વિશ્વની કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એકસરખી હોય એ વાત લગભગ અશક્ય છે. વિજ્ઞાન કહે છે કે, એક જ ગર્ભમાં એકસાથે ઊછર્યા હોય અને એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવાં જોડિયાં બાળકોની ફિંગરપ્રિન્ટ પણ એકબીજા કરતાં જુદી હોય છે. એમનાં રૂપ, રંગ, દેખાવથી માંડીને સ્વભાવ સુધીનું બધું સમાન હોઈ શકે, પણ ફિંગરપ્રિન્ટ નહિ! તો શું દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ યુનિક એટલે કે સમગ્ર વિશ્વમાં એકમેવ હોય છે? સાવ એવુંય નથી.

ઉપર જણાવ્યું એમ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સમાન હોય એ `લગભગ અશક્ય' બાબત છે, પણ સાવ અશક્ય નથી. 19મી અને 20મી સદી દરમિયાન ફ્રાન્સિસ ગાલ્ટન (Francis Galton) નામે એક પ્રખ્યાત વિજ્ઞાની થઇ ગયા. તેઓ એક પોલિમેથ, એટલે કે અનેક વિષયોમાં નિષ્ણાત હોય એવી વ્યક્તિ હતા. સંબંધની દૃષ્ટિએ જોઈએ તો ફ્રાન્સિસ સાહેબ આપણા ચાર્લ્સ ડાર્વિનના પિતરાઈ ભાઈ થાય. એક સારા આંકડાશાસ્ત્રી હોવા ઉપરાંત ફ્રાન્સિસ ગાલ્ટને પોતાના કઝિન ડાર્વિનની માફક નૃવંશશાસ્ત્રમાં પણ સારું એવું પ્રદાન કર્યું છે.

ફ્રાન્સિસનાં બે સંશોધનો વિશ્વવિખ્યાત છે. 1869માં ફ્રાન્સિસે એક પુસ્તક લખ્યું `હેરિડિટરી જિનિયસ'. આ પુસ્તકમાં તેમણે પ્રતિભાશાળી લોકોના કુટુંબનો અભ્યાસ કરીને દલીલ કરી કે પ્રતિભા અને બુદ્ધિ મોટાભાગે વારસાગત હોય છે. 1883માં એમણે ગ્રીક શબ્દો eu (સારું) અને genos (જન્મ) ઉપરથી `eugenics' શબ્દની રચના કરી. યુજેનિક્સ વિચારધારા અનુસાર માનવ જાતિને સુધારવા માટે `ઉત્તમ' લોકોએ વધુ સંતાન ઉત્પન્ન કરવાં જોઈએ. સાથે જ `નિમ્ન ગુણવત્તા' ધરાવતા લોકો ઓછાં સંતાન પેદા કરે એ માટે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. આ વિચાર પાછળથી ખૂબ વિવાદાસ્પદ બન્યો. કહેવાય છે કે પોતાને શુદ્ધ લોહી ધરાવતી પ્રજા ગણતા જર્મન નાઝીઓએ યુજેનિક્સની વિચારધારાનો મોટા પાયે દુરુપયોગ કર્યો.

જોકે, આજે આપણે ફ્રાન્સિસ ગાલ્ટને કરેલી અન્ય એક મહત્ત્વની શોધ વિશે વાત કરવાના છીએ. આ શોધ એટલે ફિંગરપ્રિન્ટ વિશેના પાયાનાં વૈજ્ઞાનિક તથ્યો. ફ્રાન્સિસે નૃવંશશાસ્ત્રને લગતા પ્રયોગો માટેની લેબોરેટરીમાં આશરે આઠ હજાર જેટલા વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ્સ ભેગી કરેલી. આજે અદ્યતન યુગમાં આ કામ બહુ આસાન લાગે, પણ ફ્રાન્સિસે આ કામ ઠેઠ 1888માં કરેલું! આ ફિંગરપ્રિન્ટ્સનો લાંબો-ઊંડો અભ્યાસ કરીને અનેક વિગતો ભેગી કરી. એ ઉપરથી ગાલ્ટને જે તારણો તારવ્યાં એને આજની તારીખેય પાયારૂપ ગણવામાં આવે છે.

ગાલ્ટને વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે કોઈ બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ એકસરખી હોય એ લગભગ અશક્ય વાત છે. પોતાના આંકડાશાસ્ત્રના અભ્યાસને કામે લગાડીને એમણે કહ્યું કે બે જુદી જુદી વ્યક્તિઓ એકસરખી ફિંગરપ્રિન્ટ ધરાવતી હોય એવી શક્યતા 64 અબજની સામે 1 (1 in 64 billion) જેટલી જ છે! એટલું જ નહિ પણ જો કોઈ ગંભીર ઇજા ન થાય તો વ્યક્તિની ફિંગરપ્રિન્ટ આજીવન અપરિવર્તિત રહે છે, એટલે કે બદલાતી નથી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે બાળકનો જન્મ થાય એ પહેલાં જ ગર્ભાવસ્થાના ત્રણ-ચાર મહિનાની આસપાસ જ ફિંગરપ્રિન્ટ રચાવા માંડે છે.

તમારી આંગળીઓને ધ્યાનથી જોશો તો નરી આંખે મુશ્કેલીથી કળાય એવી અત્યંત સૂક્ષ્મ રેખાઓ ઉપસેલી દેખાશે. આ રેખાઓને રિજ અથવા રિજીસ (ridges) કહેવાય. રિજીસ વચ્ચેના ભાગને વેલી કહેવાય અને રિજીસ જે સ્થળે વળાંક મારીને પોતાની પેટર્ન બદલે, એ નાનકડો ત્રિકોણીય પ્રદેશ ડેલ્ટા કહેવાય. તમે ઇન્કપેડ પર અંગૂઠો દાબીને કાગળ પર ફિંગરપ્રિન્ટ આપો, એ હકીકતે તમારી આંગળીની ત્વચા પર આવેલી રિજીસની પેટર્ન હોય છે. રિજીસની પેટર્નના આધારે ગાલ્ટને ફિંગરપ્રિન્ટ્સને ત્રણ મુખ્ય પ્રકારમાં વર્ગીકૃત કરી છે:

1. Loops (લૂપ) - રિજ એક તરફથી આવીને પાછા વળે.

2. Whorls (વ્હર્લ) - વર્તુળાકાર અથવા વમળ જેવી પેટર્ન

3. Arches (આર્ચ) - કોઈ લૂપ કે વર્તુળ વગરની ડેલ્ટાવિહોણી પેટર્ન

આ પેટર્નના આધારે ગાલ્ટને સૌપ્રથમ વખત ફિંગરપ્રિન્ટ્સના વર્ગીકરણ માટેની વ્યવહારુ પદ્ધતિ શોધી. આ માટે ગાલ્ટને રિજીસની ઝીણામાં ઝીણી વિગતોને (જેમ કે, રિજનો એન્ડિંગ પોઈન્ટ, ડોટ વગેરે) અલગ તારવી. ફિંગરપ્રિન્ટના અભ્યાસ વખતે આ બધી ડિટેલ્સને `ગાલ્ટન પોઈન્ટ્સ' તરીકે ધ્યાને લેવામાં આવે છે.

જોકે, ગાલ્ટને ફિંગરપ્રિન્ટ્સના અભ્યાસ માટે જે પદ્ધતિ તારવી એ પણ સંપૂર્ણ નહોતી. પાછળથી ઈ.આર. હેનરી નામક અન્ય એક વિજ્ઞાનીએ એમાં જરૂરી સુધારાવધારા કર્યા. 1901માં સ્કોટલેન્ડ યાર્ડે ફિંગરપ્રિન્ટને પોતાના સંશોધન અને વિશ્લેષણ માટે આધાર તરીકે ગણવાનું શરૂ કર્યું. એ રીતે જોવા જઈએ તો ફ્રાન્સિસ ગાલ્ટને નૃવંશશાસ્ત્ર (એન્થ્રોપોલોજી)ના અભ્યાસ તરીકે માનવીય ફિંગરપ્રિન્ટ્સની જે વિશેષતાઓ ઉજાગર કરી, એણે આધુનિક ફોરેન્સિક સાયન્સનો પાયો નાખ્યો એમ કહી શકાય.

એક આડવાત, જે રીતે મનુષ્યો પોતાની યુનિક ફિંગરપ્રિન્ટ્સને આધારે એકબીજાથી જુદા પડે છે, એમ કૂતરો અને બિલાડી જેવાં પ્રાણીઓ પોતાના નાક પર ઉપસેલાં વિશિષ્ટ ટપકાંઓની ભાત દ્વારા પોતાની વિશિષ્ટ ઓળખ પ્રદર્શિત કરે છે. હવેથી કોઈ વાર બિલોરી કાચ હાથ લાગી જાય તો એને આંગળીઓ ઉપર ધરીને ત્વચા પર ઉપસેલી રિજલાઈન્સનો અભ્યાસ અવશ્ય કરજો. કૂતરા-બિલાડીના નાકનો અભ્યાસ તમારા હિસાબે ને જોખમે કરવો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો