આપણા ઉત્તમ પૌષ્ટિક ફળોમાં `ફાલસા'ની ગણતરી થાય છે. ઘણાં પ્રાચીન કાળથી આપણે ત્યાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. ફાલસા આબાલવૃદ્ધ સૌને માટે હિતકારી અને શરીરને નીરોગી તથા હૃષ્ટપુષ્ટ બનાવનાર ફળ છે. આયુર્વેદ પ્રમાણે તેના ગુણકર્મો જણાવવાનો આજે ઉપક્રમ છે.
ગુણકર્મો
ફાલસાનાં વૃક્ષો 20થી 25 ફૂટ ઊંચાં થાય છે. આ વૃક્ષોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખેતી કરીને બાગબગીચામાં ઉછેરવામાં આવે છે.
ફાલસાનું કાચું ફળ સ્વાદમાં તૂરું અને ખાટું, પચવામાં હલકું, ભૂખ લગાડનાર, મળ બાંધનાર, પિત્ત વધારનાર તથા યકૃત વિકારોમાં ઉપયોગી છે. ગળાના, તાળવાના અને દાંતના રોગોમાં તેના ઉકાળાથી કોગળા કરાવવામાં આવે છે.
ફાલસાનું પાકું ફળ પચવામાં હલકું, મધુર, સુસ્વાદવાળું, શીતળ-ઠંડું, મળ બાંધનાર, તરસ છિપાવનાર, ઊલટી અટકાવનાર, કફ કાઢનાર, યકૃત, હોજરી અને બરોળ માટે હિતકારક, બલ્ય (બળ આપનાર), હૃદ્ય(હૃદય માટે હિતકારી), વૃષ્ય (શુક્ર વધારનાર), મૈથુનશક્તિ વધારનાર, દાહ-બળતરા શાંત કરનાર, વાયુના અને પિત્તના રોગોનું શમન કરનાર, સોજા ઉતારનાર, પૌષ્ટિક, કામોદ્દીપક, જ્વરમાં હિતાવહ, હેડકી, શ્વાસ, શુક્રદોર્બલ્ય, ક્ષય વગેરેમાં હિતાવહ છે. આ ફાલસાના શરબતથી શરીરની બળતરા-આંતરિક ગરમી શાંત થાય છે.
ઉપયોગ
પાકાં ફાલસા હૃદય માટે હિતકારી છે. હૃદયની તીવ્ર ગતિ-ધબકારા, વેદના વગેરેને તે નષ્ટ કરે છે. એ હૃદયને મજબૂત કરે છે. મગજ માટે પણ હિતાવહ છે. મગજની સુસ્તી દૂર કરી તાજગી-તરવરાટ લાવે છે તથા માનસિક દુર્બળતા દૂર કરે છે. હૃદયનું બળ વધારવા માટે તથા પુષ્ટિ માટે પાકાં ફાલસા 20થી 30 ગ્રામ, પાંચ કાળાં મરી, મરી જેટલું જ સિંધાલુણ મેળવી તેને ઘૂંટીને એક ગ્લાસ પાણીમાં મિશ્ર કરી, કપડાથી કે ગરણીથી ગાળી લેવું. ખાસ કરીને ગરમીની ઋતુમાં આ દ્રવ લેવાથી હૃદયની દુર્બળતા દૂર થાય છે અને ધબકારા નિયમિત થાય છે. વીર્ય અને બળની વૃદ્ધિ થાય છે.
પાકાં ફાલસા ગુણ અને કર્મમાં કાચાં ફાલસા કરતાં સાવ વિપરીત છે. કાચાં ફાલસા ઉષ્ણ છે અને શારીરિક બળતરા-દાહને વધારે છે. જ્યારે પાકાં ફાલસા ઠંડાં-શીતળ તથા દાહ-બળતરાનું શમન કરે છે. પિત્ત તથા રક્તપિત્તની શાંતિ કરે છે. પિત્તના વિકારોમાં એક ગ્લાસ પાણીમાં ચાર ચમચી પાકાં ફાલસાનો રસ કે પેસ્ટ જેવી ચટણી નાંખી તેમાં બે ચમચી સાકર ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવું.
સારી રીતે પાકેલાં ઉત્તમ ફાલસાનો રસ એક લિટર જેટલો લઈ તેમાં એક કિલો સાકર નાખી ધીમા તાપે ઉકાળવું. શરબતની ચાસણી થાય ત્યારે ઉતારીને ઠંડું પડે એટલે બાટલીમાં ભરી સુરક્ષિત રાખવું. આ શરબત ત્રણથી ચાર ચમચી જેટલું એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખી પીવું. ફાલસાનું આ શરબત આમાશય (જઠર) માટે અને હૃદય માટે બળપ્રદ, ઊબકા-ઊલટી, અતિસાર (ઝાડા) અને તૃષા મટાડનાર, થાક-શ્રમ હરનાર, ઉદરદાહ, મૂત્રદાહ અને આંતરિક ગરમી નષ્ટ કરે છે. દિલ અને દિમાગને તાજગી-સ્ફૂર્તિ આપે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
