આ દુનિયામાં અનેક પ્રકારના લોકો જોવા મળે છે. તેમની જીવનશૈલીથી માંડીને પરંપરા એવા આશ્ચર્યજનક હોય છે કે કેટલીક પરંપરાથી અચંબામાં પડી જવાય તો કેટલીક રૂઢિથી કાંપી જવાય! ચિત્રવિચિત્ર પરંપરા સાથે જીવતા લોકોની આ દુનિયાની સૌથી ખતરનાક પાંચ જનજાતિઓના લોકોના રિવાજ અંગે જાણીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય!   

આપણા દેશમાં જ કેટલીય જાતિના લોકો રહે છે. એ ખરું કે એ વિવિધતામાં પણ આપણી એકતા દીપી ઊઠે છે, પરંતુ આંદામાનના ટાપુ પર રહેતા આદિવાસીઓ આજે પણ એ જ પછાતપણામાં જીવે છે. તેઓ માનવીને પણ મારી શકે છે, તેથી એ આદિવાસીઓથી લોકો દૂર રહે છે. એ ખરું કે તાજા ભૂતકાળમાં તેઓએ માનવ શિકાર કર્યો હોય એવા કોઈ જ હેવાલ બહાર આવ્યા નથી, છતાં એ લોકોથી અંતર જાળવવા માટે સૂચના અપાતી રહે છે. આપણા એ આંદામાનના આદિવાસીઓ કરતાં પણ ખૂંખાર એવા લોકો આ દુનિયામાં વસે છે. આ લોકો બહારની કોઈ પણ વ્યક્તિને પોતાના વિસ્તારમાં ઘૂસવા દેતા નથી. જો કોઈ એવો પ્રયાસ કરે તો તેના પર હુમલો કરતાં ખચકાતા નથી. તેમના રિવાજો પણ એવા જ ખૂંખાર હોય છે. એવી જ એક જાતિ એટલે ઓસ્ટ્રેલિયાની અસમત જનજાતિ.  

ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલા ન્યુગિની ટાપુ પર અસમત જનજાતિના લોકો રહે છે. તેમના વિસ્તારોમાં ઘૂસતા લોકોને દુશ્મન માનીને તેમને મારી નાંખે છે. ઘૂસણખોરી કરનારાની હત્યા કરે અને એ પછી આદિવાસીઓ જે રીતે ઉજવણી કરે તે ધ્રુજાવી દે એવી હોય છે. દુશ્મનને મારી નાંખ્યા બાદ તેના માંસને રાંધીને ઉજાણી કરે છે. એ તો ઠીક એ મૃતકનાં હાડકાંનો ઉપયોગ ઘરેણાં તરીકે કરે છે, તો માથાનો ઉપયોગ ઓશીકાં તરીકે કરે છે. એ ઉપરાંત દુશ્મનની ખોપડી તોડીને તેમાંથી વાસણ બનાવી તેનો ઉપયોગ ભોજન કરવા માટે કરે છે.   

એ જ રીતે પોતાનું પુરુષત્વ દેખાડવા માટે ઇથોપિયાની મુર્સી જનજાતિના લોકો કોઈની પણ હત્યા કરી નાંખતા ખચકાતા હોતા નથી. સુદાનની સરહદે આવેલા દક્ષિણ ઇથોપિયાની ઓમાન ખીણમાં આ પ્રજાતિના લોકો રહે છે. મુર્સી જનજાતિ તેમની હિંસક પરંપરાઓને કારણે ખૂબ જ ક્રૂર હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સમુદાય બહારના લોકોને પોતાના વિસ્તારમાં જરાય સાંખી લેતા નથી. તો વળી મુર્સી સમુદાયની છોકરીઓ પુખ્ત બને ત્યારે તેના નીચલા હોઠમાં મોટું કાણું પાડીને તેમાં લાકડા કે માટીની એક ડિસ્ક પહેરાવી દેવામાં આવે છે. આ પ્રજા એમ માને છે કે એવું નહીં કરો તો છોકરીને ખરાબ નજર લાગી જાય છે. આ આખી પ્રક્રિયા પીડાદાયક હોય છે, પરંતુ છોકરીઓ એ રિવાજથી બચી શકતી નથી.   

આપણે ત્યાં જેમ કાળિયાર માટે જીવ પર ખેલી જતી બિસ્નોઈ પ્રજા છે, એમ આફ્રિકન દેશ સુદાનમાં રહેતા મુંડારી જનજાતિના લોકો ગાય માટે કોઈની પણ હત્યા કરી નાંખે છે. ગાયોનું રક્ષણ કરવા માટે મુંડારી પ્રજા એકે 47 જેવાં ખતરનાક હથિયારો સાથે રાખે છે. આ પ્રજામાં જે લોકો પાસે ગાય ન હોય એ મૃતક જ મનાય છે. ગાયને સંપત્તિનો ભંડાર ગણતી હોવાને કારણે મુંડારી પ્રજા ગાયને ખૂબ જ પ્રેમ કરે છે. આ જનજાતિ પણ ગૌહત્યાને સૌથી મોટું પાપ ગણે છે. ગાયને બચાવવા માટે જીવ પણ આપી દેતી હોય છે. તો વળી વિચિત્ર રિવાજોને કારણે પણ બ્રિટન અને પપુઆ ન્યુગિનીમાં રહેતા ફોર ટ્રાઈબના આદિવાસીઓને ખૂંખાર ગણવામાં આવે છે. આ આદિવાસીમાં કોઈનું મૃત્યુ થાય તો તેનું મગજ કાઢીને ખાવાની પરંપરા છે. એમ માનવામાં આવે છે કે આ પરંપરાને કારણે ફોર જનજાતિના લોકોમાં કુરુ નામના રોગ સામે આનુવંશિક પ્રતિકાર શક્તિ પેદા થઈ છે.

એ કારણે જ આજકાલ આ દિશામાં વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે કે જેથી પાર્કિન્સન અને ડિમેન્શિયા જેવી બીમારી માટે નવી સારવારની શોધ થઈ શકે છે. એવી જ વિચિત્ર પરંપરા વેનેઝુએલા અને બ્રાઝિલમાં રહેતી યાનોમાની જાતિના લોકોમાં જોવા મળે છે. દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળતી યાનમ કે સેનેમા તરીકે પણ ઓળખાતા યાનોમા લોકો હજુ પણ સદીઓ જૂની પરંપરાનું પાલન કરે છે. આ જાતિમાં પણ એન્ડોકેનિબલિઝમ નામની એક અનોખી અંતિમ સંસ્કાર પરંપરા જોવા મળે છે. આ પરંપરા મુજબ યાનોમા જાતિમાં કોઈનું મૃત્યુ થાય તો તેના પરિવારના સભ્યો એ મૃતકનું માંસ રાંધીને ખાય છે. એ બાદ મૃતદેહને પાંદડાં તથા ડાળખીઓથી ઢાંકીને તેને બાળી મૂકવામાં આવે છે. એ અગ્નિસંસ્કારમાં જે રાખ રહે તેને સૂપમાં નાંખીને બાકીના લોકો પીએ છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો