અદ્યતન એવા ભવ્ય સ્કૂલ-સંકુલની લોબીમાં એડમિશન મેળવવા માટેની ભારે ભીડ હતી. ભીડના લીધે શોભનાને ગુસ્સો આવતો હતો, શરીરને અજાણી વ્યક્તિનો ભૂલથી પણ હાથ અડે તો કાંટા વાગ્યા જેવું લાગતું. મોં પર ઝાપટી દેતી હતી : ‘તમારી મા-બેન સમજીને પડખે ઊભા રહો!’ પણ શહેરની સારી સ્કૂલમાં દીકરીનું એડમિશન લેવા માટે આવું બધું સહન કરી રહી હતી.

દીકરીના પપ્પા પર ગુસ્સો આવતો હતો. તે સાથે હોત તો પોતાને આમ ભીડ ભોગવવાનું ન થાત, પણ પ્રતિ સવાલ, નાગના માફક ફૂંફાડો મારી ઉઠ્યો હતો: ‘એ તારી સાથે નથી કે,પછી તું એમની સાથે નથી!’ જવાબ તો જીભ પર હાજર હતો. તેની ભરાવદાર છાતીમાં સબાકો આવ્યો હતો. સુંવાળી ચામડીથી થથરી જવાયું હતું. તેણીએ વિચાર બદલવા ઊંચે ઉપાડીને જોયું હતું. એક બોર્ડ પર ધ્યાન ગયું હતું. તેમાં લખેલું હતું : અમારી આ સ્કૂલમાં સ્ટુડન્ટસ માટેના નોટબુક-પુસ્તકો, યુનિફોર્મ, બુટ-મોજા તેમજ સ્કૂલે નક્કી કરેલી તમામ સાધન-સામગ્રી મળી જશે. જરાય ચિંતા ન કરશો - ડોન્ટ વરી! પણ પછી ખુદ શોભનાને સવાલ થયો હતો: ‘તો શિક્ષણનું શું!?’ ખબર નહીં પણ કોઈએ કહ્યું તે મનમાં ગૂંજ્યું હતું : ‘સોરી મેડમ, શિક્ષણ માટે તો તમારે ખાનગી ટ્યૂશન ક્લાસનો સંપર્ક કરવો પડશે!’ કાનમાં નહીં, પણ પગમાં કાનખજૂરો ચઢ્યો હોય એમ શોભના હલબલી ગઈ હતી. ત્યાં પાછળ ઊભેલો પુરુષ બોલી ગયો હતો: ‘સરખા ઊભા રહો, મારાં બેન!’

શોભનાને સ્મરણમાં હતું: ‘એ તને પરણી ત્યારે દીકરી સાથે લઈને આવી નહોતી. તારા ઘરે રોકાણી પછી જ જન્મી છે, સાંભળી લે... તારે જ્યાં રાખવી, ભણાવવી હોય ત્યાં ભણાવજે, મેં જન્મ દઈને કાંઈ ગુનો નથી કર્યો!’ આવું તેના પતિને કહી ચૂકી હતી. ત્યારે પતિએ તદ્દન શાંતિથી જવાબ વાળ્યો હતો: ‘જીવનમાં ઘણી ભૂલો જાણતા-અજાણતા થઇ જતી હોય છે!’ શોભના ઉત્તર વાળવા સક્ષમ નહોતી. ભીતર ભૂલોનો ભંડાર ભર્યો હતો. પોતે એક આંગળી ચીંધે તો બાકીની ચાર આંગળી ખુદની છાતી સામે આવે એમ હતી. સઘળી ભૂલો જાણતી, સમજતી હતી, પણ સુધારી શકતી નહોતી.

શોભનાને પતિ સાથે બોલવા વ્યવહાર નહોતો, પણ દીકરી ખાતર ફોન કર્યો હતો: ‘ટીનુનું એડમિશન લેવાનું શું કરવાનું છે?’ પછી જવાબ જાણ્યા વગર જણાવી દીધું હતું : ‘પેલી સ્કૂલ ખૂબ સારી છે. તેની ફી ઊંચી છે, પણ ત્યાં એડમિશન લેવું છે. ફી તો ઠીક છે પણ દીકરીનું ભવિષ્ય જોવાનું હોય ને..!’

ફોનમાં એકાદ મિનિટ સુધી અવાજ આવ્યો નહોતો.પતિએ શોભનાને પૂછવું હતું: ‘તું કઈ બાબતોને લઇ સ્કૂલને સારી ગણે છે? અદ્યતન ઈમારત, ઊંચી ફી...’ આગળ પૂછવું હતું: ‘સંતાનનું ભવિષ્ય સ્કૂલના હાથમાં હોય છે એવું તને કોણે ઠસાવ્યું છે?’ આક્રોશ સાથે ઉમેરવું હતું : ‘આ એક સ્માર્ટ બિઝનેસ છે!’

પણ આવું કાંઈ કહેવા, સમજાવવાનું માંડી વાળ્યું હતું. ભેંસ આગળ ભાગવત કથવાનો કોઈ અર્થ નહોતો. સમજ વગરનો સમાજ ગાડરિયા પ્રવાહમાં તણાઇ રહ્યો હતો. તેમાં શોભના પણ આવી ગઈ હતી.

આ બાજુ શોભના ઊંચી-નીચી થઇ રહી હતી. જીભે આવી ગયું હતું: મારાં માટે નહીં, આ તારી દીકરી ખાતર આવ! પછી કહી દેવું હતું: મેં ભલે જન્મ દીધો, પણ દીકરી પાછળ નામ તો તારું જ લખાય છે!

પણ ત્યાં એક પુરુષ પડખે આવી ને ઊભો રહ્યો હતો. આઘા ઊભા રહો... એવું કહેવા જતી હતી, પણ પોતાનો અભૂતપૂર્વ પતિ જ હતો. તેણે કહ્યું હતું : ‘હું આઘો જ ઊભો છું, મેડમ!’ શોભના શરમાઇ ગઈ હતી.

‘આ સ્કૂલમાં એડમિશન લેવું એ નક્કી જ છે?’ સામે શોભનાએ નેણ નચાવી વ્યંગમાં કહ્યું હતું: ‘તો શું હું અહીં ફરવા આવી છું!?’ થોડીવાર ચૂપ રહ્યા પછી પતિએ જણાવ્યું હતું: ‘તે પણ આવી ઊંચી ફી વાળી સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો ને!?’ બહુ પાતળી ક્ષણોમાં શોભનાને પતિનું કહેવું માત્ર સમજાય જ ગયું નહોતું, પણ હૃદયની સોંસરવું ઉતરી ગયું હતું, પણ સારું-ખોટું સમજવું ખુદને મુશ્કેલ થઇ પડ્યું હતું.

‘દીકરીનું જીવનઘડતર કરી શકે એવી ઘણી સંસ્થાઓ છે...’ પતિએ પ્રેમથી કહ્યું હતું: ‘શીખવે તે શિક્ષણ ને કેળવે તે કેળવણી...’ પછી કહેવું હતું: ‘સ્કૂલ-કોલેજનું કામ છે, ઉત્તમ માણસનું નિર્માણ કરવું તે... નહીં કે શિક્ષણ નામે વેપાર કરવો!’ શોભનાને સારું લાગ્યું હતું. તેણીની મૂકસંમતિ હતી: ‘તો તમે જેમ કહો તેમ!’

પછી એક નિવાસી સંસ્થામાં દીકરીનું એડમિશન લીધું હતું. પતિનું કહેવું હતું : ‘જે દીકરી નિવાસી સંસ્થામાં રહીને ઘડાઇ હોય એ દીકરીનું દાંપત્યજીવન લગભગ સારું ને સુખી નીવડતું હોય છે!’

‘એવું કોણે કહ્યું?’ શોભના બોલી ઊઠી હતી. સામે જવાબ હતો: ‘ઘરસંસારમાં સમાધાન કરવું, અતિ અગત્યનું હોય છે... જે નિવાસી શાળાઓમાં સારી રીતે, શીખવા ને સમજવા મળે છે.’

‘આ બધું તમે મને જ કહો છો..’ શોભના કહે: ‘પણ હું પાછી તમારા સાથે જ રહેવા આવવાની છું!’ પતિ હસવા લાગ્યો હતો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો