલેથી જ કોઇ જાનહાનિ ન થાય એની વ્યવસ્થા કરવાનું કહી દેશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટને બીજી તૈયારી કરવાનો પણ પૂરતો સમય મળી જશે, જેથી હજારો લોકોના જીવ અને સંપત્તિ બચાવી શકાશે.   

આ સંશોધન આપણને પ્રકૃતિનો એક સુંદર પાઠ ભણાવે છે. આપણે બનાવેલી બોર્ડર અને આપણે પાડેલા ભાગલા પૃથ્વી પર લાગુ નથી પડતા. કુદરત કોઈ સરહદ કે વિભાજનથી બંધાયેલી નથી. એનો નિયમ તો એવો કે દૂર બીજા કોઇ દેશમાં બનેલી એક નાની ઘટના પણ પૃથ્વીના બીજા છેડે મોટી હલચલ મચાવી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો