આયુર્વેદમાં હિંગને `હિંગુ' કહેવામાં આવે છે. દાળ-શાકના વઘારમાં વપરાતી હિંગ એ હિંગના વૃક્ષનો નિર્યાસ (ગુંદર) છે અને તેના શ્વેત અને કૃષ્ણ એમ બે પ્રકાર છે. હિંગનાં વૃક્ષોનો શ્વેત ગુંદર સુગંધિત અને હિરક્વત શુભ્ર, સ્ફટિકાકાર હોય છે. જેને `હીરાહિંગ' પણ કહેવામાં આવે છે. આ ઉત્તમ હીરાહિંગનો જ ઔષધરૂપે ઉપયોગ કરવામાં આવે છે. કૃષ્ણ જાતિની હિંગ દુર્ગંધિત હોય છે અને તેને હિંગડાહિંગ કહેવામાં આવે છે.

જે હિંગને પાણીમાં નાખવાથી ધીમે ધીમે ઓગળી જાય અને તે પાણી સ્વચ્છ અને દુર્ગંધયુક્ત બની જાય અને પાત્રમાં તળિયે કોઈ અવશેષ બાકી ન રહે, તેને ઉત્તમ પ્રકારની માનવામાં આવે છે.

હિંગનો ઔષધરૂપે ઉપયોગ કરતાં પહેલાં તેની બે પ્રકારે શુદ્ધિ કરવામાં આવે છે. પ્રથમ પ્રકારમાં હિંગથી આઠ ગણા જળમાં તેને ઓગળીને ગાળી લીધા પછી, તેને મંદ મંદ તાપે જળહીન બનાવી ભરી લેવામાં આવે છે. બીજા પ્રકારની શુદ્ધિમાં હિંગને ગાયના ઘીમાં શેકી લેવામાં આવે છે. અમે વૈદ્યો ઉદરરોગોમાં શેકેલી હિંગના ઔષધયોગો અને ફેફસાંના રોગોમાં કાચી હિંગમાં અધિક તીક્ષ્ણતા અને છેદનશક્તિ હોવાથી તેનો પ્રભાવ ફેફસાં પર ઉત્ક્લેશકર અને ક્ષોભક બને છે, તેથી તેનો ઉપયોગ ઘીમાં શેકીને કરવો વધારે હિતકારી બને છે.

ગુણધર્મો

આયુર્વેદીય મતે હિંગ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર, વાયુનું અનુલોમન કરનાર તથા તે જઠર અને આંતરડાની ક્રિયાને ઉત્તેજનાર છે. હિંગ મળને નીચે સરકાવનાર, વાયુહર, કૃમીઓનો નાશ કરનાર, કફ અને દુર્ગંધનાશક, જ્ઞાનતંતુઓ અને ગર્ભાશયને ઉત્તેજનાર, અજીર્ણ, આફરો, દમ, ઉધરસ, ગેસ, ઉદરશૂળ વગેરે અનેક રોગોમાં હિતકારી છે. હિંગમાં એક પ્રકારનું ઉડનશીલ તેલ રહેલું હોય છે, જે શરીરમાં ગયા પછી શ્વાસ, ત્વચાનાં છિદ્રો અને મૂત્ર દ્વારા બહાર ફેંકાય છે અને તે માર્ગોને ઉત્તેજના આપી તેના કાર્યને સુધારે છે.

ઉપયોગો

ગેસ, આફરો વગેરે ઉદર વિકારોમાં હિંગનો લેપ પ્રચલિત છે. આવા વિકારોમાં હિંગને એરંડિયા તેલમાં મિશ્ર કરીને તેની માત્રાબસ્તિ (એનિમા) આપવામાં આવે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં 4થી 5 ગ્રામ હિંગ મિશ્ર કરીને કૃમિવાળા દર્દીઓને તેની બસ્તિ (એનિમા) આપવામાં આવે તો કૃમીમાં ફાયદો થાય છે. ઉધરસ અને શ્વાસમાં તેનો છાતી પર લેપ પ્રશસ્ત ગણાય છે.

અલ્પ માત્રામાં અને કષ્ટ સાથે આવતા માસિકમાં તે ગર્ભાશય સંકોચક હોવાથી આપવામાં આવે છે. આ ગુણને લીધે તે ગર્ભાશયની શુદ્ધિ કરે છે. જમ્યા પછી ત્રણ-ચાર કલાકે થતા પેટના દુખાવાને `પરિણામ શૂળ' કહેવામાં આવે છે. પરિણામ શૂળમાં એકથી બે ગ્રામ હિંગ, પાંચ ગ્રામ સોડાબાયકાર્બ અને અડધી ચમચી જીરાનું ચૂર્ણ મેળવીને આપવામાં આવે તો પરિણામ શૂળ મટે છે.

આયુર્વેદમાં વપરાતા હિંગનાં મુખ્ય ઔષધયોગોમાં રજ પ્રવર્તિનીવટી, હિંગ કર્પૂરવટી, હિંગવાષ્ટક ચૂર્ણ, હિંગ્વાદિવટી, હિંગ્વાદિ કવાથ, શિવાક્ષાર પાચનચૂર્ણ વગેરેનો સમાવેશ થાય છે. તે જુદા જુદા રોગોમાં વિભિન્ન અનુપાન સાથે પ્રયોજાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો