ઓગણીસમી સદીના ગુજરાતના સમાજજીવનમાં અનેક સામાજિક કુધારા અને બદીઓ પ્રવર્તતા હતા. તેની સામે બાથ ભીડવી એ કંઈ ખાવાના ખેલ નહોતા. એ જમાનાની સામાજિક સુધારણાની ચળવળોના લેખાંજોખાં માંડતાં સમજાય છે કે કરસનદાસ મૂળજી (1832-1871) સૌ સમાજ સુધારકોમાં અનોખા હતા. તેમના સમકાલીન ગુજરાતી સાહિત્યકાર નવલરામ પંડ્યા (1836-1888)એ તેથી જ તો તેમને સમાજ સુધારણાના આંદોલનના પહેલા વર્ગના યોદ્ધા ગણાવ્યા હતા. ન માત્ર યોદ્ધા, વીર અને વિજેતા યોદ્ધા. 

કરસનદાસ મૂળજીનું આયુષ્ય માંડ 39 વરસનું પણ જીવનકાર્ય એટલું તો દીર્ઘ કે કવિ-વિવેચક ડાહ્યાભાઈ દેરાસરીએ 1911માં પ્રગટ `સાઠીના સાહિત્યનું દિગ્દર્શન' માં, `આ વીર પુરુષના નામથી કોઈ પણ ગુજરાતી અજાણ્યો નહીં હોય' તેમ લખ્યું છે તે ઘણે અંશે સાચું છે. સૌરાષ્ટ્રના મહુવા બંદર પાસેનું વડાળ એ કરસનદાસનું વતન. પણ એમનું જન્મસ્થાન મહાનગર મુંબઈ. સાત વરસની ઉંમરે તેમના માતાનું અવસાન થતાં તેઓ મોસાળમાં ઉછર્યા હતા. વિધ્યાર્થી અવસ્થાથી જ તેઓ સુધારા તરફ ખેંચાયા હતા. 

સુધારક અને સાહિત્યકાર મહીપતરામે 1878માં લખેલું કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર ગુજરાતી ચરિત્ર સાહિત્યનું પહેલું અને ગુણદ્રષ્ટિએ પણ નોંધપાત્ર પુસ્તક ગણાય છે. જોકે આ ચરિત્ર કરસનદાસના જાહેરકાર્યોથી ભરેલું છે અને સુધારાની પાઘડી હેઠે મૂકેલા કરસનદાસ જોવાનો અવસર મળતો નથી, એ મતલબની ટીકા નવલરામે કરી હતી. પરંતુ કરસનદાસનું અંગત અને જાહેરજીવન એકાકાર હતું અને તે આજીવન સુધારક જ રહ્યા હતા. 

જે જમાનામાં તે જીવ્યા અને કામ કર્યું તેમાં સ્ત્રીઓનું શોષણ, અત્યાચાર, અને અવદશા, ધાર્મિક પાખંડો, રૂઢિદાસ્ય, અંધશ્રધ્ધા, વહેમ, પરદેશગમન સામે પ્રતિબંધ, જ્ઞાતિપ્રથા, નિરક્ષરતા, બાળલગ્નો, દહેજ અને બીજા અનેક અનિષ્ટોમાં સમાજ ખૂંપેલો હતો. નીડરતાથી કરસનદાસે તેના પર કલમ ચાલાવી હતી. દાદાભાઈ નવરોજજીના રાસ્ત ગોફતાર(સ્ત્યવક્તા)માં કરસનદાસ આરંભથી જ એટલે કે 1851થી જ લખતા હતા. મુંબઈની એલ્ફિસ્ટન ઈન્સ્ટિટ્યૂટમાં એ 1853માં એકવીસ વરસે જોડાયા પણ ધારદાર કલમથી સામાજિક સુધારાઓ માટે લખવાનું તેના એક બે વરસ પહેલાં શરૂ કર્યું હતુ. માત્ર લેખનથી ન અટકતાં સક્રિયતા પણ દાખવી હતી. વિધવા પુનર્લગ્ન વિશે લખીને તેમણે મોસાળમાં પોતાના આશ્રિત નાનીની ખફગી વહોરી હતી અને તેને કારણે ઘર છેડવાનો વારો આવ્યો હતો. યુવા વયથી વિધવા પુનર્લગ્નના સમર્થક કરસનદાસે જીવનના અંતિમ વરસે 1871માં ગુજરાતની કથિત ઉપલી વર્ણનું પહેલું વિધવા પુનર્લગ્ન કરાવ્યું હતું. 

એ સમયના ભાગ્યે જ એવા કોઈ દૂષણો હતા જેના વિશે કરસનદાસે બહાદૂરીપૂર્વક લખ્યું ન હોય. 1855માં તેમણે સત્યપ્રકાશ સામયિકનો આરંભ કર્યો હતો. તેમની લેખન અને પત્રકારત્વની યાત્રા પણ કાયમ ચાલતી રહી હતી. દરિયો ઓળંગીને પરદેશ જનારાને નાતબહાર મૂકવાનો જે ચાલ હતો તેનો ભોગ કરસનદાસ પણ બન્યા હતા. કરસનદાસ બે વખત ઈંગ્લેન્ડ ગયા હતા એટલે નાતે તેમને પરદેશગમન પર પ્રતિબંધના ભંગ બદલ જ્ઞાતિબહાર મૂક્યા .પરંતુ કરસનદાસ તે નિર્ણય સામે ઝૂક્યા નહીં. લોકમાન્ય ટિળક અને મહાદેવ ગોવિંદ રાનડે જેવા મોટા ગજાના સુધારકોએ જ્ઞાતિની માફી માંગી ફરી નાતમાં જોડાઈ ગયા હતા. ત્યારે કરસનદાસ આજીવન અડગ રહ્યા હતા.

સુધારક, પત્રકાર કરસનદાસ લેખક અને અનુવાદક પણ હતા .તેમણે પંદરેક પુસ્તકો લખ્યા છે કે અનુવાદ કર્યા છે. 1866માં પ્રકાશિત `ઈંગ્લેડમાં પ્રવાસ' તેમનું સાડા ચારસો પાનાંનું સચિત્ર પુસ્તક છે. વિજ્યરાય વૈધ્યે તેને નર્મદ યુગની બહુ થોડી સ્વતંત્ર અને સુંદર કૃતિઓમાંની એક ગણી નવાજ્યું હતું. સ્ત્રીઓ માટેનું પહેલું સ્ત્રી સામયિક સ્ત્રીબોધ અને વિજ્ઞાન વિષેનું સામયિક વિજ્ઞાન વિલાસ પણ સુધારક કરસનદાસની આગવી સૂઝનું પરિણામ અને યોગદાન છે. સ્ત્રી સમાનતા અને સ્ત્રીનું એક માણસ તરીકે આગવું મૂલ્ય કરતા કરસનદાસના લખાણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં પણ મહત્વના રહેશે. કરસનદાસ લોકબોલી અને લોકભોગ્ય ભાષામાં લખતા હતા તેથી લોકો સુધી તેમનું લેખન પહોંચ્યું હતું. તેમના લેખનમાં સુરતીપણું પણ જોવા મળે છે. 

કરસનદાસના જીવનમાંથી મહારાજ લાયબલ કેસ બાદ કરી ન શકાય. 

તેમના સુધારક જીવનનો તે અભિન્ન હિસ્સો છે. વૈષ્ણવ મહારાજોની લીલાઓ અને ધાર્મિક પાખંડોનો પર્દાફાશ કરવા બદલ તેમના પર બદનક્ષીનો કેસ મંડાયો હતો. કાનૂની ભાષામાં તે લાયબલ કેસ કહેવાય છે. તેમાં કરસનદાસની જીત થઈ હતી. આ કેસમાં મહારાજોએ કરસનદાસને 10,000ની ઓફર કરી સમાધાન કરવા જણાવ્યું હતું પરંતુ કરસનદાસે તે ઓફર ઠુકરાવી હતી અને આખરે અદાલત દ્વારા તેમણે જીત મેળવી હતી. આ કેસનો ચુકાદો આપતાં અંગ્રેજ ન્યાયાધીશે કહ્યું હતું કે અઠાવીસ વરસની ઉંમરે કરસનદાસે લગભગ એકલે હાથે જે લડત આપી છે તે મિથ્યા નહીં જાય અને સંસારસુધારાનું આંદોલન વેગ પકડશે. આજે પણ ધાર્મિક પાખંડો અને ધર્મગુરુઓ દ્વારા થતાં સ્ત્રી શોષણ જોવા મળે છે ત્યારે મહારાજ લાયબલ કેસ કાયમ પ્રસ્તુત રહેવાનો છે. 1863માં નવલરામે મહારાજ લાયબલ કેસ અંગે અઢીસો પાનાંની દીર્ઘ પધ્યરચના લખી હતી. 2016માં પત્રકાર, લેખક અને સાથી કોલમિસ્ટ સૌરભ શાહ લિખિત મહારાજ નવલકથા પ્રકાશિત થઈ હતી. અને તે નામે ફિલ્મ પણ બની છે એટલે લોકોના માનસપટ પર આ કેસ દોઢ સૈકાથી અંકાયેલો રહ્યો છે.  

શિક્ષક, લોકશિક્ષક, સુધારક, લેખક અને પત્રકાર કરસનદાસ નવજાગરણના યુગપ્રવર્તક અને સમાજસુધારાના ક્ષેત્રમાં નીડર અને અડીખમ સેનાની હતા. સંસ્થા, સામયિકો, સભાઓ અને સીધાં પગલાંથી તેમણે સમાજસુધારણના ક્ષેત્રે જે કામ કર્યું હતું તે આજે સમાજસુધારણાનાં આંદોલનો લગભગ બંધ થઈ ગયાં છે ત્યારે ખૂબ ખૂબ પ્રસ્તુત છે. જ્ઞાતિ અને ધર્મ જેવી સમાજની બહુ બળૂકી સંસ્થાઓ સામે કરસનદાસે જેહાદ જગવી હતી અને સમાજ સુધારણાનો ઝંડો ફરકાવ્યો હતો. તે આજે એકદમ કાલ્પનિક લાગે તેવો છે. નવલરામના શબ્દોમાં સંસારસુધારાના આ પ્રથમ પંક્તિના યોદ્ધાના કાર્યો, હિંમત અને સત્યનો આગ્રહ નકલ કરવા જેવો છે. કરસનદાસ કદી વિસ્મૃતિની ગર્તામાં ન રહે અને સમાજ સુધારાની ચળવળો વેગ પકડે તેવી પાત્રતા આપણે કેળવી જાણીએ તો કરસનદાસના યુગકાર્યનું યોગ્ય સ્મરણ હશે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો