ગણેશજી આપણને સહુને પ્રિય એવા દેવ છે. માત્ર મોટેરાં જ નહિ, પણ બાળકોનેય આ દેવ અતિ પ્રિય. કદાચ એની પાછળ ગણેશજીના ધડ પર લાગેલું હાથીનું મસ્તક જવાબદાર હોઈ શકે. માનવ શરીર અને માયાળુ આંખો ધરાવતું હાથીનું મસ્તક એવી દિવ્ય છતાં પ્રેમાળ અનુભૂતિ કરાવે કે તમે લાગણીમાં તણાયા વિના ન રહી શકો, પરંતુ આ કોલમ વિજ્ઞાનને લગતી છે એટલે આપણે માત્ર લાગણીને બદલે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી વાત કરીશું.
વાત હાથીની જ છે, પણ તમને માનવામાં ન આવે એવી છે. જો કોઈ એમ કહે કે હજારો વર્ષો પહેલાં જોવા મળતા હાથીઓ આજની સાપેક્ષે ત્રણ ગણા ઊંચા હતા, તો કદાચ તમે માની લો, કેમ કે એ જમાનો તોતિંગ ડાયનોસોર્સનો હતો એટલે બીજાં પ્રાણીઓ પણ ડાયનોસોરની માફક તોતિંગ હોઈ શકે, પણ જો કોઈ એમ કહે કે હજારો વર્ષ પહેલાં કેટલાક હાથીઓ માનવ કરતાં પણ ઓછી ઊંચાઈ ધરાવતા હતા, તો તમે માનો? ઉપર આપણે હાથીના મસ્તકને વખાણ્યું, પણ કોઈ એમ કહે કે હજારો વર્ષ પહેલાં હાથીનું મસ્તક સાવ જુદા પ્રકારનું હતું તો? સ્વાભાવિક રીતે જ આવી વાત ગળે ન ઊતરે, પણ એ વાત સાચી છે.
જેમ વાઘ, ચિત્તા અને દીપડાથી માંડીને ઘરમાં જોવા મળતી બિલાડી વૈજ્ઞાનિક દૃષ્ટિએ `કેટ ફેમિલી' ગણાય, એ જ રીતે એલિફન્ટ ફેમિલી પણ અનેક સભ્યો ધરાવે છે. આજના આફ્રિકન અને એશિયન હાથી મોટા છે, પણ તેમના સૌથી પ્રારંભિક પૂર્વજો ખૂબ નાના હતા. લગભગ 6 કરોડ વર્ષ પહેલાંના સૌથી પ્રાચીન સ્વરૂપો (જેમ કે, Eritherium) માત્ર 60 સેન્ટિમીટર ઊંચા હતા. સાડા ત્રણ કરોડ વર્ષ પહેલાં જોવા મળતા Moeritherium પણ લગભગ 60-70 સેન્ટિમીટર ઊંચા હતા. આજની સરખામણીએ આ પૂર્વજો ડુક્કર અથવા નાના કદના હિપ્પો જેવા દેખાય. કેટલાક હાથીઓ વળી 100 સેન્ટિમીટરની ઊંચાઈ અને 150-300 કિલોગ્રામ વજન સુધી પહોંચતા. તેમ છતાં ત્રણ-ચાર મીટર ઊંચા અને જેમનું વજન ટનમાં માપવું પડે એવા આફ્રિકન હાથીઓ સામે તો એ પૂર્વજો બિચારા કૂતરા જેવા લાગે! આપણે એમને વામન હાથી તરીકે ઓળખાવી શકીએ.
સ્વાભાવિક પ્રશ્ન થાય કે હાથીઓની આવી વામન પ્રજાતિ અસ્તિત્વમાં આવવા પાછળ કયું કારણ જવાબદાર હશે?
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ એક સમયે યુરોપના મુખ્ય ભૂભાગ પર સ્ટ્રેઈટ-ટસ્ક્ડ એલિફન્ટ (Palaeoloxodon antiquus) જેવા વિશાળ હાથીઓ રહેતા, જે લગભગ 4 મીટર ઊંચા અને 10 ટન સુધી વજનવાળા હતા. જ્યારે સમુદ્રનું સ્તર ઘટ્યું, ત્યારે તેઓ મેડિટેરેનિયનના ટાપુઓ (સિસિલી, માલ્ટા, સાયપ્રસ, ક્રીટ વગેરે) પર પહોંચ્યા. પછી સમુદ્રનું સ્તર વધ્યું અને તેઓ અલગ પડી ગયા. ત્યાંથી જ વામનતાની શરૂઆત થઈ.
વિજ્ઞાનમાં આ ઘટનાને ઇન્સ્યુલર ડ્વાર્ફિઝમ (Insular Dwarfism) અથવા `આયલેન્ડ રૂલ' કહેવામાં આવે છે. મોટાં પ્રાણીઓ, જ્યારે અલગ-થલગ ટાપુઓ પર ફસાઈ જાય, ત્યારે તેમનું શરીર સમય સાથે નાનું થતું જાય છે. આ ઘટનાક્રમને ઇન્સ્યુલર ડ્વાર્ફિઝમ, આઇલેન્ડ રૂલ અથવા ફોસ્ટરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુઓ પર સંસાધનો મર્યાદિત હોય છે. ઓછી જગ્યા, ઓછો ખોરાક અને ઘણી વાર શિકારીઓનો અભાવ મહત્ત્વનાં પરિબળો સાબિત થાય છે. આવી સ્થિતિમાં મોટા શરીરને જાળવવું સ્વાભાવિક રીતે જ મુશ્કેલ બની જાય. બીજી તરફ નાનું શરીર ઓછી ઊર્જા માંગે, ઝડપથી પ્રજનન કરી શકે અને મર્યાદિત સંસાધનોમાં વધુ સારી રીતે ટકી શકે. પરિણામે પ્રકૃતિ પોતે જ અનુકૂલનના ભાગરૂપે જાયન્ટ પ્રાણીઓને વામન બનાવી દે છે.
અહીં ચોંકાવનારી બાબત એ હતી કે વામન હાથીઓએ અનુકૂલન સાધવામાં ગજબની સ્ફૂર્તિ દાખવેલી. કેટલાક અભ્યાસો મુજબ વિશાળ પૂર્વજમાંથી વામન કદ અપનાવવાનું કામ બહુ ઓછી પેઢીમાં પૂરું થયું. માણસને પૂંછડી જેવા બિનઉપયોગી થઇ પડેલ અંગને ગુમાવવામાં અઢી કરોડ વર્ષ લાગેલાં. જ્યારે વામન હાથીઓ તો દર પેઢીએ સેંકડો કિલોગ્રામ સુધી વજન ઘટાડતા ગયા. પરિણામે એમનું કદ બહુ નાના સમયગાળા દરમિયાન ઘટી ગયેલું.
ઓકે ફાઈન. ઇન્સ્યુલર ડ્વાર્ફિઝમને પ્રતાપે એક સમયે આ પૃથ્વી ઉપર વામન કદના હાથીઓ પણ હાજર હતા, એ સમજાઈ ગયું, પણ આજે એ વામન હાથીઓ ક્યાં છે? ડાયનોસોરની માફક આ હાથીઓ પણ કયાં કારણોસર વિલુપ્ત થઇ ગયા?
ટાપુ પરની વસ્તી પહેલેથી જ નાની અને અલગ હોવાથી વામન હાથીઓ વધુ સંવેદનશીલ હતા. મોટાભાગના વામન હાથીઓ પર્યાવરણીય ફેરફારો, સમુદ્રના સ્તરમાં વધઘટ, નવા શિકારીઓના આગમન અથવા મનુષ્યોના શિકારને કારણે લુપ્ત થયા.
આજે તેમના અવશેષો મ્યુઝિયમમાં સુરક્ષિત છે અને વૈજ્ઞાનિકોને ટાપુના જીવવિજ્ઞાન અને વિકાસની પ્રક્રિયા સમજવામાં મદદ કરે છે.
છેલ્લે બે મહત્ત્વની વાત. માત્ર હાથી જ નહિ, પણ આજની તારીખે વિશાળ કદનું પ્રાણી ગણાતું ઊંટ પણ કોઈક જમાનામાં ઇન્સ્યુલર ડ્વાર્ફિઝમ વેઠી ચૂક્યું છે! વળી, કુદરત જેમ મોટા કદનાં પ્રાણીઓને વામન બનાવી મૂકે છે, એમ ક્યારેક વામન કદનાં પ્રાણીઓને વિરાટ સ્વરૂપ - ઇન્સ્યુલર જાયન્ટિઝમ પણ આપી શકે છે, જેની વાતો ફરી ક્યારેક.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો