આ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના એક વૈભવી મોલમાં બનેલી એક વાસ્તવિક અને ધ્રુજાવી દેનારી ઘટના છે. જેણે આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો. વર્ષ હતું 2016 અને દિવસ હતો 6 જાન્યુઆરી. સ્થળ હતું ગ્રાન્ડ ઇન્ડોનેશિયા મોલમાં આવેલું `ઓલિવિયર કાફે', જ્યાં દોસ્ત સાથેની મીટિંગ, મોત સાથેની મીટિંગમાં ફેરવાઈ ગઈ.
બપોરના 4:00 વાગ્યાની આસપાસનો સમય હતો. કાફેમાં લોકોની ભીડ જામી રહી હતી અને અહીંયાંનું વાતાવરણ સામાન્ય રીતે જીવંત અને હળવું રહેતું, પરંતુ આજે ટેબલ નંબર 54 પર એક યુવતીનું મૌન, આવનારી ભયાનકતાનો સંકેત આપી રહ્યું હતું. આ યુવતી હતી જેસિકા કુમાલા વોંગસો. એક 27 વર્ષીય ઇન્ડોનેશિયન નાગરિક, જે ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ અને કામ કરીને પાછી આવી હતી. તેણે તેના બે મિત્રો વયાન મિર્ના સલિહિન અને હાનિ સિયાનીતી સાથે આ કાફેમાં મુલાકાત ગોઠવી હતી. મિર્ના અને જેસિકા કોલેજકાળથી મિત્રો હતા.
જેસિકા અન્ય મિત્રોના આવવાની રાહ જોયા વિના લગભગ 4:14 વાગ્યે ઓલિવિયર કાફેમાં પ્રવેશી. તેણે એકદમ પાછળની બાજુએ આવેલું, બે સોફા અને લાંબી ખુરશીઓવાળું ટેબલ પસંદ કર્યું, જે કાફેના સીસીટીવી કેમેરાની મુખ્ય લાઇન-ઓફ-સાઇટમાંથી થોડું ક્રોસમાં પડતું હતું. પહેલાં તેણે આસપાસનો માહોલ જોયો, પછી પોતાની પસંદગીની જગ્યા પર બેઠી. 4:20 વાગ્યે તેણે તરત જ મિત્રો માટે ઓર્ડર આપ્યો. મિર્ના માટે `વિયેતનામીઝ આઇસ્ડ કોફી', હાનિ માટે `કોકટેલ બ્લૂલેટ' અને પોતાના માટે એક `હવાઇયન ફિઝ' મંગાવ્યું. તેણે તરત જ બિલ ચૂકવી દીધું, જેની રકમ 3,81,000 ઇન્ડોનેશિયન રૂપિયા હતી.
કાફેના સ્ટાફ દ્વારા 4:33 વાગ્યે જ્યારે ઓર્ડર કરેલાં પીણાં ટેબલ પર મુકાયાં, તેના થોડા સમયમાં જ જેસિકાએ પોતાની સાથે રહેલી ત્રણ મોટી શોપિંગ બેગ્સ ઊંચકી અને તેને ટેબલની ધાર પર એવી રીતે ગોઠવી કે જેનાથી `વિયેતનામીઝ આઇસ્ડ કોફી'નો ગ્લાસ સીસીટીવી કેમેરામાં સંપૂર્ણપણે ઢંકાઈ જાય.તે સતત કાફેના પ્રવેશદ્વાર તરફ જોઈ રહી હતી, જાણે કોઈની રાહ જોતી હોય.
5:12 વાગ્યે મિર્ના સલિહિન અને હાનિ સિયાનીતી કાફેમાં પ્રવેશ્યાં. મિર્ના તાજેતરમાં જ પરણી હતી અને ખુશ દેખાતી હતી. ત્રણેય મિત્રો ગળે મળ્યાં. મિર્ના ટેબલ પર આવી અને તરત જ તેની સામે મૂકેલો `વિયેતનામીઝ આઇસ્ડ કોફી'નો ગ્લાસ જોયો. શોપિંગ બેગ્સ ખસેડાઈ અને ગ્લાસ સામે આવ્યો. હાનિના કહેવા મુજબ મિર્નાએ ટિપ્પણી કરી કે કોફીનો રંગ સામાન્ય કરતાં વધુ પીળો અને વિચિત્ર લાગતો હતો. મિર્નાએ સ્ટ્રો લઈને કોફીનો એક મોટો ઘૂંટ ભર્યો ને તરત જ તીવ્ર પ્રતિક્રિયા સાથે પાછી હટી અને ચીસ પાડી, `ઓહ! આ સ્વાદ ખૂબ જ ભયંકર અને વિચિત્ર છે.' મિર્નાએ તરત જ તેના ગળા અને મોંની અંદરના ભાગે તીવ્ર બળતરાની ફરિયાદ કરી. હાનિએ ગ્લાસ લઈને કોફી સૂંઘી અને કહ્યું કે તે તીવ્ર અને અસામાન્ય રાસાયણિક ગંધ અનુભવી રહી છે. હાનિના કહેવા મુજબ આ જ સમયે જેસિકાએ ફક્ત કોફી તરફ જોયું અને ખૂબ જ શાંતિથી પૂછ્યું, `કોફી કેમ આવી છે?' મિર્નાની તબિયત સેકન્ડોમાં બગડવા લાગી. તેના માટે શ્વાસ લેવો અઘરું થઈ પડ્યું. આંખો ફરવા લાગી અને શરીર ધ્રૂજવા લાગ્યું. તે ખુરશીમાં પાછળ તરફ ઢળી પડી. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને આંચકી આવવા લાગી. ડરના માહોલમાં હાનિએ બૂમ પાડી અને મદદ માટે દોડી. કાફેના કર્મચારીઓ અને ગ્રાહકો દોડી આવ્યા. મિર્નાને બેભાન હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરાઈ.
જ્યારે મિર્ના પીડામાં હતી અને આસપાસના લોકો તેને મદદ કરવા દોડી રહ્યા હતા, ત્યારે જેસિકાનું વર્તન પાછળથી કોર્ટમાં સૌથી મોટો પુરાવો બન્યો, જે તેની શંકાસ્પદ શાંતિ દર્શાવતું હતું. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓનાં નિવેદનો મુજબ ભયાનકતાની તે ક્ષણોમાં જેસિકા લગભગ સંપૂર્ણપણે સ્થિર અને શાંત રહી હતી. તેણે મિર્નાને મદદ કરવાનો કે તેના શરીરને સ્પર્શ કરવાનો પણ કોઈ પ્રયાસ ન કર્યો. જ્યારે મિર્નાને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી, ત્યારે જેસિકા માત્ર જોતી રહી અને સૌથી વિચિત્ર વાત એ હતી કે તે શાંતિથી ટેબલ પાસે પાછી ફરી અને ખૂબ લાંબા સમય સુધી બાકી રહેલી વિયેતનામીઝ આઇસ્ડ કોફીના ગ્લાસ તરફ જોઈ રહી. પછી તે શાંતિથી તે ગ્લાસને પોતાના શરીરથી ઢાંકીને પાછળની તરફ મૂકે છે અને બાકીનાં પીણાં પણ ટેબલ પર સહેજ ખસેડે છે.
મિર્નાને સાર્કિટો ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ગણતરીના કલાકોમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મૃત્યુનું કારણ તીવ્ર ઝેર લાગતું હતું. આ ઘટનાથી કાફેના મેનેજમેન્ટે પોલીસને જાણ કરવી પડી અને હત્યાની સત્તાવાર તપાસ શરૂ થઈ.
જકાર્તા મેટ્રોપોલિટન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ફોરેન્સિક ટીમે ઓલિવિયર કાફેના ટેબલ 54 પરથી ઝેરનું રહસ્ય અને ઓસ્ટ્રેલિયન કનેક્શનના પુરાવા એકઠા કર્યા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું આંતરિક ઓટોપ્સી કરવામાં આવ્યું નહીં, પરંતુ પેટના પ્રવાહી, યકૃત અને પેશાબના નમૂનાઓ લેવામાં આવ્યા. મિર્નાના પેટના નમૂનાઓમાં સાયનાઇડના નિશાન મળ્યા. વધુમાં ટેબલ પર બાકી રહેલી `વિયેતનામીઝ આઇસ્ડ કોફી'ના નમૂનામાં 15 ગ્રામ સોડિયમ સાયનાઇડ (NaCN) મળી આવ્યું, જે એક જીવલેણ માત્રા હતી. પોલીસને હવે ખાતરી થઈ કે આ અકસ્માત નહીં, પણ સુનિયોજિત હત્યા હતી.
તપાસનું કેન્દ્ર મિર્નાના છેલ્લા કલાકો અને તેમાં હાજર બે મિત્રો હાનિ અને જેસિકા પર સ્થિર થયું. મિર્નાને માત્ર તેના ઓર્ડરની કોફી આપવામાં આવી હતી, જેમાંથી હાનિએ ઘૂંટ નહોતો લીધો અને જેસિકાએ તેની કોફી પીધી નહોતી. આનાથી શંકાની સોય સીધી જેસિકા તરફ વળી અને પોલીસે જેસિકાની જીવનશૈલી અને મિર્ના સાથેના તેના સંબંધોની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે જેસિકા અને મિર્ના ઓસ્ટ્રેલિયાની સિડની સ્થિત બિલિબ્લૂ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં સાથે ભણતી હતી.
ઓસ્ટ્રેલિયામાં જેસિકાના જીવનમાં ઘણી સમસ્યાઓ હતી, જેમાં તેના ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ પેટ્રિક ઓકોનોર સાથેના જટિલ સંબંધોનો સમાવેશ થતો હતો. વર્ષ 2015માં જેસિકાએ મિર્નાને આ સંબંધો વિશે વાત કરી હતી અને મિર્નાએ જેસિકાને સ્પષ્ટ સલાહ આપી હતી કે પેટ્રિક ખરાબ વ્યક્તિ છે અને તેણે તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ. આ સલાહને જેસિકાએ અપમાન તરીકે લીધી હતી અને આ ઘટના પછી તેમના સંબંધોમાં કડવાશ આવી હતી. જેના કારણે જેસિકાએ મિર્ના સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. પોલીસ અને પ્રોસિક્યુટર્સે આ જ વાતને `ઈર્ષ્યા અને અપમાનનો બદલો' ગણીને હત્યાનો મોટિવ ગણાવ્યો.
તપાસનો સૌથી મજબૂત પુરાવો હતો ઓલિવિયર કાફેનું સીસીટીવી ફૂટેજ. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ હત્યાની યોજનાની ચોક્કસ વિગતો બહાર લાવ્યું. ફૂટેજમાં જેસિકાનું સમયસર અને એકલું આવવું, ટેબલની પસંદગી અને પીણાંનો ઓર્ડર આપવો સ્પષ્ટ દેખાતું હતું. ત્યારબાદ જેસિકાએ 4:33 વાગ્યે પીણાં ટેબલ પર આવ્યાં પછી તરત જ શોપિંગ બેગ્સને કોફીના ગ્લાસની આસપાસ એવી રીતે ગોઠવીને આડશ ઊભી કરી દીધી હતી કે જેથી કેમેરાથી ગ્લાસ ઢંકાઈ જાય. આ `આડશ ઊભી કરવાની ક્રિયા'ને પૂર્વનિયોજિત માનવામાં આવી.
બેગ્સની આડશમાં જેસિકા લગભગ 4:40થી 4:45 વાગ્યાની વચ્ચે કંઈક કરતી દેખાતી હતી. નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું કે આ તે સમય હતો જ્યારે તેણીએ સાયનાઇડને કોફીમાં ભેળવ્યું હશે.
મિર્નાના ઢળી પડ્યા પછી જેસિકાનું શાંત, સ્થિર અને મદદ ન કરવાનું વર્તન પણ દોષિત હોવાના પુરાવા તરીકે ગણવામાં આવ્યું. એક મુખ્ય સાક્ષી કાફેના વેઇટર રાંગ્ગા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જેસિકાએ કોફી આવતાંની સાથે જ તેને તેની તરફ ખેંચી લીધી હતી અને અન્ય કોઈને કોફી સ્પર્શ કરવા દીધી નહોતી.
28 જાન્યુઆરી, 2016ના રોજ જેસિકા વોંગસોની ધરપકડ કરવામાં આવી અને તેના પર પૂર્વનિયોજિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. આ કેસની ટ્રાયલ ઇન્ડોનેશિયાના ઇતિહાસમાં સૌથી લાંબી બની. આ ટ્રાયલ લગભગ ચાર મહિના સુધી ચાલી, જેમાં 70 બેઠકો થઈ. સમગ્ર ટ્રાયલ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જીવંત પ્રસારિત થઈ અને લાખો લોકોએ તેને જોઈ.
પ્રોસિક્યુશનની દલીલો મુખ્યત્વે સાયનાઇડના પુરાવા, બદલાની ભાવના (મોટિવ), જેસિકાનું વિચિત્ર વર્તન અને તેની પૂર્વનિયોજિત તૈયારી પર આધારિત હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોફી અને મિર્નાના શરીરમાં સાયનાઇડની જીવલેણ માત્રા મળી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં મિર્ના દ્વારા જેસિકાના બૉયફ્રેન્ડ વિશે આપેલી ખરાબ સલાહ મોટિવ હતો અને નિષ્ણાત સાક્ષીઓએ પુષ્ટિ કરી કે જેસિકા પાસે સાયનાઇડ આપવાની તક, સાધન અને મોટિવ ત્રણેય હતાં. બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી કે સીસીટીવી ફૂટેજમાં જેસિકાને સાયનાઇડ ઉમેરતા સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું ન હતું અને ઝેરનો સ્રોત ક્યારેય સાબિત થઈ શક્યો નહીં. બચાવ પક્ષે ફોરેન્સિક વિવાદ ઊભો કરીને દાવો કર્યો કે મૃત્યુ પછી 70 મિનિટમાં લેવાયેલા પેટના નમૂનાઓમાં કોઈ સાયનાઇડ નહોતું, જ્યારે પછીથી લેવાયેલા નમૂનાઓમાં સાયનાઇડ મળ્યું હતું, જે લેબોરેટરીમાં `નમૂનામાં ભેળસેળ' સૂચવે છે. વળી, સંપૂર્ણ ઓટોપ્સી ન થવાના કારણે મૃત્યુનું અન્ય કોઈ કારણ નકારી શકાયું નહીં. આ તમામ દલીલો વચ્ચે કોર્ટમાં જેસિકાએ સતત પોતાની નિર્દોષતા જાહેર કરી.
આખરે ટ્રાયલ સમાપ્ત થયો અને ન્યાયાધીશોની પેનલે લાંબી વિચારણા પછી અંતિમ નિર્ણય આપ્યો. 27 ઓક્ટોબર, 2016ના રોજ સેન્ટ્રલ જકાર્તા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જેસિકા કુમાલા વોંગસોને વયાન મિર્ના સલિહિનની પૂર્વનિયોજિત હત્યા માટે દોષિત ઠેરવી. કોર્ટે જેસિકા વોંગસોને 20 વર્ષની જેલની સજા ફટકારી.
કોર્ટના ચુકાદામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેસિકાએ `ખૂબ જ ઠંડા કલેજે નિર્દયતાથી' હત્યા કરી હતી. ઓસ્ટ્રેલિયામાં ડિઝાઇન સ્કૂલમાંથી સ્નાતક થયા પછી તરત જ જેસિકાનો મિર્નાને મારવાનો ઇરાદો હતો અને સૌથી અગત્યનું પાસું એ હતું કે, મિર્નાના આઘાત અને પીડાની ક્ષણોમાં જેસિકાની `સ્થિરતા અને સંવેદનાનો અભાવ' દોષિત હોવાનો એક મજબૂત પુરાવો હતો. જેસિકાની અપીલ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તેની છેલ્લી અપીલ (અપીલ ઑફ રિવ્યુ)ને પણ ફગાવી દીધી, જેનાથી 20 વર્ષની જેલની સજા નિશ્ચિત થઈ. આ ઘટના આજે પણ `સાયનાઇડ કોફી મર્ડર' તરીકે જાણીતી છે, જે મૈત્રીના નામે થયેલી એક ભયાનક દગાખોરીની યાદ અપાવે છે.
