ઈર્ષ્યા એ માત્ર મોટાઓમાં જ નથી હોતી, નાનાં બાળકોમાં પણ હોય છે. અસંતોષ-અધૂરપ અને અન્ય પાસે પોતાના કરતાં વધુ પૈસા, વસ્તુઓ, સૌંદર્ય, પ્રેમ, મિત્રો કે હોશિયારી હોય તો એ ન ગમવાને કારણે ઈર્ષ્યા જન્મે છે. અગર નાનાં બાળકોને પણ એવું લાગે કે એનાથી બહેતર કોઈ વ્યક્તિ છે તો એના પ્રત્યે ઈર્ષ્યા જન્મે છે.

પાંચ વર્ષના સૂર્યાએ એની નાની બહેન મિનિને રૂમમાં પૂરી દીધી. સૂર્યાની મમ્મીએ જ્યારે એને એમ કરવાનું કારણ પૂછ્યું તો સૂર્યાએ ભોળા ભાવે કહ્યું કે મિનિ મારાં બધાં રમકડાં લઈ લે છે. પપ્પા ઓફિસેથી આવીને પહેલાં મિનિને જ વહાલ કરે છે. મિનિ મને નથી ગમતી. આ ઈર્ષ્યાનો ભાવ છે. બાળક હોય કે મોટા ખુદ કરતાં અન્યને કોઈ પણ બાબતે ચડિયાતા ન જોઈ શકવાને કારણે જે વિષાદ, બળતરા અને રિજેક્શનની લાગણી જન્મે છે, એમાંથી ઈર્ષ્યાનાં બીજ પાંગરતા જાય છે. ઈર્ષ્યા એ નકારાત્મક લાગણી છે અને 99 ટકા કેસમાં એ માણસની અંદરની ખુશી, ખેલદિલી અને ઉદારતાનો નાશ કરે છે. અન્યના સુખમાં ખુશ થવાની વૃત્તિ ન હોય તો સામી વ્યક્તિ ગમે તેટલી સારી હોય તો પણ ખરાબ લાગે છે. જે અંગત સંબંધો, મૈત્રી અને નોકરી-ધંધામાં પણ અસર કરે છે.

બાળકોમાં ઈર્ષ્યાના અલગ-અલગ પ્રકાર જોવા મળે છે. જેમ કે મટીરિયલ જેલસી, જે અન્ય પાસે વધારે સારી વસ્તુ હોવાને કારણે આવે છે. ક્લાસરૂમમાં કોઈની પાસે વધારે સારું દફ્તર કે કંપાસબોક્સ હોય તો પણ જન્મે છે. આજુબાજુનાં કે સગાં-સંબંધીઓનાં બાળકો પાસે કાર કે મોંઘા ફોન જોઈને પોતાની પાસે નથી એનું દુઃખ વધી જાય ત્યારે મનમાં જે અણગમો-વિદ્રોહ પ્રગટે તે ઈર્ષ્યા. આવા સંજોગોમાં એ પેરેન્ટ્સથી અલગાવ અનુભવે છે. એને લાગે છે એનાં માતા-પિતાની તાકાત નથી કે તેઓ એને ખુશ રાખે. બાળકને આર્થિક અસમાનતાની સમજણ ન હોવાને કારણે એવું પણ માની લે છે કે પેરેન્ટ્સ એને પ્રેમ નથી કરતાં. આવા સંજોગોમાં પેરેન્ટ્સની ધીરજ મહત્ત્વની છે. એમને પ્રેમથી સમજાવવા પડે કે દરેક પરિવારની આર્થિક સ્થિતિ અલગ હોય છે. અત્યારે આપણી પાસે ઓછા પૈસા છે. જ્યારે વધારે આવશે ત્યારે તને જે જોઈએ તે અપાવીશું. બાળકને એ પણ સમજાવો કે તમારી પાસે જે છે એમાં ખુશ રહો અને બીજાની પાસે વધારે સારું હોય તો દુઃખી ન થાઓ. બાળકને બાળપણથી કોઈ હોબી કેળવો કે જેમાં એ ઓતપ્રોત બની બીજી આડીઅવળી બાબતોમાં મન ખરાબ ન કરે અને ખુશ રહેતાં શીખે. બાળકમાં અન્ય જે શક્તિ કે પ્લસ પોઈન્ટ હોય એ અંગે મોટિવેટ કરો, જેથી એનો આત્મવિશ્વાસ ટકી રહેશે. એ ભૌતિક વસ્તુઓ માટે હીન ભાવના નહીં અનુભવે.

બીજા ક્રમે આવે છે સોશિયલ જેલસી. અન્ય લોકોના સમાજમાં વધારે-માનપાન જોઈને એ હીનતા અનુભવે છે. અમુક સ્ટુડન્ટને ટીચર વધારે રિસ્પેક્ટ આપે ત્યારે પણ એ દુઃખી થાય છે. ઘણીવાર પોતાને ગમતા ફ્રેન્ડ્સ અન્યના ફ્રેન્ડ્સ બની જાય ત્યારે અંદરથી બાળક તૂટી જાય છે. એ બીજા બાળકને નફરત કરે છે. જ્યારે બાળક આ રીતે અન્ય બાળક પ્રત્યે ઈર્ષ્યા રાખે છે ત્યારે એનો સેલ્ફ એસ્ટીમ નીચો ઊતરે છે. એને એવું લાગે છે કે મારામાં કોઈ આવડત નથી કે હું સ્માર્ટ નથી. હું હંમેશાં બીજાથી પાછળ રહીશ. આ ભાવ એની ભવિષ્યની પ્રગતિમાં રુકાવટ ઊભી કરી શકે. બની શકે કે બાળકની અંદર જે સૌમ્યતાનો ભાવ છે તે ખતમ થઈ જાય. એનામાં ગુસ્સો અને આક્રમકતા વધે. એ બીજા બાળકને ઠરાવે કે ધમકી આપે. આવાં બાળકોને પેરેન્ટ્સ વધારે સમય આપી સ્પેશિયલ ફીલ કરાવે એ જરૂરી છે. બાળકથી ભણવામાં કે દેખાવમાં ઊતરતાં લોકો કેટલી સરસ રીતે ખુશ રહે છે એ સમજાવો. બાળપણથી બાળકને એક વાત શીખવો કે ભગવાને તમને જે આપ્યું છે એના આધારે જ આગળ વધવાનું છે અને મહેનત કરવાથી પરિણામ મળે જ છે. બીજું, પેરેન્ટ્સ જ હંમેશાં ભૌતિક વસ્તુઓ માટે રડતાં રહેશે કે આપણી પાસે આ નથી ને પેલું નથી તો બાળકમાં આ અસંતોષની આગ વધુ ભડકશે. ત્રીજો મુદ્દો એ કે પેરેન્ટ્સ બાળકની અન્ય બાળક સાથે સરખામણી કરતાં હશે તો પણ બાળકમાં ઈર્ષ્યા આવશે. સો, બાળક સ્વસ્થ રહે, જે મળ્યું છે એમાં સંતોષ માને તો પેરેન્ટ્સે આ વાત પોતાનાં વ્યવહારમાં ઉતારવી પડશે.

સિબલિંગ જેલસી દૂર કરવા માટે પેરેન્ટ્સ બંને બાળકોને સમાનભાવે પ્રેમ કરે એ જરૂરી છે. રૂપાળા-હસમુખા બાળકને વધારે વહાલ અને રિઝર્વ અને સામાન્ય બાળકની અવગણના પેરેન્ટ્સને ભારે પડી શકે. આ અવગણના પામતું બાળક મનમાં ઈર્ષ્યાનો લાવો સળગાવતો રહેશે અને એ ભયંકર સ્વરૂપે બહાર આવી શકે. જેમ કે, સીબલિંગને મારવું, ધક્કો મારવો, એના પર ચોરી વગેરેના આક્ષેપો કરવા કે વસ્તુઓ છીનવી લેવી. પેરેન્ટ્સની નાનકડી ભૂલ બાળકોમાં અંદરોઅંદર નફરતનાં બીજ રોપી શકે.

કેટલાંક બાળકોના સ્વભાવમાં જન્મજાત ઈર્ષા હોય છે, કારણ હોય કે ન હોય, તેઓ બીજાનું સારું જોઈ શકતાં નથી. બીજાનું ખરાબ ઈચ્છવું એ એની પ્રકૃતિ હોય કે આવાં બાળકો થોડાં સમજણાં થાય પછી સમજા6વટ દ્વારા જ એની માનસિકતા દૂર કરી શકાય. તેમની સમક્ષ ઉદાહરણો સેટ કરવાં એ પેરેન્ટ્સ માટે મોટો પડકાર છે.

આ સિવાય પરિવારના સભ્યો જ જો છળકપટ કરતાં હશે, હંમેશાં અન્યની બૂરાઈ કરતાં હશે તો બાળક પણ સ્વાભાવિક જ શીખશે, તેથી બાળકને સ્વસ્થ અને સારું વાતાવરણ પૂરી પાડી સ્વભાવગત નબળાઈઓથી બચાવવાં એ પેરેન્ટ્સ માટે મોટો પડકાર છે.