દુનિયામાં અત્યારે ઘણા મોરચે યુદ્ધ લડાઈ રહ્યાં છે . ત્યારે એક બાજુ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પણ ચાલી રહેલા યુદ્ધને લઈ મિડલ ઇસ્ટમાં તણાવ છે. આ તણાવનો સૌથી મોટો ફટકો કાચા તેલના વેપાર પર પડી રહ્યો છે. જેના પરિણામે ઘણા દેશોની અર્થવ્યવસ્થા ગગડી છે. વેલ, બેક ટુ ધ પોઈન્ટ, આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજીથી ભરપૂર એવાં શસ્ત્રો ખૂબ વધારે પ્રમાણમાં વપરાતાં થયાં છે તેમાંનું જ એક હથિયાર એટલે ગ્લાઈડ બોમ્બ. જોકે, દરેક દેશોએ વત્તાઓછા અંશે આ બોમ્બ વાપરી શકાય એનો બંદોબસ્ત કરી જ લીધો છે, પણ રશિયન ગ્લાઈડ બોમ્બ એ મૂળ ગ્લાઈડ બોમ્બ શું છે એ સમજવા માટે શ્રેષ્ઠ છે.

શું છે આ ગ્લાઇડ બોમ્બ?

સામાન્ય બોમ્બ જ્યારે વિમાનમાંથી ફેંકવામાં આવે છે, ત્યારે તે સીધો ગુરુત્વાકર્ષણને કારણે નીચે પડે છે, પરંતુ ગ્લાઇડ બોમ્બ થોડો અલગ છે. તે એક `સ્માર્ટ બોમ્બ' છે. રશિયાએ તેના જૂના `ડમ્બ બોમ્બ', જેમાં કોઈ ગાઈડન્સ હોતું નથી તેના ઉપર એક ખાસ પ્રકારની `ગ્લાઇડ કિટ' લગાવી છે. આ કિટમાં પાંખો અને નેવિગેશન સિસ્ટમ હોય છે, જેના કારણે બોમ્બ વિમાનમાંથી છૂટો પડ્યા પછી હવામાં તરીને એટલે કે ગ્લાઇડ કરીને દૂર સુધી જઈ શકે છે અને ચોક્કસ નિશાન પર ત્રાટકે છે. જોકે, ઘણાં ડિફેન્સના જાણકાર તેને મોન્સ્ટર બોમ્બ પણ કહે છે.

FAB સીરિઝના બોમ્બ : FAB સીરિઝના બોમ્બનો વપરાશ રશિયામાં આજકાલથી નથી. જૂનું રશિયા એટલે કે સોવિયેત યુનિયને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવા બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જેમાં FAB-1500નું જૂનું મોડલ M54ની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જોકે, આ બોમ્બ બંકરોને અને મોટી ઇમારતોને તોડી પાડવા માટે બનાવાયો હતા. એ પહેલાં માત્ર એ સાદો બોમ્બ હતો, જેને વર્ષ-2024માં UMPK-યુનિવર્સલ ગ્લાઈડિંગ એન્ડ કરેક્શન મોડ્યુલ સિસ્ટમ લગાવી યુદ્ધના એક ઘાતક હથિયાર તરીકે વિકસાવવામાં આવ્યો.

શા માટે આ બોમ્બ બધાથી અલગ છે?

FAB-1500 અન્ય હથિયારો કરતાં અલગ પડવાનાં મુખ્ય ત્રણ કારણો છે. સૌથી પહેલાં તો તે સસ્તો અને અસરકારક છે. મોંઘી મિસાઇલો બનાવવામાં કરોડોનો ખર્ચ થાય છે, જ્યારે રશિયા પાસે જૂના બોમ્બનો મોટો સ્ટોક છે. માત્ર એક સસ્તી ગ્લાઇડ કિટ લગાવીને રશિયા જૂના બોમ્બને અત્યાધુનિક મિસાઇલ જેવો પાવરફુલ બનાવી દે છે. બીજું, વિરોધી દેશોની એર ડિફેન્સ સિસ્ટમની રડારમાંથી બચી શકે છે. સામાન્ય રીતે વિમાનોએ બોમ્બ ફેંકવા માટે ટાર્ગેટની ઉપર જવું પડે છે, જ્યાં તેને તોડી પાડવાનો ખતરો રહે છે, પરંતુ આ બોમ્બ દૂરથી ફેંકી શકાતો હોવાથી રશિયન વિમાનો સુરક્ષિત રહે છે.

વધુમાં, આ બોમ્બની ગતિ ખૂબ વધારે હોય છે અને તે રડારમાં સરળતાથી પકડાતા નથી, જેના કારણે તેને હવામાં તોડી પાડવા લગભગ અશક્ય બની જાય છે. આમ, તેને રોકવો લગભગ અશક્ય છે, માટે તે બધાથી અલગ અને શક્તિશાળી છે.

હાલમાં કેમ ચર્ચામાં છે?

તાજેતરમાં યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ આ FAB-1500 બોમ્બનો ઉપયોગ મોટા પાયે શરૂ કર્યો છે. યુક્રેનના સૈન્ય અધિકારીઓના મતે આ બોમ્બથી થતો વિનાશ એટલો ભયાનક હોય છે કે સૈનિકોના મનોબળ પર તેની ગંભીર અસર પડે છે. યુક્રેન પાસે હાલમાં એવી કોઈ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ નથી, જે આટલા વજનદાર અને દૂરથી આવતા ગ્લાઇડ બોમ્બને સતત રોકી શકે. આ બોમ્બે યુદ્ધના મેદાનમાં રશિયાનું પલ્લું ભારે કરી દીધું છે, તેથી જ આખી દુનિયાના સંરક્ષણ નિષ્ણાતોમાં આ `ગ્લાઇડ બોમ્બ' ચર્ચાનો વિષય બન્યો છે. FAB-1500એ સાબિત કર્યું છે કે યુદ્ધ જીતવા માટે હંમેશાં નવી અને મોંઘી ટેક્નોલોજીની જરૂર હોતી નથી; જૂના અને શક્તિશાળી હથિયારોને જો અપગ્રેડ કરાય, તો તે યુદ્ધનું ચિત્ર બદલી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો