મેદસ્વિતા મોટી સમસ્યા બની રહી છે. જાડિયા હોવાને કારણે હાંસીપાત્ર બનવાનું બાજુએ રાખીએ તો પણ મેદસ્વિતાની સાથે સાથે અનેક બીમારી ફ્રીમાં મળતી હોય છે. તેને કારણે પણ શરીર પરના ચરબીનાં થર ઉતારવા માટે કસરતો તથા બીજી અનેક પદ્ધતિઓથી ચરબી ઉતારતો વ્યવસાય ધમધમતો રહે છે. દવા તથા સર્જરી પણ ઉપયોગમાં લેવાય છે. જોકે, દરેક બાબતે ચીન સાવ અનોખું કરવા જ ટેવાયેલું હોય છે. ચરબી ઉતારવા માટે પણ ચીનમાં સાવ નોખા કેમ્પ ધમધમી રહ્યા છે. એ કેમ્પને ફેટ જેલ તરીકે ઓળખવામાં આવે છે.  


એમ તો શરીર પર ચરબીનાં થર ન ચઢે એ માટે શરૂઆતથી જ કાળજી રાખવી જોઈએ. જાડિયાઓને જોઈને જાણે કોઈ એલિયન હોય એવો આપણો ભાવ ચહેરા પર ડોકાઈ જતો હોય છે. લોકોનું હસવું તેમના માટે પીઠમાં ખંજર જેવું ભલે લાગતું હોય, પરંતુ કેમે કરીને પાતળા થવાતું જ ન હોય ત્યારે માણસ કરે પણ શું? જોકે, ચરબી વધવા માંડે એટલે શરીરનું વજન વધે અને એ સાથે વિવિધ રોગો પણ ઘર કરવા માંડે અને એ કારણે પણ ડોક્ટરો પાતળા થવા માટે સલાહ આપતા રહે છે. આજકાલ તો પાતળા કરતી સર્જરીનો ઉપયોગ પણ વધી ગયો છે. હા, જીભના ચટાકાને લગામ મારવા કરતાં આવી સર્જરી સારી એમ લોકો માનતા થયા છે.

વાસ્તવમાં તો આહાર દ્વારા જ ચરબી ઊતરવી જોઈએ. કેટલાય લોકો કસરત કે આહાર પર નિયંત્રણ મૂકીને ચરબી ઉતારવા પ્રયાસ કરતા હોય છે, પરંતુ જીભના ચટાકા એવા હોય કે શરીર ચરબી ઘટાડવાના મૂડમાં જ ન હોય એમ ચરબી ઘટતી નથી. એવા લોકો માટે જાણે સૈન્ય જેવી શિસ્તથી ચરબી ઘટાડી આપવી હોય એમ ચીનમાં ફેટ જેલ ધમધમે છે. એ જેલમાં ભરતી થયા બાદ તમારી તમામ ક્રિયાઓ ઉપર ભારે નિયંત્રણ મૂકી દેવાતાં હોય છે. ચીનમાં એવા એક હજાર કેમ્પ છે અને એમાં પ્રવેશનું પેકેજ 600 ડોલરનું હોય છે. એ પેકેજમાં રહેવા, ખાવા અને દરરોજની કસરતનો ખર્ચ આવી જતો હોય છે. આ કેમ્પમાં પ્રવેશ મેળવો એટલે 28 દિવસ સુધી કેમ્પની બહાર નીકળી શકાતું નથી અને દરરોજ વજન ટ્રેક કરવું પડે છે.   

દરરોજ વજન ઘટાડવા માટેના `ક્લાસ' ચાલે છે. કોઈ ગંભીર કારણ વિના એ ક્લાસમાંથી પણ બંક મારી શકાતો નથી. સવારે વહેલા ઊઠો એટલે વજન માપવામાં આવે છે, એ પછી ચાર કલાકની કસરત ચાલે છે. સ્પિન ક્લાસ, ટ્રૈમ્પોલિનિંગ, હાઈ ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ, તબાતા અને વેટ ટ્રેનિંગ જેવી કસરત કરાવવામાં આવે છે. સવારે નાસ્તો અને લંચ આપવામાં આવે છે. સારો, સંતુલિત અને ચીની પરંપરાની ઘરેલુ વાનગી આપવામાં આવે છે. એ બાદ સ્પિન ક્લાસ ચાલતા હોય છે. 12 કલાક બાદ ફરીથી સાંજે વજન માપવામાં આવે છે. એ પછી સ્નાન કરીને આરામ કરવા માટે સમય આપવામાં આવે છે.

જોકે, ચોરીછૂપીથી જંક ફૂડ ખાતા પકડાયા તો સૈન્ય જેવી શિસ્તનો ભંગ કરવા બદલ કડક સજા ફટકારવામાં આવે છે. સૈનિકોની જેમ શિસ્તબદ્ધ રીતે 28 દિવસ કાઢો એટલે તમારા શરીર પરથી ચરબી ઓગળી ગઈ હોય છે, પરંતુ નિષ્ણાતો માને છે કે ચરબી ઓગળવાની સાથે સાથે સ્નાયુ-ટિસ્યૂ પણ ઘટે છે અને તેને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. જરૂરિયાત કરતાં વધુ કસરત કરાવાતી હોવાને કારણે યુવાનો અને બાળકોમાં શારીરિક વિકાસની સમસ્યા પણ થઈ શકે છે. હાડકાં ઉપર પણ અસર પડી શકે છે. એ ઉપરાંત ઈટિંગ ડિસઓર્ડર જેવી માનસિક બીમારી પણ આ કેમ્પમાં ભાગ લેનારાઓને થઈ શકે છે. ફક્ત 28 દિવસમાં વજન ઘટાડવાની આખી પદ્ધતિ જ ખોટી હોવાનું કેટલાક માને છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ માને છે કે વજન થોડું થોડું ઘટાડાય તો જ તેની વિપરીત અસર ન વર્તાય. ખરેખર તો પાતળી પરમાર જેવું શરીર બનાવવા માટે અતિરેક કરવાની જરૂર નથી. આદતો બદલીને નિયમિત રીતે પૌષ્ટિક આહાર, ભરપૂર પ્રોટીન અને સામાન્ય કસરત નિયમિત રીતે કરો તો શરીર પર ચરબી ચઢે જ નહીં.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: