विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम्।
परिणामेविषमिवतत्सुखंराजसंस्मृतम् ॥ ३८ ॥
ભગવદ્ગીતાના અધ્યાય 18 જેને મોક્ષ સંન્યાસ યોગ પણ કહે છે, ઉપસંહાર પણ કહે છે તેનો 38મો ઉપરોક્ત શ્લોક કર્મ અને સુખની વ્યાખ્યા અત્યંત સ્પષ્ટતાથી કરે છે.
શ્લોકનો ભાવાર્થ છે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય છે. આ જે સુખની વ્યાખ્યા છે તે કર્મને પણ લાગુ પડે છે. સુખના સ્થાને કર્મ મૂકી દો, કેટલાંક કર્મો શરૂઆતમાં અમૃત જેવાં મીઠાં લાગે છે, પણ અંતે ઝેર જેવાં સાબિત થાય છે. તેનું પરિણામ અત્યંત વિષમય આવી શકે છે.
ચીનનો હુનાન પ્રાંત, હુનાન પ્રાંતનો એક ગરીબ પરિવાર. ગરીબ પરિવારમાં ઉછરેલો વાંગ શાંગકુન, ગરીબીના અભાવના પ્રભાવથી પ્રતાડિત હતો. નાનપણથી જ તેના મિત્રો અને અન્ય પરિવારોના જલસા તેને કઠતા. તેને જાતજાતનાં ગેજેટ્સ આકર્ષિત કરતાં, પરંતુ તેની ખરીદી કરવાની ક્ષમતા ન હોવાથી મન મારીને બેસી રહેતો. 24 જૂન, 2010ના રોજ આઇફોન 4 લોન્ચ થાય છે જે તે સમયે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતો હતો. વાંગને નવીનતમ iPhone 4 ખૂબ જ ગમી ગયો ને ફરી નડી ગઈ ગરીબી. એકાદ વર્ષ પછી એટલે કે 2011 સુધી મન મારીને બેઠા પછી તેની ઈચ્છા કાબૂ બહાર જતી રહી અને તેણે આઇફોન 4 ખરીદવાના પ્રયત્ન આરંભી દીધા. થોડાં ફાંફા માર્યાં પછી તેની મુલાકાત થાય છે એક ઓનલાઈન ટ્રાફિકર સાથે જે તેને એક ઓફર આપે છે અને વાંગ ટ્રાફિકરની ઓફરથી લલચાઈ જાય છે. ઓફરના બદલામાં તેને $4,500 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે અને તે ભંડોળમાંથી એક iPhone 4થી સંતોષ નથી માનતો અને iPad 2 પણ ખરીદી લે છે.
ઓનલાઈન ટ્રાફિકરે એવી તે શું ઓફર આપી હશે જેના બદલામાં વાંગ શાંગકુનને આટલા બધા રૂપિયા મળ્યા? ઓફર હતી કિડની વેચવાની. માત્ર 17 વર્ષની ઉંમરે વાંગ એપલના તે સમયના નવીનતમ ગેજેટ્સ આઇફોન 4 અને આઈપેડ 2 ખરીદી શક્યો નહિ, તેથી ગેરકાયદેસર રીતે કિડની વેચવા સંમત થયો અને કાળા બજારના ઓર્ગન હાર્વેસ્ટર્સને તેની કિડની વેચી દીધી હતી. મિત્રો, સ્વયંના તેમજ અન્ય પરિવારોમાં વાહવાહી થઇ ગઈ, વાંગની ઇમેજ થોડી ધનવાનની થઇ ગઈ. તેના આત્માને આત્મસંતોષ સાંપડ્યો, તેની ખુશીનો પાર રહ્યો ન હતો, કેમ કે જીવનમાં પહેલી વાર તેણે ગરીબીને પરાજય આપ્યો હતો.
પરંતુ આ ખુશી ટકી ન રહી, કારણ કે તેની તબિયત બગડી. જ્યારે બધું ગેરકાયદેસર હોય ત્યારે સર્જરી કાયદેસર હોવાની શક્યતા નહિવત્ જ હોય. એક અસુરક્ષિત અને અસ્વચ્છ પરિસ્થિતિઓમાં સર્જરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર સર્જરીના થોડા સમય પછી, એક કિડની કાઢી નાખ્યા પછી બેક્ટેરિયલ ચેપને કારણે તેની બીજી કિડનીના કાર્યમાં ઘટાડો નોંધાવા લાગ્યો અને અંતે ધીમે ધીમે તેની બીજી કિડની ફેલ થઈ ગઈ. ચૌદ વર્ષ પછી માત્ર 31 વર્ષની ઉંમરે કાયમ માટે અપંગ બની ગયો. તેને ત્રીજા સ્તર પર કાયમી ધોરણે અપંગ જાહેર કરવામાં આવ્યો. તે કામ કરી શકતો નથી અને અન્ય સ્વાસ્થ્ય ગૂંચવણો સામે લડતી વખતે તેણે આજીવન ડાયાલિસિસ પર આધાર
રાખવો પડશે.
2012માં અંગ કાપણી કેસમાં સંડોવાયેલા કુલ નવ વ્યક્તિઓને તેમની સંડોવણી બદલ જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સામેલ પાંચ સર્જનો દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ વાંગ એક સમયે (17 વર્ષે) વિચારતો હતો કે તેણે યોગ્ય પસંદગી કરી છે, પરંતુ હવે તે તેને તેના જીવનનો `સૌથી મોટો અફસોસ' કહે છે. શરૂઆતમાં અમૃત અંતે ઝેર સમાન નિર્ણયોથી બચતા રહેવું.
