અત્યારે ફૂટબૉલનો વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આખી દુનિયા એની પાછળ એવી ઘેલી થઈ છે કે જાણે ભવિષ્યના બધા નિર્ણયો હવે ફૂટબૉલના મેદાનમાં જ લેવાવાના હોય. આખી દુનિયાના તમામ દેશના લોકો રાત રાત જાગીને પણ ફૂટબૉલની મેચો જુએ છે. પોતાની ટીમ જીતે તો રસ્તા પર નાચે છે, હારે તો દિવસો સુધી શોકમાં રહે છે, પરંતુ આ વર્લ્ડ ફેસ્ટિવલમાં એક પ્રજા એવી છે જેને આ બધું જોઈને એટલી જ અસર થાય જેટલી શેરબજારના ઉતાર-ચઢાવની અસર છાંયડે બેઠેલી ગાયને થાય. આ મહાન પ્રજા એટલે આપણે ગુજરાતીઓ.
ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થાય એટલે ગુજરાતી પહેલો સવાલ પૂછે `ભારત રમે છે?' જવાબ મળે કે ભારત તો ક્યારેય એમાં રમતું જ નથી. પછી ગુજરાતી તરત નિર્ણય જાહેર કરે `તો પછી આપણે શું? આપણે શેના માટે એ જોવો જોઈએ? ગુજરાતીઓને ક્રિકેટ સિવાયની કોઈ પણ રમત સાથે લેવાદેવા નથી. ક્રિકેટમાં કોણે કેટલા રન કર્યા, કોની એવરેજ કેટલી છે, કોણે કેટલી સદી ફટકારી - આ બધું આપણને યાદ હોય, પરંતુ ફૂટબૉલમાં કોણ રમે છે એ પૂછો તો મોટાભાગના લોકોને બે જ નામ યાદ આવે - મેસ્સી અને રોનાલ્ડો. ત્રીજું નામ પૂછો તો કોઈ ઉત્સાહથી બોલે `પેલે.' પછી એને સમજાવવું પડે કે `ભાઈ, પેલે હવે સ્વર્ગની ફૂટબૉલ ટીમમાંથી રમે છે.'
ઘણા ગુજરાતીઓ માટે ફૂટબૉલ એટલે બાવીસ માણસો એક જ બોલ પાછળ દોડતા હોય એવી રમત. આપણને તરત વિચાર આવે `બધાયને એક-એક બોલ આપી દોને! આટલી દોડાદોડી શેના માટે?'
ઘણા જ્ઞાની ગુજરાતીઓ તો ફૂટબૉલને `શોલેના ઠાકુરની રમત' માને છે, કારણ કે ઠાકુરને હાથ નહોતા અને ફૂટબૉલમાં પણ હાથ વાપરવાની મનાઈ છે. આપણને તો લાગે કે આ રમતની શોધ પણ કદાચ ઠાકુરસાહેબે જ કરી હશે. ફૂટબૉલ જોતી વખતે ઘણા ગુજરાતીઓ ગબ્બરનો ડાયલોગ પણ મારે છે, `અરે ઓ સાંભા, કિતને હાથ થે?' ફૂટબૉલમાં દોઢ કલાક સુધી ખેલાડીઓ દોડ્યા જ કરે છે. વચ્ચે ન ચા, ન નાસ્તો, ન ડ્રિંક્સ બ્રેક, ન રિસેસ. ગુજરાતીઓને શંકા પડે છે કે આ લોકો સતત આમતેમ દોડતા ડિલીવરી એપના છોકરા તો નથીને?
ફૂટબૉલ મેચમાં જીતનારી ટીમ એક ગોલ કરે તો ગુજરાતીઓ વિચારે બસ? દોઢ કલાકમાં એક જ ગોલ? અમારી શેરી ક્રિકેટમાં તો એક ઓવરમાં ચાર સિક્સ, બે ઝઘડા અને એક બેટ બદલાઈ જાય.
ગુજરાતી પરિવાર ફૂટબૉલ મેચ જોતો હોય તો પણ ધ્યાન ટીવી કરતાં ચા, નાસ્તા પર વધારે હોય. કોઈ પૂછે, `કઈ ટીમ આગળ છે?' તો જવાબ મળે, `ખબર નથી, પણ ચા-સમોસા મસ્ત છે!'
આપણી રમતગમત માટેની ફિલસૂફી પણ એકદમ અનોખી છે. ઓલિમ્પિક્સ આવે ત્યારે આપણને અચાનક હૉકી, બેડમિન્ટન, કુસ્તી, શૂટિંગ એવું બધું યાદ આવે છે. જો આપણો ખેલાડી એમાં મેડલ જીતી જાય તો આપણે સોશિયલ મીડિયામાં ઊછળી ઊછળીને દેશભક્તિ બતાવીએ છીએ, પણ પછી બીજા જ દિવસથી ફરી ક્રિકેટ ભક્તિ પર પાછા આવી જઈએ.
ગુજરાતીઓ રમત રમવા કરતાં એની ચર્ચા વધુ કરતા હોય છે. ક્રિકેટ મેચ હોય તો ટીવી સામે પાંચ નિષ્ણાત બેઠા હોય. એક કહે બોલર ખોટો છે, બીજો કહે કેપ્ટન ખોટો છે, ત્રીજો કહે સિલેક્ટર ખોટો છે, ચોથો કહે અમ્પાયર ખોટો છે. પાંચમો કહે તમે બધા ખોટા છો, પરંતુ એ પાંચેયને માત્ર દસ મિનિટ દોડવાનું કહો તો એમના માટે એમ્બ્યુલન્સ બોલાવવી પડે. આખી વાતમાં ફૂટબૉલ નામની રમત તો ક્યાંય આપણી ચર્ચામાં આવતી જ નથી, કેમ કે દોઢસો કરોડના દેશમાં માંડ દોઢ હજાર લોકો જ ફૂટબૉલ રમે છે.
એટલે આખી દુનિયા ભલે ફૂટબૉલ વર્લ્ડકપમાં ડૂબેલી હોય, ગુજરાતી જનતા હજુ પણ ક્રિકેટના સ્કોર, આઈપીએલની ચર્ચા અને આગામી સીરિઝની આગાહીમાં વ્યસ્ત છે. દુનિયા માટે ફૂટબૉલ ઉત્સવ હશે, પરંતુ આપણા માટે તો એ લાતાલાતીની રમત જ છે અને જ્યાં સુધી ક્રિકેટ જીવંત છે, ત્યાં સુધી ગુજરાતીઓ માટે એક જ સાચો વર્લ્ડકપ રહેશે - ક્રિકેટનો વર્લ્ડકપ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો