ગુજરાત અને બિહારમાં શરાબબંધી છે. આ બે રાજ્યો સિવાય વાત કરીએ તો આપણે ત્યાં મહદંશે દારૂ સોડા, પાણી કે સોફ્ટ ડ્રિંક્સ સાથે પીવાતો હોય છે. કેટલાક તો કિક લાગે એટલા માટે નકરો પણ પી જતા હોય છે, પરંતુ વાઈન ગરમ કરીને પીવાતો હોય એવું સાંભળ્યું છે ખરું? યુરોપમાં વાઈન ગરમ કરીને પીવાની પરંપરા છે! એ વાઈનને ગ્લુવાઈન કે મલ્ડવાઈન કહેવાય છે.
ડિસેમ્બરમાં નાતાલની ઉજવણી આખા યુરોપ અને બીજા ક્રિશ્ચિયન દેશોમાં થતી હોય છે. એ ઉજવણીમાં અલગ અલગ પરંપરા પણ જોવા મળતી હોય છે. ક્રિસમસની ઉજવણીમાં સારાં કપડાં પહેરીને ખાવા-પીવા અને ડાન્સ કરવાનો રિવાજ હોય છે, પરંતુ એમાં કેટલાંક સ્થળે સ્થાનિક પરંપરા પણ અનોખી હોય છે. નાતાલની ઉજવણી માટે યુરોપના દેશોમાં ક્રિસમસ બજાર ભરાતાં હોય છે. એ બજારની શરૂઆત જર્મનીથી થઈ હતી. બજારનું નામ પડે એટલે તહેવાર પહેલાં લોકો ખરીદી કરી શકે એવી કલ્પના જરૂર આવી શકે. જોકે, એ બજાર ખરીદી કરવા પૂરતું જ સીમિત નથી. ઊલટાનું એ બજાર એક મેળો છે. પરંપરા મુજબના પકવાન, હસ્તકળાની ચીજો, ઝૂલા, સુશોભન માટેની લાઈટિંગ, ક્રિસમસ ટ્રી જેવી ચીજો વેચાતી હોય છે, એ ઉપરાંત ગ્લુવાઈન ખાસ મળતો હોય છે.
ઠંડા પ્રદેશોમાં ગરમાટો રહે એ માટે શરાબ પીવાતો હોય છે, તો આપણે ત્યાં તો સોમરસની પરંપરા રહી છે. આજે પણ મહાકાલને દારૂ ચઢાવાતો હોય છે. એ દૃષ્ટિએ જોઈએ તો દારૂ માનવજીવન સાથે સંકળાયેલો રહ્યો છે. છતાં અનેક લોકો દારૂને હાથ પણ અડાડતા નથી, પરંતુ શોખીનો માટે વિવિધ પ્રકારના દારૂ બનતા હોય છે, તો વેચાતા પણ હોય છે. દારૂ પીવાની પરંપરા પણ સાવ અલગ હોય છે. દારૂ પીવાનું અને બનાવવાનું પણ એક શાસ્ત્ર છે, એમ કહીએ તો ચાલે. દારૂને પીરસવાની પણ એક કળા હોય છે. જોકે, દારૂ મહદંશે ફેક્ટરીમાં જ બનતો હોય છે. છતાં આજે પણ ઘણા લોકો જૂની પરંપરા પ્રમાણે દારૂ બનાવતા હોય છે અને જૂની પરંપરા મુજબ પીતા હોય છે. એ જ રીતે દારૂ બનાવવાની એક પરંપરા એટલે ગરમ ગરમ મસાલેદાર વાઈન પીવાની પરંપરા!
સ્વાભાવિક રીતે નાતાલની સાથે સાથે ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો હોય છે. એ ઠંડીની સાથે સાથે ખાસ પ્રકારનું પીણું ખાસ માનીતું હોય છે. જર્મનીમાં ગ્લુવાઈન તરીકે ઓળખાતો વાઈન યુરોપના બીજા દેશોમાં મલ્ડ વાઈન તરીકે ઓળખાય છે. કેમ્બ્રિજ ડિક્શનરીમાં મલ્ડનો અર્થ ગળપણ અને મસાલા નાંખી વાઈન કે બિયરને ગરમ કરવો એવો થાય છે.
વાઈન એટલે કે દારૂને મસાલા નાંખીને પીવાનું ચલણ બહુ જૂનું છે. તેને પ્રાચીન ગ્રીકમાં હિપ્પોક્રાસ કહેવામાં આવતો. મસાલા સાથેનો હિપ્પોક્રાસ રેડ કે વ્હાઈટ વાઈનમાંથી બનાવવામાં આવતો. બાઈબલની સોંગ ઓફ સોલોમન નામની કવિતામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગ્લુવાઈન રેડવાઈનમાંથી બનાવવામાં આવે છે. વાઈનમાં ખાંડ, મધ કે મીઠું શરબત નાંખીને તેમાં મસાલા નાંખીને ગરમ કરવામાં આવે છે. મનપસંદ પ્રમાણે વિવિધ પ્રકારના મસાલા નાંખવામાં આવે છે. ખાસ કરીને વાઈનમાં તજ, લવિંગ, જાયફળ, જાવિત્રી, આદું, મરી જેવા કેટલાય પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક તો વળી એમાં સંતરાં અને લીંબુ જેવાં ખાટાં ફળ કે તેનાં છોતરાં પણ નાંખે છે. જોકે, ગ્લુવાઈન બનાવવા માટેની આ એકમાત્ર રેસિપી છે, એમ કહી ન શકાય. સ્થળ, પરંપરા અને શોખીનો તેમની મનપસંદ પ્રમાણે જુદા જુદા પ્રયોગો કરતા રહે છે.
વાઈનમાં મસાલા નાંખવાથી તેને એક જુદી જ સોડમ આપે છે. જર્મનીમાં શરૂ થયેલી આ પરંપરા રોમનો બ્રિટનમાં પણ લઈ ગયા હતા. એ જ રીતે યુરોપના બીજા દેશોમાં પણ ગ્લુવાઈન કે મલ્ડ વાઈનની પરંપરા શરૂ થઈ હતી. રોમનોના કેટલાક પ્રાચીન ગ્રંથોમાં પણ ગ્લુવાઈન કઈ રીતે બનાવવો એ અંગે માહિતી મળી આવે છે.
જોકે, ગ્લુવાઈનમાં પરંપરા મુજબ તો આલ્કોહોલનો ઉપયોગ થાય છે, પરંતુ આલ્કોહોલ વિનાનો ગ્લુવાઈન પણ ઉપલબ્ધ હોય છે. ફળના જ્યૂસમાં મસાલાની ફ્લેવર ઉમેરીને પણ ગ્લુવાઈન બનાવાય છે. ટૂંકમાં, પીને વાલે કો પીને કા બહાના ચાહિયે.