ક્રિસ્ટોફર હેવન્સ નામના એક માણસની કહાની આપણા ખ્યાલોને હચમચાવી નાખે એમ છે. મોટીવેશનનો આપણો દંભી જમાનો છે.
તકની રાહ જોતા બેસી રહીને આખી જિંદગી વેડફી નાખતી આખેઆખી પેઢીઓ છે અને અનુકૂળ વાતાવરણમાં જ કામ કરવા ટેવાયેલા લોકોથી દેશો ભર્યા છે. આ બધા પ્રસ્થાપિત ખુશનુમા ખયાલોને તોડી નાખતો આ એક કેદી. હા, ક્રિસ્ટોફર હેવન્સ સળિયા પાછળ હતો. હતો નહીં છે. હજુ જેલમાં જ સજા કાપી રહ્યો છે. શેની સજા? ખૂન કરવાની. એ એક હત્યારો છે. આ પૃથ્વી પરનું સૌથી અધમ કૃત્ય તેણે કરેલું છે માટે તે માણસ નિંદનીય છે. છતાં પણ તેના માટે એક કારણસર તેના પર ગૌરવ આવે છે ને પ્રેરણા પણ મળે છે. શું કર્યું એણે?
આ જુવાન માણસ ડ્રગ્સના કારોબારમાં પડ્યા હતા. ડ્રગ્સના નશા કરવા કરતાં પણ કોઈ બદતર કામ હોય તો એ છે ડ્રગ્સનો ધંધો કરવો. એમાં બે હરીફ ગેંગ વચ્ચે માથાકૂટ થઈ તો હેવન્સે એના સાથીદાર પાસે હરીફ ગેંગના એક સ્મગલરની હત્યા કરાવી. તે પકડાઈ ગયો. તેની પર કેસ ચાલ્યો. કેસ સીધો અને સટ હતો. તેને પચ્ચીસ વર્ષની જેલની સજા થઈ. હેવન્સને હેલ મળ્યું. જેલમાં પહોંચ્યા પછી એણે એની જિંદગીનો ખૂબ મોટો ભાગ જેલમાં પસાર કરવાનો હતો. પૂરક પણ જરૂરી માહિતી એ પણ જાણવી જોઈએ કે હેવન્સ બહુ જ સાધારણ છોકરો હતો. તે કોઈ હોશિયાર માણસ ન હતો. તેનું બાળપણ રસ્તા ઉપર અને નાના-મોટા ક્રાઇમ કરતાં કરતાં વીત્યું હતું. તેને મા-બાપનો પ્રેમ મળ્યો ન હતો. તેણે નાનપણથી ઝઘડા, કકળાટ, ગાળો વગેરે જોયેલું-સાંભળેલું. તે ચાર-પાંચ ચોપડી ભણેલો. બેઝિક અક્ષરજ્ઞાન ધરાવતો હતો. ટૂંકમાં, એ માણસ શેરીનો એક લુખ્ખો હતો જેને જેલમાં જવાનો પણ બહુ ખાસ અફસોસ હતો નહીં, પણ જેલ તેને એ વસ્તુ આપવાની હતી જે તેને સ્વતંત્રતાએ ક્યારેય આપી ન હતી.
કંટાળો. બધાને આવે. ગુનેગારને પણ આવે. હેવન્સ જે જેલમાં હતો એમાં એની જ કોટડીમાં બીજો કોઈ કેદી અગાઉ રહેતો હશે. તે ગણિતનું કોઈ પાઠ્યપુસ્તક ત્યાં જ રાખીને બીજે નીકળી ગયો હશે કે છૂટી ગયો હશે. હેવન્સ સખત કંટાળી રહેલો. કંટાળાથી પ્રેરાઈને તેણે એ પુસ્તક હાથમાં લીધું. પાનાં ફેરવ્યાં. સ્કૂલ ટાઈમમાં તેને ગણિતથી જે તીવ્ર એલર્જી હતી એ મોમેન્ટ્સ યાદ આવી ગઈ. તેને પુસ્તક બંધ કરીને દૂર મૂકી દીધું, પણ કંટાળો જેનું નામ. કોઈનો સગો થાય? તેની પાસે સમય પસાર કરવા એ પુસ્તક જ એકમાત્ર હથિયાર હતું. ફરીથી પુસ્તક હાથમાં લીધું અને સમય પસાર કરવા એક એક ડિજિટ, એક એક શબ્દ વાંચવાની શરૂઆત કરી. આમ કરતાં એ પુસ્તક આખું વાંચી ગયો. તેને કંઈ સમજાયું તો નહીં, પણ પેલી જૂની એલર્જી ક્યાં ભાગી ગઈ એ ખબર ન રહી. એને સહેજ મજા આવી એટલે ફરીથી તેણે ગણિતનું એ પુસ્તક વાંચ્યું. ધીમે ધીમે થોડું સમજાવવા લાગ્યું. મજા પણ આવતી ગઈ. એ પુસ્તક એટલી વાર વાંચ્યું કે એ પુસ્તકનો દરેક અક્ષર તેને યાદ રહી ગયો.
પછી હેવન્સ જેલના લાઈબ્રેરિયન પાસે ગયો. ગણિત વિષયનું કોઈ પુસ્તક હોય તો આપવા વિનંતી કરી. લાઈબ્રેરિયનને પણ આશ્ચર્ય થયું કે આજ સુધી કોઈ કેદીએ ગણિતની બુક્સની ડિમાન્ડ નથી કરી. લાઇબ્રેરિયને એના ઘરેથી કે લાઇબ્રેરીમાં એકલદોકલ બુક્સ પડી હોય તો એ મેળવી આપી. હેવન્સ હવે રસપૂર્વક એ વાંચવા લાગ્યો. તેને બીજા પુસ્તકમાં ખબર પડી કે ગણિત વાંચવાનો નહીં, પણ ગણવાનો વિષય છે એટલે કાગળ પેનની ડિમાન્ડ કરી. દાખલા ગણતો ગયો, પ્રમેય સાબિત કરતો ગયો. તેણે પ્રાથમિક બીજગણિતથી શરૂઆત કરી. પછી અંકશાસ્ત્રની કિતાબો તરફ આગળ વધ્યો. હવે લાઈબ્રેરીની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. જેલના અધિકારીઓએ હેવન્સની વિનંતી માન્ય રાખતાં ગણિતનાં બીજાં પુસ્તકો મંગાવી દીધાં. એ દળદાર પુસ્તકોને એકાદ મહિનામાં જ પૂરાં કરી નાખતો. ગણિતની ઘણી બધી થિયરીઓ, બહુ બધા કોન્સેપ્ટ્સ ક્લિયર થઈ ગયેલા. હવે? હવે જે થયું એ શોકિંગ વધુ હતું.
હેવન્સે ગણિતના ભવનોમાં પત્રો લખવાના શરૂ કર્યા. કિતાબી જ્ઞાન બધું મેળવી લીધેલું. અમેરિકાની જે યુનિવર્સિટીઓમાં ગણિતભવન હોય ત્યાં એ ગણિતના પ્રમેયોની ચર્ચા કરવા માટે અને શીખવા માટે પત્રો લખતો થયો. સામાન્ય રીતે તો આવા પત્રોના કોઈ જવાબ ન મળે અને એને પણ ન મળ્યા, પણ ગણિત વિષયમાં એ માણસ એ ઊંચાઈ પર પહોંચી ગયો હતો કે જે સોલ્વ ન થયેલી થિયરી હોય, જે આજ સુધી ના ઉકલેલા કોયડાઓ હોય એની એ ચર્ચા કરી રહેલો. લાંબો સમય વન-વે પત્રો લખ્યા પછી એને એક સિનિયર પ્રોફેસરનો જવાબ મળ્યો. હેવન્સના મેથેમેટિકલ વર્કને ગંભીરતાથી લેવું પડે એમ હતું. ગણિતના તજ્જ્ઞો અને હેવન્સ વચ્ચે એકેડેમિક પત્રવ્યવહાર શરૂ થયો. પત્રોમાંથી પણ એ ઘણું શીખ્યો, તેને ઘણા સવાલોના જવાબ મળ્યા અને એને ઘણા નવા સવાલો ઉદ્ભવ્યા પણ ખરા. ગણિતના આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ક્રિસ્ટોફર હેવન્સનું નામ જાણીતું બની ગયું.
એણે આ બધું કોઈ પર્પઝ સાથે કર્યું ન હતું. ગણિત તેને મુક્તિ અપાવવાનું ન હતું. કોઈ જ ટીચર વિના એટલું પણ ન સમજાય કે સ્ટેપ એક્સમાંથી સ્ટેપ વાય કઈ રીતે આવ્યું. તો પણ એ માણસ તાકી રહેતો. તેને જવાબ મળશે કે નહીં, ગાઈડન્સ મળશે કે નહીં એ પણ એને અંદાજ ન હતો તો પણ એણે જે હાથમાં લીધું હતું એ છોડ્યું નહીં. ઈન્ટરનેટ નહીં. ભવિષ્ય અંધકારમય. કોઈ મંજિલ નહીં. કોઈ પરિણામ નહીં. બસ, એ કામ કરતો ગયો. ગણિતે તેને જિંદગીનાં અટપટાં રહસ્યો સમજાવ્યાં. તેને જેલમાં રીલ જોવાનું કે સગાંવહાલાંઓના વ્યવહાર સાચવવાનું ડિસ્ટ્રેક્શન હતું નહીં. એ જેલમાં બંધ હતો, પણ માનસિક રીતે સાવ ખુલ્લો હતો. આપણે બહાર મુક્ત છીએ અને માનસિક રીતે? ક્રિસ્ટોફર હેવન્સ હજુ જેલમાં છે અને 2030 કે 2036 પછી જ આઝાદી મળશે. તેની નામના અત્યારે એક ગણિતશાસ્ત્રી તરીકેની જ છે. સવાલ એ છે કે આપની પાસે શું બહાનું છે બરખુરદાર?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
