મૃત્યુ પામેલા લોકોની બોડીના કેટલાક પાર્ટ્સ જીવતા માણસો માટે ઉપયોગમાં આવે છે. અલબત્ત, તે બોડી પાર્ટ્સ જેટલા કલાકો માટે કામના હોય છે, તેટલા સમયમાં લગાવવા જરૂરી છે, તો જ તે સરખી રીતે અને લાંબા ગાળા સુધી કામ આપી શકે છે.

જોકે, હવે ગજબની વાત એ છે કે, મરેલા માણસોની ચરબી પણ જીવતા માણસના ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ ટ્રીટમેન્ટ અમેરિકામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને કેટલાક લોકો પોતાના સાથળ અને નિતંબને વધુ આકર્ષક બનાવવા મૃત માણસોની ચરબીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટ્રીટમેન્ટને એલોક્લે (AlloClae) કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટનો સૌથી વધુ ઉપયોગ સ્ત્રીઓ કરી રહી છે, કારણ કે તેમના મતે આ ટ્રીટમેન્ટથી તેમને જોઇએ તેવો બોડી શેપ સરળતાથી મળી રહે છે મૂળ આ સ્ત્રીઓ બીચ પર કે કાફેટેરિયા પ્લસ પાર્ટીઓમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા માંગતી હોય છે. વધુમાં આ ટ્રીટમેન્ટથી તેઓના આત્મવિશ્વાસમાં વધારો થઇ રહ્યો છે એવું પણ કહી રહી છે. નોંધનીય છે કે, આ ટ્રીટમેન્ટથી લાંબા ગાળે જોખમ પણ થઇ શકે છે, જેમાં ખોટા ઈન્જેક્શનથી ઇન્ફેક્શન, ગાંઠ બનવી તેમજ લોહીની નસોમાં ફેટ જવાના ખતરાનો સમાવેશ થાય છે.

સિમ કાર્ડ્સમાંથી 100 ગ્રામ કરતાં વધું સોનું મેળવ્યું

હાલ તો સોનાનો ભાવ આકાશને આંબી રહ્યો છે. તેને ખરીદવું ખરેખર અઘરું થઇ પડ્યું છે. જોકે, આ જ સોનું તમે તમારા મોબાઇલમાં લઇને ફરતા હોવ છો અને તમને ખબર જ હશે! મોબાઇલમાં રહેલા સિમ કાર્ડના કેટલાક ભાગમાં એકદમ પતલી પરતમાં સોનું હોય છે. જોકે, તે સીમકાર્ડમાંથી સોનું મેળવવું ખૂબ જ કપરું સાબિત થઇ શકે છે, પરંતુ ચીનના ગ્વાંગડોન્ગમાં હુઇશોઉ નામના શહેરમાં રહેતા કિયાઓ નામના શખ્શે અધધ સિમ કાર્ડ્સ અને કેટલાક ઈલેક્ટ્રોનિક કચરામાંથી ખાસ પ્રકારની પ્રોસેસ કરીને સોનું કાઢ્યું હતું. તેણે ભેગાં કરેલાં સિમ કાર્ડ્સ પ્લસ ઈલેક્ટ્રોનિક વેસ્ટમાંથી અંદાજિત 191 ગ્રામ સોનું ભેગું કરી રાખ્યું હતું, જેમાંથી તેણે કુલ 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સોનું મેળવવાની પ્રોસેસ માટે કેટલાક ખાસ પ્રકારના કેમિકલ્સ તેમજ અન્ય રાસાયણિક પ્રક્રિયામાંથી સિમ કાર્ડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક વેસ્ટને પસાર કરવામાં આવે છે તેમજ ગરમ પણ કરવામાં આવે છે. નોંધનીય છે કે, કિયાઓને આ પ્રોસેસ કે પ્રયોગ ઘરે ન કરવા ચેતવ્યા હતા, કારણ કે તે માટે યોગ્ય તાલીમ જરૂરી છે.

પિંક ફેરી આર્માડિલો નામનું અજીબ પ્રાણી

પિંક ફેરી આર્માડિલો એ દુનિયાના સૌથી નાના અને વિચિત્ર પ્રાણી જેવાં લાગતાં સસ્તન પ્રાણીઓ પૈકી એક છે. તેને જોતાં પહેલી નજરે એમ જ લાગે કે જાણે કોઈ પરીકથાનું પાત્ર પૃથ્વી પર આવી ગયું હોય! તેના શરીર પરના ગુલાબી રંગના પટ્ટા પ્લસ નાજુક દેખાવને કારણે જ લોકો તેને `પરી'(Fairy)ની કક્ષામાં મૂકે છે. આર્માડિલો મધ્ય આર્જેન્ટિનાના સૂકાં રેતાળ મેદાનો અને ઘાસના વિસ્તારોમાં જોવા મળે છે. તે પોતાનો મોટાભાગનો સમય જમીનની અંદર વિતાવે છે, તેથી તેને જોવું ખૂબ જ દુર્લભ છે. આર્માડિલો માત્ર 4થી 5 ઈંચ જેટલા નાના હોય છે. તેની પીઠ પર ગુલાબી રંગનું નરમ કવચ (Shell) હોય છે, જે તેના શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના પંજા એટલા મજબૂત હોય છે કે તે ખૂબ જ ઝડપથી ખોદકામ પણ કરી શકે છે. તે રેતીમાં ચાલતી જાણે પાણીમાં તરતું હોય તેમ લાગે અને આ કારણે તેને `સેન્ડ સ્વિમર' પણ કહેવામાં આવે છે. તે મુખ્યત્વે કીડીઓ અને અન્ય નાનાં જીવજંતુઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રાણી જેટલું સુંદર છે એટલું જ રહસ્યમય પણ છે. પર્યાવરણમાં આવતા બદલાવ સામે તે ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ અઘરું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો