આપણો દેશ મંદિર અને મેળાનો દેશ કહી શકાય. કેટલાંય મંદિરોમાં વારે-તહેવારે મેળાઓ યોજાતા હોય છે. ભારત ગામડાંઓમાં વસેલો દેશ હોવાને કારણે એક જમાનામાં લોકો માટે મેળો જ એકમાત્ર મનોરંજનનું સાધન હતું.

એ કારણે જ આજે પણ પરંપરાગત રીતે જુદા જુદા મેળાઓ યોજાતા રહે છે, પરંતુ આ મેળાઓમાં ઉત્તર પ્રદેશમાં યોજાતો એક મેળો સાવ અનોખો છે. એ મેળો એટલે ભૂતોનો મેળો!

મેળો નામ પડે એટલે રમકડાં અને ખાણીપીણીની સુવિધા મળી રહે એવું સ્થળ એમ કહી શકાય. મંદિરની આસપાસ મેળો ભરાતો હોવાને કારણે લોકો ભગવાનનાં દર્શન પણ કરી લે અને મેળામાં મહાલીને મનોરંજન મેળવે. ચકડોળ કે એવાં બીજાં અનેક સાધનો આનંદ માટે હોય છે. મેળો એ આપણી ભાતીગળ સંસ્કૃતિનું પ્રતીક છે, પરંતુ જુદા જુદા મેળાઓમાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં યોજાતો એક મેળો સાવ અનોખો છે. બલિયા એમ તો પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના મતવિસ્તાર તરીકે જાણીતું છે, પરંતુ એ બલિયા જિલ્લો મનિયર કસબામાં આવેલા નવકા બાબાના મંદિર માટે પણ જાણીતો છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ભગવાનની પૂજા કરવા આવતા હોય છે, પરંતુ આ પ્રાચીન મંદિરમાં ભૂત-પ્રેત, પ્રેત બાધા કે કોઈ અલૌકિક સમસ્યાથી પરેશાન થતા લોકો આવતા હોય છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન તો અહીં હજારો લોકો ઊમટે છે. જોકે, મેળો એટલે આપણે ઉલ્લાસનું સ્થળ માનીએ છીએ, પરંતુ ભૂતોના મેળા તરીકે જાણીતા આ મેળામાં હજારો લોકો ઊમટી પડતા હોવા છતાં આખું વાતાવરણ ભય પમાડે એવું હોય છે.

ભૂત-પ્રેત અને ડાકણ એ તો મનનો વહેમ માત્ર છે. છતાં આપણા દેશમાં અંધશ્રદ્ધા હજુ સાવ ગઈ નથી, તેથી લોકો માને છે કે ભૂત-પ્રેત કે ડાકણ વળગે તો ધનોતપનોત નીકળી જાય. લોકોનું વિચિત્ર વર્તન ભય પમાડતું હોય છે. દવા કરવાથી તેમના વર્તનમાં કોઈ સુધારો થતો નથી, ત્યારે લોકો વળગાડ હોય એમ માનતા થાય છે. મહદંશે એ માનસિક બીમારી જ હોય છે, પરંતુ અંતરિયાળ અને અભણ પ્રજામાં વળગાડનું વળગણ વધુ જોવા મળે છે. વળગાડ હોય એવા લોકો અહીં મંદિરે આવતા હોય છે. તે કારણે જાણે ચારેકોર ભૂત-પ્રેત કે ડાકણના ડાકલા વાગતા હોય એવું વાતાવરણ જોવા મળે છે. કોઈ ધૂણતું હોય તો કોઈ બરાડા પાડતું હોય એવું વાતાવરણ પહેલી વખત આવનારાઓને ચોંકાવી દે એવું હોય છે, પરંતુ બીજા લોકો માટે એ વાતાવરણ સહજ છે.

આ મંદિર સાથે જોડાયેલી એક માન્યતા એવી છે કે આ વિસ્તારમાં એક સમયે ગાઢ જંગલ હતું. એ સમયે અહીં મગધ પ્રાંતથી બે ભાઈઓ આવ્યા હતા. બંને ભાઈઓએ જંગલમાં સાફસફાઈ કરીને જગ્યાને પવિત્ર બનાવી અહીં મંદિરની સ્થાપના કરી હતી. પરંતુ એ જંગલમાં ડાકણ રહેતી હતી. એ ડાકણે બંને ભાઈઓની હત્યા કરી, બંનેના આત્મા એક નાનકડી ડબ્બીમાં બંધ કરી દીધા હતા. એમ કહેવાય છે કે ડબ્બીમાં તેમના આત્માને પૂરી દીધા બાદ પણ બંને ભાઈઓનું તેજ જળવાઈ રહ્યું હતું. એ તેજને કારણે જ આખા જંગલમાં આગ લાગી ગઈ હતી. બંને ભાઈઓએ આસપાસના લોકોને સપનામાં આવી એક સ્થાનક બનાવવાની પ્રેરણા આપી હતી. એ સમયથી આ સ્થળ ભૂત-પ્રેત કે અલૌકિક શક્તિથી મુક્તિ અપાવતા સ્થળ તરીકે જાણીતું થઈ ગયું છે. આ મંદિરની વાયકાઓ એટલી પ્રચલિત થઈ કે ધીરે ધીરે લોકો ઉત્તર પ્રદેશ જ નહીં બિહારથી પણ આવવા લાગ્યા. આજે તો આખા દેશમાંથી ભૂત કે ડાકણનો વળગાડ કાઢવા માટે અહીં આવે છે.

વા વાયો ને નળિયું ખસ્યું જેવો ઘાટ છે. વળગાડ લાગ્યો હોય એવા લોકોને અહીં લાવવામાં આવે છે. મંદિરમાં બાધા રાખવામાં આવે છે. એ લોકોને સારું થાય એટલે બાધા ચઢાવવા માટે લોકો આવતા હોય છે. લોકોને હવે વિશ્વાસ બેસી ગયો છે કે મંદિરનો પ્રસાદ ખાવાથી અને અહીં થતા ઈલાજથી તેમને લાભ થાય છે. આખું વર્ષ લોકો અહીં આવતા હોય છે, પરંતુ નવરાત્રીમાં અહીં લોકો ખાસ આવતા હોય છે. એ સમયે અહીં મેળો યોજાતો હોય છે, જે ભૂતના મેળા તરીકે જાણીતો છે.