આમ તો કફનાશક ઔષધોમાં મધ એ ઉત્તમ ઔષધ છે. આપણે જેને `પંચામૃત' કહીએ છીએ તેમાંનું એક મધ છે. આ અમૃતતુલ્ય ઔષધ મધ વિશે જાણીએ.

મધ એ અનુપમ અને ગુણ સમૃદ્ધ ઔષધ છે. તે ઉત્તમ કફનાશક દ્રવ્ય છે. આમ તો મધુર-ગળી ચીજો કફ કરનારી હોય છે, પરંતુ મધમા રહેલા રૂક્ષ (Dry) ગુણને લીધે તે કફનો નાશ કરે છે. મહર્ષિ સુશ્રુતે મધને `બૃંહણ' કહ્યું છે. બૃંહણનો અર્થ થાય શરીરને પુષ્ટ કરનાર. આયુર્વેદના ગ્રંથોમાં મધને `યોગવાહી' પણ કહેવાયું છે. યોગવાહી એટલે જેના સંસર્ગમાં તે આવે તેના ગુણધર્મો પોતાનામાં સમાવી લે છે. બીજાં ઔષધો સાથે વિભિન્ન રીતે એટલે જ તે ઘણા રોગમાં પ્રયોજાય છે.

મધ સામાન્ય રીતે તલના તેલ જેવું કથ્થઈ રંગનું, ઘટ્ટ, મધુર, શીત, રૂક્ષ, ગ્રાહી, ચક્ષુષ્ય એટલે નેત્રોને માટે હિતાવહ, રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રબળ કરનાર, વ્રણ શુદ્ધિ કરી રુઝ લાવનાર, રંગ સુધારનાર, બુદ્ધિવર્ધક, શ્રમહર એટલે કે થાક ઉતારનાર, વૃષ્ય એટલે કામશક્તિ વધારનાર, કોઢ, મસા, કફના રોગો, કૃમિ, મેદ, પિત્ત, રક્તદોષ, ઊલટી, ઊબકા, ઝાડા, મેદના રોગો, ક્ષય, હેડકી, ત્રિદોષ, આફરો તથા કબજિયાતનો નાશ કરે છે.

આધુનિક રીતે મધ વિભિન્ન પ્રકારની શર્કરા(સાકર તત્ત્વો)નું અથવા બીજા શબ્દોમાં કાર્બોહાઈડ્રેટ્સનું મિશ્રણ છે. મધમાં રહેલા આ તત્ત્વો શારીરિક શક્તિ વધારે છે અને થાક દૂર કરે છે અને તેનો ઔષધરૂપે ઉપરોક્ત રોગોમાં વિભિન્ન રીતે ઉપયોગ થાય છે.

મધની મધુરતા અધિકાંશતઃ એમાં રહેલી દ્રાક્ષ-શર્કરા (ગ્લુકોઝ) અને ફળ-શર્કરા(ફ્રુક્ટોઝ)ને આભારી છે. કાર્બોહાઈડ્રેટની અધિક માત્રાને કારણે જ મધ 15થી 20 મિનિટમાં સાત્મ્ય બને છે અને ખૂબ જ ઝડપથી શરીરમાં શક્તિનો સંચાર કરે છે. મધ ખૂબ જ ઝડપથી શરીરમાં સાત્મ્ય થતું હોવાથી પાચનતંત્રના આહારના પાચન માટે થતા વધારાના શ્રમની બચત કરે છે.

આપણા ગુજરાતમાં એક લોલીંબરાજ નામના વિદ્વાન વૈદ્ય થઈ ગયા. તેમણે પોતાની પ્રિયતમાને ઉદ્દેશીને લખેલી `વૈદ્ય જીવન' નામની લઘુ પુસ્તિકામાં મેદ ચરબી ઘટાડવાનો ઉપચાર જણાવતાં લખ્યું છે કે, શીતળ જળમાં મધ નાખીને પીવામાં આવે તો સ્વયં ગણપતિ પણ અસ્થિશેષ બની જાય એટલે કે ગણપતિનો મેદ પણ ઓગળી જાય. એક ગ્લાસ શીતળ જળમાં બે ચમચી મધ નાંખી સવારે નરણા કોઠે પીવામાં આવે અને તે સાથે જરૂરી પરેજી પાળવામાં આવે તો અનાવશ્યક મેદ ઓગળી જાય છે.

મધ એ ચાંદાં ને વ્રણને મટાડનાર છે. મોઢાનાં ચાંદાં, મોંની દુર્ગંધ, પેઢાં-મસૂડાનું પરુ, દાંતનો દુખાવો વગેરે મુખની તકલીફોમાં પાણીમાં મધ મેળવી કોગળા કરવામાં આવે તો ફાયદો થાય છે. ચાર ચમચી અરડૂસીના રસમાં બે ચમચી મધ નાખીને દિવસમાં બે વખત લેવાથી ઉધરસ મટે છે. બે ચમચી આદુંનો રસ અને બે ચમચી મધ મિશ્ર કરીને લેવાથી સૂકી ઉધરસ મટે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો