બાળક સ્કૂલમાં પ્રવેશે ત્યારથી જ માનવ સભ્યતા અને શિક્ષણ વ્યવસ્થા તેને સીધી લીટીમાં ઊભો રાખવાનું શરૂ કરી દે છે. લાઈનમાં ઊભા રહો. ટાઈમલાઈન ફોલો કરો. કરિયરનો ગ્રાફ ઊંચો લઈ જાવ. ડેડલાઈન સાચવો. પાછળ ન પડો. પ્રગતિને એક તીરની જેમ સીધી દિશામાં જ જોવામાં આવે છે. 'લાઈફ ઇઝ અ રેસ' - સૌજન્ય વિરુ સાહસ્ત્રબુદ્ધે.
પછી અચાનક નવરાત્રિ આવે છે. હજારો લોકો ચમકદાર કપડાં પહેરીને એક દીવાની આસપાસ ગોળ ફરવાનું શરૂ કરે છે અને કલાકો સુધી પરસેવો પાડ્યા પછી પણ ક્યાંય પહોંચતા નથી. પ્રોડક્ટિવિટીની નજરે જુઓ તો ગરબા એ એક ભયંકર હોનારત છે. તમે ચાર કલાક નાચો છો, છતાં તમે ત્યાં જ રહો છો જ્યાંથી તમે શરૂઆત કરી હતી. કોઈ અંતર કાપ્યું નહીં, કોઈ ટાર્ગેટ પૂરો કર્યો નહીં, કોઈ સર્ટિફિકેટ મળ્યું નહીં.
કદાચ એટલે જ આ ગોળ કૂંડાળામાં અદભુત શાંતિ મળે છે.
આધુનિક યુગે તો સીધી રેખાને પોતાનો ધર્મ બનાવી દીધો છે. આપણે સતત આગળ વધવાની જ વાતો કરીએ છીએ. કંપનીઓએ સ્કેલ થવું જ જોઈએ. કરિયરનો ગ્રાફ ઊંચે જવો જ જોઈએ. આપણે પ્રગતિને એક નૈતિક ફરજ માની લીધી છે. અટકી જવું એ આળસ છે. પાછા ફરવું એ નિષ્ફળતા છે.
આપણે સતત દોડવાને જ જિંદગીનો અર્થ માની લીધો છે. પણ કોઈ એ નથી પૂછતું કે આ બધી દોડધામ અંતે ક્યાં જઈ રહી છે. આધુનિક માણસ એક પ્રોગ્રેસ બારની અંદર જીવે છે. જ્યારે આ બાર અટકી જાય છે, ત્યારે તે ભયંકર ગભરાઈ જાય છે. એક ગોળાકાર નૃત્ય આ ગભરામણ સામેનો એક નાનકડો બળવો છે. તે કહે છે કે આજની રાત ગતિમાંથી કોઈ પ્રગતિ પેદા કરવાની જરૂર નથી. તમે એક જ જગ્યાએ વારંવાર પાછા ફરી શકો છો અને છતાં તમારી જાતને નિષ્ફળ માનવાની જરૂર નથી. 2026 હોય કે 3026 આ વિચાર હરહંમેશ ભયંકર ક્રાંતિકારી જ રહેશે, કારણ કે આપણે ઊંઘને ડેટામાં, મિત્રતાને નેટવર્કિંગમાં અને આરામને આવતીકાલની પ્રોડક્ટિવિટીમાં ફેરવી નાખ્યા છે.
આ ગોળ ભૂમિતિમાં માણસના અહંકારનો રામબાણ ઈલાજ છે. આધુનિક જીવનમાં દરેક માણસને કેન્દ્રમાં રહેવું છે. સેન્ટર ઓફ એટેન્શન. ચીફ ગેસ્ટ. મેઈન કેરેક્ટર. પણ ગરબામાં માણસ એક એવા કેન્દ્રની આસપાસ ફરે છે જે પોતે નથી. વચ્ચે ગરબો છે, દીવો છે કે શક્તિ છે. આ વ્યવસ્થામાં એક બહુ મોટી ફિલોસોફી છે કે તમે કેન્દ્રમાં રહ્યા વિના પણ પૂરી ઊર્જાથી સામેલ થઈ શકો છો. આજે આ વિચાર પચાવવો બહુ અઘરો છે, કારણ કે સોશિયલ મીડિયાએ આપણને બધું જ પોતાની તરફ વાળતા શીખવી દીધું છે. આપણે સૂર્યાસ્ત નથી જોતા, સૂર્યાસ્ત આપણા ચહેરા માટે માત્ર બેકગ્રાઉન્ડ બની ગયો છે. મોડર્ન અહંકારને દરેક વર્તુળની બરાબર વચ્ચે ઊભા રહેવું છે.
જ્યારે પરંપરા કહે છે કે વચ્ચે એવું કંઈક છે જે તમે નથી. નમ્રતા એટલે બીજું કશું નહીં, બસ એ યાદ રાખવું કે તમે કેન્દ્રમાં રહ્યા વિના પણ અગત્યના હોઈ શકો છો. જો દરેક ગ્રહ પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવવા નીકળી પડે, તો સૂર્યમંડળ જ તૂટી પડે.
અલબત્ત, વર્તુળ હંમેશા નિર્દોષ નથી હોતું. ફાયરિંગ સ્ક્વોડ પણ અર્ધવર્તુળ બનાવે છે. ટોળું પણ શિકારને ચારે બાજુથી ઘેરી લે છે. કોઈ પણ સમુદાય જ્યારે પોતાની જાતને અલગ તારવે છે, ત્યારે તે ચૂપચાપ પારકા હોવાની શક્યતા પેદા કરી દે છે. વર્તુળ પોતાની અંદર સેંકડો લોકોને સમાવી શકે છે, પણ સાથે જ તે પોતાની હદની બહાર ઊભેલા માણસનો બહિષ્કાર પણ કરે છે. સભ્યતાની નૈતિક ગુણવત્તા એ વાત પરથી નથી મપાતી કે અંદરના લોકો કેટલું સુંદર નાચે છે; તે એ વાત પરથી મપાય છે કે શું એ વર્તુળ કોઈ નવા માણસ માટે કે જેને સ્ટેપ્સ નથી આવડતા એવા માણસ માટે જગ્યા કરતા જાણે છે ખરું.
આપણે સીધી રેખાના ગુલામ છીએ કારણ કે આપણને સતત નવું જોઈએ છે. નવો ફોન. નવું શહેર. નવી જોબ. નવો સંબંધ. પણ જિંદગીનું સાચું અસ્તિત્વ ગોળાકાર છે. આપણે જાગીએ છીએ, જમીએ છીએ, કામ કરીએ છીએ, પાછા ફરીએ છીએ, ઊંઘીએ છીએ. ઋતુઓ પાછી ફરે છે. હૃદયના ધબકારા અને શ્વાસ પણ રિપીટ થાય છે. સતત નવાપણાની લત ધરાવતી સંસ્કૃતિ ક્યારેય ઊંડાણ પામી શકતી નથી. કારણ કે ઊંડાણ માટે તમારે એક જ વ્યક્તિ, એક જ કળા, એક જ પરિવાર અને એક જ જવાબદારી પાસે વારંવાર પાછા ફરવું પડે છે અને દર વખતે કંઈક નવું જોવું પડે છે.
પરત ફરવામાં કોઈ શરમ નથી. સીધી રેખાઓ આપણને ક્યાંક લઈ જવામાં બહુ માહેર હોય છે, પણ એ જગ્યા ખરેખર પહોંચવા લાયક હતી કે નહીં તે જણાવવામાં તે સાવ નિષ્ફળ જાય છે. જ્યારે વર્તુળ પાસે વિપરીત ડહાપણ છે. તે તમને એ નહીં કહી શકે કે તમે કેટલી પ્રગતિ કરી, પણ તે તમને ચોક્કસ કહેશે કે તમે વારંવાર કોની પાસે પાછા ફરો છો.
જો આપણી પાસે કોઈ કેન્દ્ર જ ન હોય, તો આપણી પ્રગતિ એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાવા સમાન છે.
નવરાત્રિ પૂરી થશે એટલે લાઈટ્સ બંધ થઈ જશે. ઓફિસો ફરીથી યંત્રવત ચાલુ થઈ જશે. ટ્રાફિકનો ત્રાસ તો શાશ્વત છે જ. લોકો ફરીથી લાઈનોમાં ઊભા રહેશે, ટાર્ગેટ પૂરા કરશે અને ગ્રાફ અપડેટ કરશે. પેલી સીધી રેખાઓ ફરીથી આપણો કબજો લઈ લેશે.
પણ એ ગોળ વર્તુળ એક બહુ મોટો બોધપાઠ પાછળ છોડી જશે. નવ રાતો સુધી હજારો લોકો પોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા વિના પૂરી ઉર્જાથી નાચ્યા. તેઓ ભવિષ્ય તરફ નહોતા નાચી રહ્યા. તેઓ ભૂતકાળથી દૂર નહોતા ભાગી રહ્યા. તેઓ માત્ર એક કેન્દ્રની આસપાસ ફરી રહ્યા હતા. માનવજાતને વર્તુળની જરૂર એટલા માટે નથી કે આપણને આગળ વધતા નથી આવડતું. આપણને વર્તુળની જરૂર એટલા માટે છે કારણ કે આપણે સમયાંતરે આપણી જાતને એ યાદ કરાવવું પડે છે કે આ બધી દોડધામ અને પ્રગતિ ખરેખર કોની આસપાસ ફરવી જોઈએ. કોઈ એકની ચોપાસ ફરી શકાય એવું કોઈ જિંદગીમાં છે જ્યાં ફરી ફરીને પાછું ફરવાનું મન થાય?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો