મારા એક મિત્રએ દસ લાખ રૂપિયાની મોંઘીદાટ બાઇક લીધી હતી, કારણ કે એ બાઈક સાથે બાઈકના ફોટાવાળી અને નામવાળી એક જર્સી ફ્રી મળતી હતી. (જર્સીની કિંમત તો સો રૂપેડીની જ હતી)

કોઈ પણ વસ્તુની ખરીદીનો સાચો આનંદ આપણને કશુંક ફ્રી મેળવ્યા પછી જ થતો હોય છે. આપણે `કચ્ચીને' એવું માનીએ છીએ કે મફતનું મેળવવું એ તો આપણો જન્મસિદ્ધ હક્ક છે. મફતિયું મેળવવા આપણે માથાકૂટ, બબાલ બધું કરી છૂટતા હોઈએ છીએ.

શાક લેવા જઈએ ત્યારે આપણે કોથમીર, મરચાં, લીમડો જેવો મસાલો `મફત'માં લેવા માંગણી કરતા હોઈએ છીએ. લાંબી રકઝક કર્યા પછી એ મસાલો `લીધે જ છૂટકો' કરીએ છીએ. આપણી આ મેન્ટાલિટી શાક વેચનારા `બકાલી' પણ સારી રીતે જાણતા હોય છે. એટલે એ લોકો પણ આપણને `ઓબ્લાઇજ' કરતા હોય એમ મસાલો આપી આપણું `મન' રાખી લેતા હોય છે.

પાણીપૂરીવાળાને ત્યાં પણ `સેમ ટુ સેમ' ઘટના ઘટતી હોય છે. ગમે તેટલા રૂપિયાની પાણીપૂરી ખાઓ તો પણ એક મસાલા પૂરી ફ્રી મેળવવી એ આપણો અબાધિત હક છે એવું દરેકનું માનવું છે. ઘણા તો મસાલા પૂરી ખાધા પછી `બેધડક' કોરી પૂરી પણ માગતા હોય છે.

ક્યાંક સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાવા જઈએ ત્યાં સાંભાર, ચટણી, રસમ જોઈએ એટલી વાર ફ્રી મળતાં હોય છે, એટલે આપણે ઇડલી, ઢોંસા કે મેંદુવડાં મંગાવી વાટકીઓ ભરી ભરીને ગરમાગરમ, ચટાકેદાર સાંભાર સબડકા મારી મારીને સીસકારા બોલાવતા `ગટ ગટ' પી જતા હોઈએ છીએ. ચટણીઓ પણ ચમચેચમચા ચાટી જતા હોઈએ છીએ.

આજકાલ લોકો બગીચામાં ચાલવા, દોડવા, કસરત કરવા કે લાફિંગ ક્લબમાં હસવા ધસી જતા હોય છે. આવા બગીચાની બહાર કોઈ હેલ્થ સેન્ટરવાળા કે દવાની કંપનીવાળા પોતાની જાહેરાત માટે વજનકાંટો અને મેજરટેપ લઈને ઊભા રહેતા હોય છે. લોકો એમની પાસે પણ પહોંચી જતા હોય છે અને જાણતા હોવા છતાં `મફતમાં થાય છે એટલે' પોતાનું વજન અને ઊંચાઈ મપાવી લેતા હોય છે અને પછી એટલું ને એટલું જ છે એવું બોલી હસતાં હસતાં ઘરે જતા રહેતા હોય છે.

કોઈ પણ કાર્યક્રમની ટિકિટના પૈસા ખરીદવામાં આપણને કોણ જાણે શું કાંટા વાગતા હોય છે! દરેક વખતે એ કાર્યક્રમ સાથે જોડાયેલી વ્યક્તિ સાથે ઓળખાણો કાઢી આપણે `મફત'ના પાસ મેળવવા ખૂબ મહેનત કરતા હોઈએ છીએ. ખાણી-પીણીની ચીજવસ્તુઓના વેચાણ માટે પ્રદર્શન મેળો ભરાયો હોય ત્યારે દરેક સ્ટોલવાળા પોતાની પ્રોડક્ટને ટેસ્ટ કરવા માટે કાઉન્ટર પર મૂકતો હોય છે. આપણામાંના ઘણા બધા લોકો સ્ટોલે-સ્ટોલે ફરી અને આવી મફતની વસ્તુઓ `બુકડેબુકડા' ભરી ઝાપટી જતા હોય છે. કેટલાક તો સાંજનું ભોજન કેન્સલ કરવું પડે એટલું બધું `દબાવી' જતા હોય છે.

કોઈ પણ જગ્યાએ `ફ્રી' એટલે `મફત' લખ્યું હોય ત્યાં આપણું ધ્યાન સૌથી પહેલાં જતું હોય છે. `બધા વેપારીઓ' પણ આપણી આવી મેન્ટાલિટી પારખી ગયા છે એટલે જ એ લોકો `બાય વન ગેટ ટુ', `વન પ્લસ વન ફ્રી', `ફિફ્ટી પર્સન્ટ ફ્રી સેલ' એવું બધું લખી આપણને ખરીદી કરવા `ઉકસાવતા' હોય છે. હકીકતમાં તો એ લોકો કિંમત વધારી એના પર ડિસ્કાઉન્ટ આપતા હોય છે, પણ આપણને `ફ્રી- મફત'નું એટલું ગાંડપણ હોય છે કે આપણે ભાન ભૂલી ખરીદી કરવા માંડતા હોઈએ છીએ. બિનજરૂરી શોપિંગ કરતા હોઈએ છીએ.

અમારા એક ઓળખીતા ડૉક્ટરને ત્યાં દવા લેવા જાય ત્યારે ઘણા લોકો માંદા હોવા છતાં હિંમતભેર મફત દવાની માગણી કરતા હોય છે અને અમારા ડૉક્ટર પણ સારા સ્વભાવના છે એટલે એમની પાસે કંપનીવાળાઓ જે `સેમ્પલ'ની દવાઓ આપી ગયા હોય એ દવાની `લહાણી' પણ કરી નાખતા હોય છે.

મારા એક ડૉક્ટર મિત્રને ત્યાં આવતા દર્દીએ તો એક વાર `સોલ્લિડ' માગણી કરી હતી. એ દર્દીને છ ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હતો. તો તેણે પાંચ ઇન્જેક્શન લીધા પછી કહેલું, `ડૉક્ટર સાહેબ, પાંચ વાર સોય ઘોંચાવી એના પૈસા આપ્યા, હવે છઠ્ઠું તો તમારે ફ્રીમાં જ આપવું પડશે' અને ડૉક્ટર દવેએ હસીને છઠ્ઠું ઇન્જેક્શન મફતમાં ઠોકી આપેલું.'

ટૂંકમાં, મફત નામનો શબ્દ આપણને ખૂબ ગમતો છે. એના માટે આપણે ધક્કામુક્કી, હડસેલાં, હડદોલાં બધું જ સહન કરવા તૈયાર થઈ જઈએ છીએ. `મફતનું મળે તો ઝેર પણ ખાય' એ કહેવત એમનેમ તો નહીં જ પડી હોયને?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો