એસઆઈટીના વડાએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો અને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. ગૌરી લંકેશની હત્યાના ઘટનાસ્થળેથી મળેલી બુલેટ્સ અને કારતૂસના ખોખાને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)માં મોકલવામાં આવ્યા. અહીં જ વિજ્ઞાને પોતાનો ચમત્કાર બતાવ્યો. બેલિસ્ટિક નિષ્ણાતોએ જ્યારે માઇક્રોસ્કોપ હેઠળ ગૌરી લંકેશની હત્યામાં વપરાયેલી બુલેટો પરના નિશાન(Rifling Marks)ની સરખામણી કરી, ત્યારે પ્રયોગશાળામાં સન્નાટો છવાઈ ગયો. આ નિશાન અદ્ભુત રીતે છેક બે વર્ષ પહેલાં ધારવાડમાં ડૉ. કલબુર્ગીના શરીરમાંથી મળેલી બુલેટો સાથે અને મહારાષ્ટ્રમાં ગોવિંદ પાનસરેની હત્યામાં વપરાયેલી બુલેટો સાથે સો ટકા મેચ થતા હતા. આ કોઈ સાધારણ કડી નહોતી. ફોરેન્સિક રિપોર્ટે સત્તાવાર રીતે સાબિત કરી દીધું કે ગૌરી લંકેશ, એમ. એમ. કલબુર્ગી અને ગોવિંદ પાનસરેની હત્યા પાછળ એક જ હથિયાર - 7.65 એમએમની દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ થયો હતો અને આ ત્રણેય ગુનાઓ પાછળ એક જ સંગઠિત અંડરગ્રાઉન્ડ ગેંગ સક્રિય હતી.
આ ચોંકાવનારા ખુલાસા પછી એસઆઈટીના અધિકારીઓ સમજી ગયા કે તેઓ માત્ર એક હત્યાના કેસની તપાસ નથી કરી રહ્યા, પરંતુ તેઓ એક પ્રચંડ આંતરરાજ્ય કાવતરાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. એસઆઈટીએ કડક ગુપ્તતા જાળવીને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું મોટું નેટવર્ક ગોઠવ્યું. તેમણે આ ગેંગ સાથે જોડાયેલા શંકાસ્પદોના લાખો ફોન કોલ્સનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું. નવેમ્બર, 2017માં પોલીસના હાથમાં એક કીમતી સંવાદ લાગ્યો. ચિક્કામગાલુરુ જિલ્લાના કે. ટી. નવીન કુમાર પોતાના એક મિત્ર સાથે ફોન પર ગૌરી લંકેશની હત્યા વિશે અને આગામી સમયમાં અન્ય એક પ્રગતિશીલ વિચારક કે. એસ. ભગવાનની હત્યા કરવાના પ્લાનિંગ વિશે વાત કરી રહ્યો હતો. એસઆઈટીએ સમય ગુમાવ્યા વિના માર્ચ, 2018માં નવીન કુમારની ધરપકડ કરી લીધી. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી, જેણે તપાસકર્તાઓને કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદે કાર્યરત એક રહસ્યમય ક્રાઈમ સિન્ડિકેટ સુધી પહોંચાડી દીધા.
નવીન કુમારની કડીઓનો પીછો કરતાં-કરતાં એસઆઈટીના જવાનો ગોવા, બેલગાવી અને પૂણે સુધી પહોંચ્યા. મે, 2018માં એસઆઈટીએ એક મોટી રેડ પાડીને આ આખી ગેંગના માસ્ટરમાઇન્ડ અમોલ કાલે ઉર્ફે `ભાઈસા'બ' અને તેના સાથીદારો અમિત દેગવેકર અને મનોહર એદાવેને ઝડપી લીધા. આ ધરપકડ હિન્દુસ્તાનના ગુના શોધક ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાનારી ક્ષણ હતી. અમોલ કાલેની તલાશી દરમિયાન પોલીસને તેની પાસેથી એક ગુપ્ત ડાયરી મળી આવી. આ ડાયરી કોઈ સામાન્ય નોંધપોથી નહોતી, પણ મોતનું સરનામું હતી. ડાયરીમાં સાંકેતિક ભાષામાં અને કોડવર્ડ્સમાં દેશભરના 26 એવા લેખકો, સાહિત્યકારો અને પત્રકારોનાં નામ લખેલાં હતાં, જેમને આ સિન્ડિકેટ `દુર્જન' માનતી હતી અને તેમનો ખાતમો કરવાનો પ્લાન બનાવી રહી હતી. આ યાદીમાં ગૌરી લંકેશ અને પ્રોફેસર કે. એસ. ભગવાનની સાથે સાથે ડૉ. એમ. એમ. કલબુર્ગીના નામ પર પહેલેથી જ ચોકડી મારેલી હતી.
અમોલ કાલેની ડાયરીમાંથી ખૂલેલા રાઝ અને ફોરેન્સિક પુરાવાઓએ સાબિત કરી દીધું કે કલબુર્ગી કેસના અસલી ગુનેગારો ગૌરી લંકેશ કેસની ફાઈલોમાં જ છુપાયેલા છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કલબુર્ગીનાં પત્ની ઉમાદેવીએ ન્યાય માટે રીટ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતા અને એસઆઈટીની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ફેબ્રુઆરી, 2019માં એક ઐતિહાસિક આદેશ આપ્યો. સર્વોચ્ચ અદાલતે કલબુર્ગી હત્યા કેસની તપાસ સીઆઈડી પાસેથી આંચકીને સીધી ગૌરી લંકેશ કેસની તપાસ કરી રહેલી કર્ણાટક પોલીસની એસઆઈટીને સોંપી દીધી. હવે કલબુર્ગી કેસના બંધ પ્રકરણને ફરીથી ખોલવાનો સમય આવી ગયો હતો. એસઆઈટીએ આ કેસ હાથમાં લેતાંની સાથે જ પુરાવાઓનું નવેસરથી મૂલ્યાંકન શરૂ કર્યું અને અમોલ કાલે તેમજ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ શરૂ કરી.
પૂછપરછ દરમિયાન કાવતરાના પડદા એક પછી એક ખૂલવા લાગ્યા. એસઆઈટી સમક્ષ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ધારવાડમાં 30 ઓગસ્ટ, 2015ના રોજ જે બે યુવાનો કાળા રંગની મોટરસાઇકલ પર આવ્યા હતા, તેમાં બાઇકની પાછળ બેઠેલો અને ડૉ. કલબુર્ગીના કપાળમાં ગોળી મારનારો અસલી શૂટર બીજું કોઈ નહીં, પણ ગણેશ મિસ્કિન જ હતો.
ગણેશ મિસ્કિન પહેલેથી જ ગૌરી લંકેશ હત્યા કેસમાં જેલની હવા ખાઈ રહ્યો હતો, પરંતુ કલબુર્ગી કેસમાં તેની સામે સચોટ પુરાવા ઊભા કરવા માટે તે બાઇક ચલાવનાર સાથીદારને શોધવો અનિવાર્ય હતો, જેને સીઆઈડી વર્ષો સુધી શોધી શકી નહોતી. અમોલ કાલેની આકરી પૂછપરછ અને ટેક્નિકલ પુરાવાઓને આધારે એસઆઈટી બેલગાવીના રહેવાસી પ્રવીણ ચતુર સુધી પહોંચી. જૂન, 2019માં એસઆઈટીએ પ્રવીણ ચતુરને દબોચી લીધો. પ્રવીણે પોલીસ સામે કબૂલાત કરી કે તે જ રવિવારની સવારે મોટરસાઇકલ ચલાવીને ધારવાડ ગયો હતો અને ગણેશ મિસ્કિનને કલબુર્ગીના ઘરની બહાર ઉતાર્યો હતો.
આટલા મજબૂત વૈજ્ઞાનિક અને મૌખિક પુરાવા મળ્યા પછી પણ કાયદાની અદાલતમાં શૂટરની ઓળખ સાબિત કરવી એ સૌથી મોટો પડકાર હતો. કાયદાકીય પ્રક્રિયા મુજબ `ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ' (TIP) એટલે કે ઓળખ પરેડ એ આરોપીને સજા અપાવવા માટેનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. એસઆઈટીએ ધારવાડની અદાલત સમક્ષ અરજી કરીને જેલમાં બંધ ગણેશ મિસ્કિનની ઓળખ પરેડ કરાવવાની મંજૂરી મેળવી. 17 જુલાઈ, 2019ના રોજ ધારવાડની સેન્ટ્રલ જેલની અંદર એક ભારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ધારવાડના તહસીલદાર અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેલના એક વિશાળ હોલમાં ગણેશ મિસ્કિનની સાથે તેના જેવી જ શારીરિક લાક્ષણિકતાઓ અને ઉંમર ધરાવતા અન્ય આઠથી દસ નિર્દોષ લોકોને એક હરોળમાં ઊભા રાખવામાં આવ્યા હતા.
હોલના ભારે લોખંડી દરવાજા ખૂલ્યા અને અંદર પ્રવેશ્યાં કલબુર્ગીનાં વૃદ્ધ પત્ની ઉમાદેવી. જીવનસાથીને ગુમાવવાનું દર્દ અને ચાર વર્ષની લાંબી રાહ પછી પણ તેમની આંખોમાં અદ્ભુત સંયમ જોવા મળતું હતું. જેલ પ્રશાસને ઉમાદેવીને હરોળમાં ઊભેલા પુરુષો તરફ નજર ફેરવીને તે હત્યારાને ઓળખવા કહ્યું, જેણે તે સવારે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. હોલમાં સંપૂર્ણ સ્મશાનવત્ શાંતિ હતી. ઉમાદેવી એક-એક વ્યક્તિની નજીક ગયાં અને તેમના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યાં. જ્યારે તેઓ હરોળની મધ્યમાં પહોંચ્યાં, ત્યારે તેમની નજર ગણેશ મિસ્કિન પર સ્થિર થઈ ગઈ. મિસ્કિનના ચહેરા પર તે સમયે નમ્રતાનો દેખાવ હતો, પરંતુ ઉમાદેવીની સ્મૃતિમાં 2015ની એ ગોઝારી સવારે દરવાજે ઊભેલો ઠંડા કલેજાનો હત્યારો જીવંત થઈ ગયો. તેમણે કોઈ પણ અચકાટ વિના, અત્યંત મક્કમતાથી પોતાની આંગળી ગણેશ મિસ્કિન તરફ ચીંધી અને કહ્યું, `આ જ એ માણસ છે જેણે મારી નજર સામે મારા પતિને ગોળી મારી હતી.'
આ ઓળખ પરેડ માત્ર કલબુર્ગી કેસ માટે જ નહીં, પરંતુ ગૌરી લંકેશ કેસ માટે પણ નિર્ણાયક સાબિત થઈ. ઉમાદેવીની સાથે કલબુર્ગીના ઘરની બાજુમાં ચાલી રહેલા બાંધકામના સુપરવાઇઝર પીર બાશાએ પણ ગણેશ મિસ્કિન અને બાઇકચાલક પ્રવીણ ચતુરને સચોટ રીતે ઓળખી બતાવ્યા. એસઆઈટીની તપાસ અને આંખે જોનાર સાક્ષીઓની મજબૂત સાક્ષીએ કાવતરાખોરોના બચાવના તમામ રસ્તા બંધ કરી દીધા. ઓગસ્ટ, 2019માં એસઆઈટીએ ધારવાડની અદાલતમાં હજારો પાનાંની પૂરક ચાર્જશીટ દાખલ કરી, જેમાં અમોલ કાલેને મુખ્ય સૂત્રધાર, ગણેશ મિસ્કિનને મુખ્ય શૂટર અને પ્રવીણ ચતુર, અમિત બદ્દી, વાસુદેવ સૂર્યવંશી સહિતના ગુનેગારોને સહકાવતરાખોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આ હત્યાઓ કોઈ વ્યક્તિગત દુશ્મનાવટના કારણે નહોતી થઈ, પરંતુ લોકશાહીમાં વૈચારિક વિરોધને કાયમ માટે શાંત કરી દેવાના એક ભયાનક સંગઠિત કાવતરાનો ભાગ હતી. ગૌરી લંકેશ અને એમ. એમ. કલબુર્ગી કેસના તમામ આરોપીઓ હાલ જામીન પર બહાર છે.
આ સમગ્ર કેસની તપાસ ભારતના પોલીસ ઇતિહાસમાં એક માઇલસ્ટોન સાબિત થઈ. સામાન્ય રીતે ભારતમાં બે વિભિન્ન રાજ્યોમાં બનેલા ગુનાઓ વચ્ચે કડીઓ જોડવી અત્યંત મુશ્કેલ હોય છે, પરંતુ એસઆઈટીએ આધુનિક સાયન્ટિફિક બેલિસ્ટિક્સ અને પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનથી સાબિત કરી દીધું કે કાયદો ગમે તેટલો ધીમો હોય અને ગુનેગાર ગમે તેટલો શાતિર હોય તો પણ કાયદાના સકંજામાંથી બચી શકતો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો