આપણું આખું બ્રહ્માંડ એક પ્રકારના બળ(ગુરુત્વાકર્ષણ)ના આધારે જ ટકી રહ્યું છે. બળવાન મહાસત્તાઓથી નબળા દેશો શા માટે ડરે છે? અમેરિકા સામે લડેલા, હારેલા ઇરાકનું તેલશસ્ત્ર કેટલું બળવાન છે. માર્વેલ સ્ટુડિયોના `હલ્ક'ના બળથી દુનિયા કેટલી ધ્રૂજે છે! આ બધું બળને-શક્તિને જ આભારી છે.
એટલે તમે બળની ઉપાસના કરો. બળ એટલે શું? તો આયુર્વેદીય પરિભાષામાં મારે તમને કહેવું જોઈએ કે, `બળ એટલે વ્યાયામ- કસરત', કારણ કે વ્યાયામ દ્વારા જ સ્થિર શારીરિક બળ પ્રાપ્ત કરી શકાય છે. આયુર્વેદીય મતે વ્યાયામ એક એવું ઔષધ છે, જે જાડાનું વજન ઘટાડે છે અને પાતળાનું વજન વધારે છે. જુઓ વ્યાયામ વિશેનો એક આયુર્વેદનો શ્લોક અહીં મૂક્યો છે.
લાઘવં કર્મસામર્થ્યમ્
દિપ્તો અગ્નિ મેદસઃ ક્ષય ।
વિભક્ત ઘનગાત્રત્વં
વ્યાયામાદ્ ઉપજાયતે ॥
એટલે કે વ્યાયામથી શરીર લઘુ- હલકું- હળવું બને છે. કર્મ એટલે કાર્ય કરવામાં સામર્થ્ય વધે છે અને જે કંઈ હલકું ભારે અથવા આચરકૂચર ખવાઈ ગયું હોય તે વ્યાયામ દ્વારા પચી જાય છે. શરીરના ગાત્રો સુદૃઢ અને ઘાટીલા બને છે. એટલે સમજુ માણસે નિયમિત વ્યાયામ કરવો જોઈએ.
જુઓ, આયુર્વેદમાં જણાવેલા રસ, રસાયન, વાજીકરણ, આસવ, અરિષ્ટ, અવલેહ, ચૂર્ણ, તેલ, ઘૃત એ બધું જ સહાયક છે. મૂળ તો પથ્ય પાલન અને વ્યાયામ જ ઉત્તમ છે. જો તમારાથી ત્રણ રોટલી હજમ ન થતી હોય અને ગેસ થતો હોય તો ઔષધો કેવાક સહાયક થશે. એટલે આપને ફરી યાદ અપાવું કે તમે વ્યાયામ-બળ- શ્રમની ઉપાસના કરો. આ વ્યાયામ દ્વારા જ રોટલી હજમ થશે, ગેસ મટશે અને શરીર પણ સુદૃઢ બનશે.
વાચકો, વ્યાયામ-શ્રમ વિશેના આટલા નિરૂપણ પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, ઉત્તમ સ્વાસ્થ્ય, સુદૃઢ શરીર, સુંદર પ્રભાવ અને સ્થિર પુરુષત્વ આ બધું તો વ્યાયામ નામના ઔષધના નિયમિત સેવન દ્વારા જ મળે છે. વ્યાયામ-પરિશ્રમ વગર મેદના થર ઓગળે જ નહીં. આ માટે તમે ઋતુ પ્રમાણે પરસેવો વળે ત્યાં સુધી 20થી 40 મિનિટ વ્યાયામ કરો. આ વ્યાયામ પોતાના મનને અનુકૂળ પડે એવો હોવો જોઈએ. જો જો આવેશમાં આવી જઈ વધારે પડતો વ્યાયામ ન કરતા. વ્યાયામનો અતિરેક પણ હાનિકારક બને છે. વ્યાયામ સાથે જો આ પ્રમાણે સહાયક ઔષધો પ્રયોજશો તો શરીર અવશ્ય સુદૃઢ બને.
ઉકાળીને ઠંડું કરેલું જ પાણી પીવું.
રસાયન ચૂર્ણ સારી ફાર્મસીનું લાવી અથવા ઘરે બનાવી એક ચમચી જેટલું સવારે અને રાત્રે દૂધ સાથે લો.
અશ્વગંધા ચૂર્ણ અડધી ચમચી, શતાવરી અડધી ચમચી અને સાકર એક ચમચી મિશ્ર કરી દૂધ સાથે રાત્રે લો.
બપોરે જમ્યા પહેલાં એક કપ દ્રાક્ષાસવ પીવો.
સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી એક હળવો જુલાબ અઠવાડિયામાં એકવાર લો.
ગ્રીન સલાડ અને ઋતુ પ્રમાણેનાં ફળો લો.
દૂધ અને કઠોળ અવશ્ય લો.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો