હૃદયરોગીઓનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે, વધતું જાય છે. આવા રોગીઓમાં શીઘ્ર ફલપ્રદ અથવા તત્કાલ લાભ પહોંચાડતી આધુનિક ઔષધીઓના સતત ઉપયોગથી હૃદયાવસાદ, હૃદયક્ષોભ, હૃદયક્ષેપ, હૃદયના ધબકારા વધી જવા, બેચેની, સ્વેદાધિક્ય જેવા ઉ5દ્રવોનું પ્રમાણ વધી જાય છે. જે રોગીઓ બીકના માર્યા તરત જ લાભ આપનારી આવી ઔષધીઓનો વારંવાર અધિક માત્રામાં ઉપયોગ કરવા લાગે છે. તેઓને આ રોગ સ્થાયી બની જાય છે.
આવા રોગીઓને `અર્જુનારિષ્ટ' ચારથી પાંચ ચમચીની માત્રામાં એટલું જ પાણી ઉમેરી અથવા દાડમ જેવા ખાટા ફળોના રસ સાથે મિશ્ર કરીને દર સાતથી આઠ કલાકે આપવાથી આશાતીત લાભ મળે છે. આઠ-દસ અઠવાડિયાં તેનું સેવન કરાવ્યા પછી એને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થયા પછી ધીમે ધીમે તેની માત્રા ઘટાડીને પછી ઔષધોપચાર બંધ કરાવી શકાય છે.
અન્ય પ્રકારના હૃદયરોગીઓમાં જે રોગીઓને અત્યાધિક શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, આઘાત, આફરો, ગેસ, કૃમિ, અજીર્ણ તથા મદ્ય, તમાકુ વગેરે નાશાવાળી ચીજોથી હૃદયરોગ ઉત્પન્ન થાય છે અથવા કોઈ શારીરિક કે માનસિક રોગોને લીધે હૃદયરોગની ઉત્પત્તિ થઇ હોય ત્યારે તેનાં મૂળભૂત કારણોને દૂર કરવાના પ્રયત્નો સાથે અર્જુનારિષ્ટ રોગીના બળાનુસાર પ્રયોજવો જોઈએ.
રક્તમાં વહેતા ચરબીના અંશો (કોલેસ્ટેરોલ) કે વિષાક્ત પદાર્થો જ્યારે રક્તવાહી ધમનીઓમાં ચોંટવા લાગે છે, ત્યારે તેમાં કાઠિન્ય અને સાંકડાપણું ઉત્પન્ન થવાથી રક્તપ્રવાહમાં અવરોધ થવાથી હૃદયરોગ કે હાર્ટએટેકની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અર્જુનારિષ્ટની ઉષ્ણતા, તીક્ષ્ણતા અને સૂક્ષ્મતાને લીધે રક્તવાહિનીઓના અવરોધો દૂર થાય છે.
ઘણી વખત અન્ય શારીરિક રોગોને લીધે પણ હૃદયયંત્રમાં સોજો આવી જવાથી તેનો હોવો જોઈએ તે કરતાં વિસ્તાર વધી જાય છે. ત્યારે `એન્લાર્જમેન્ટ ઓફ હાર્ટ' કહેવામાં આવે છે. આવા કેસમાં પણ હૃદયને બગાડનાર મૂળભૂત શારીરિક રોગ સાથે હૃદયનો ઉપચાર કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. જેઓ માનસિક રીતે જ ભાંગી પડ્યા હોય, નર્વસ થઇ ગયા હોય, એવા હૃદયરોગીઓને મનોબળ દૃઢ બને એવા ઉપચારો સાથે અર્જુનારિષ્ટનું દીર્ઘકાલીન સેવન રોગમુક્તિ અપાવે છે.
આયુર્વેદના પ્રસિદ્ધ ટીકાકાર ચક્રદત્તે લખ્યું છે કે, હૃદયના રોગમાં અર્જુન વૃક્ષની છાલ દૂધમાં સિદ્ધ કરીને-ઉકાળીને પકવીને આપવી જોઈએ. ચક્રદત્તે બતાવેલો આ ઔષધ ઉપચાર પ્રયોગ હૃદયરોગી માટે હિતકારી છે. આયુર્વેદના આ અર્જુન વૃક્ષને ગુજરાતમાં `સાજડ' કે `સાદડ' નામથી ઓળખવામાં આવે છે. તેની બાહ્ય છાલ લીસી અને સફેદ હોય છે. પાંચસો ગ્રામ જેટલી અર્જુન છાલને સૂકવી, ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી.
બે વખત ઉકાળીને મલાઈ કાઢેલા ગાયના બે કપ જેટલા દૂધમાં એટલું જ પાણી ઉમેરી તેમાં અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ નાંખી ઉકાળીને જ્યારે પાણીનો ભાગ ઊડી જાય અને દોઢ કપ જેવું દૂધ રહે, ત્યારે નીરન્ન (નરણા) કોઠે પીવાથી હૃદય બળવાન બને છે. આઘાતો સહન કરી શકે છે. તીવ્ર પાલ્પીટેશનની તકલીફવાળાને પણ આ ઔષધ પ્રયોગ હિતકારી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો