રોમના કોલોઝિયમ ખબર છેને. એ મોટા મોટા સ્ટેડિયમમાં બળવાન યોદ્ધાઓ લડાઈ કરે. આખલાઓને પણ એમાં લડાઈ કરવા ઉતારે. આવું આપણે ફિલ્મોમાં જોયું છે અને એવું પ્રાચીન રોમમાં થતું પણ ખરું.
હકડેઠઠ મેદની હોય અને એમાં એક પછી એક લડાઈઓ થતી હોય. રોમના રાજા ને રાણી ને મહત્ત્વના દરબારીઓ પણ પ્રજા સાથે આ હિંસક સરકસ જોઈને ખુશ થતાં હોય. પ્રજાને આવા કારણ વિનાના ખર્ચાળ ઉત્સવો ગમતા આવ્યા છે. હવે આ ભવ્ય ઉત્સવોમાં મસ્ત રહેતી પ્રજાને આંજી દેવા માટે રોમન રાજાઓએ બીજો પણ એક નુસખો વિચારેલો. ક્યારેક ક્યારેક એ એરેનામાં અદ્ભુત દેખાતાં પ્રાણીઓને છોડી દેવામાં આવતાં. એ પ્રાણીઓ વચ્ચે કોઈ લડાઈ ન થતી, બસ પ્રજા એને જોતી અને મંત્રમુગ્ધ થતી. રોમનોએ જીરાફ કે સિંહ જોયો ન હોય એટલે આવાં પ્રાણીઓ સ્ટેડિયમમાં ફરતા હોય તો પ્રજા અભિભૂત તો થાયને. યુરોપમાં જે પ્રાણીઓ ન હતાં તેવાં પ્રાણીઓને આફ્રિકાથી પણ આયાત કરવામાં આવતાં. આવાં પ્રદર્શન એટલા માટે કરવામાં આવતા કે પ્રજાને વિશ્વાસ આવે કે એનો રાજા અશક્યને પણ શક્ય કરી શકે છે અને પ્રજાનું સંપૂર્ણ ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થઈ શકે. આજે ઇટલીમાં કોલોઝિયમ માત્ર ખંડેરના રૂપમાં છે, પણ એરેનામાં થતાં એવાં સરકસ આપણી હથેળીમાં સમાઈ ગયાં છે ને આપણે એને જોયે રાખીએ છીએ.
ઈન્ટરનેટનો ઉદ્ભવ શું કામ થયો? ઈન્ટરનેટ વિના પણ પ્લેન ઊડતાં, એટમ બૉમ્બ ફૂટતા, ઓપરેશન થતાં અને વર્લ્ડકપ જીતી શકાતો. ઈન્ટરનેટ સમયની બચત કરીને લોકોને વધુ ઝડપથી એકબીજા સાથે જોડવાના હેતુસહ આવ્યું, પણ ત્યારે એવું કોઈએ વિચાર્યું નહીં કે જિંદગીનો ચોથો-પાંચમો ભાગ નવરી રહેનારી પબ્લિક વધુ સમય બચાવીને શું કરશે? નવરા માણસને વધુ નવરાશ આપો તો એ જોખમી સાબિત થઈ શકે આવી એક આધુનિક કહેવત છે. ઈન્ટરનેટ પછી સોશિયલ મીડિયા આવ્યું. ઈન્ટરનેટ માત્ર કંપનીઓ ને સંસ્થાઓ પૂરતું સીમિત હતું, જ્યારે સોશિયલ મીડિયાએ આ જગતને વાદ્ય વ્યક્તિગત બનાવ્યું. પબ્લિક સાચે જ માનવા લાગી કે, હમ કર સકતે હૈં દુનિયા મુઠ્ઠી મેં! સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉદ્દેશ હતો જૂના મિત્રો સાથે સતત ટચમાં રહેવાનો, નવા મિત્રો બનાવવાનો અને પોતાના વિચારો કે યાદો પોતાના વર્તુળ સાથે શેર કરવાનો. માણસની જિંદગીમાં વધુ રંગો ઉમેરીને માનવતાની ઉજવણી કરવાનો ઉદ્દેશ હતો અથવા તો એ આદર્શ ઉપયોગ કહી શકાય.
શરૂઆતના સમયમાં ઓરકુટ કે ફેસબુકમાં યુવાનો શું કરતા? પોતાના મનના વિચારો રાખતા. પોતાનો ઓપિનિયન મૂકતા. નવા મિત્રો બનાવતા. ઓનલાઈન ફ્લર્ટિંગ થતું. ફોટોઝ શેર થતા. દુઃખની પળો પણ મિત્રો મૂકતા. એક સીમિત વર્તુળમાં મિત્રો વલ્નરેબલ બની રહેતા. ત્યારે કોઈ અલ્ગોરિધમ ન હતું. નંબર ગેમ ન હતી. એન્ગેજમેન્ટની ચિંતા ન હતી. જેમ ગામનું પાદર હોય, દરેક શેરીનો ઓટલો હોય ને પાનની દુકાન હોય અને જે ત્યાં થતું તે અહીં ડિજિટલ રીતે થતું. હુંસાતુંસી ન હતી કે કોઈ સ્કોરબોર્ડ લઈને ઊભું રહેતું નહીં. આજથી દસ વર્ષ પહેલાંના ફેસબુકમાં કે ટ્વિટરમાં એક પ્રકારની નિર્દોષતા રહેતી. માસૂમિયત અનુભવી શકાતી. જોડાણની અનુભૂતિ થતી. સંધાનનો સેતુ સ્થપાતો.
હવે એ બધું વરાળ બનીને ઊડી ગયું. સોશિયલ મીડિયાની નિર્દોષતા જતી રહી. ઓરકુટ બંધ થઈ ગયું. ફેસબુકનું મોનેટાઇઝેશન થઈ ગયું, તો લોકો દરેક પોસ્ટ સાથે કંઈક ડોલરમાં કમાણી કરવા લાગ્યા. જેન-ઝી તો ઇન્સ્ટાગ્રામમાં જ છે. જે ફક્ત દેખાડા એટલે કે શો-બિઝ પર ચાલતું પ્લેટફોર્મ છે. બંને પ્લેટફોર્મ પર લોકો પંચાત કે ગોસિપ કે શેરિંગને બદલે કન્ટેન્ટ મેકિંગ રેસમાં લાગી ગયા. સ્કૂલની સ્પર્ધા જેવું થઈ ગયું. કોણ વધુ લાઇક્સ લઈ આવે, કોને વધુ કોમેન્ટ મળે અને કોની પ્રોફાઈલમાં વધુ ફોલોઅર્સ હોય. સોશિયલ મીડિયા રિચ વધારવા માટેના ક્લાસીસ ચાલવા માંડ્યા. જે સોશિયલ મીડિયામાં સ્ટાર હોય એને અમુક ટૂંકી દૃષ્ટિના ડિરેક્ટરો પોતાની ફિલ્મમાં પણ લેવા લાવ્યા. મેરિટ પાછળ ફેંકાઈ ગયું. ગાંડપણ જીતી ગયું. વલ્ગારિટી અને નોનસેન્સ તત્ત્વો જીતવા લાગ્યા. બુદ્ધિ, જ્ઞાન, વેલ્યૂ એડિશન એ બધું બોરિંગ બકબક લાગવા લાગ્યું. ટ્રોલર્સ વધ્યા. લોકો પણ પબ્લિકને શેમાં મજા આવશે એ જ વિચારીને પોસ્ટ મૂકવા માંડ્યા. સોશિયલ મીડિયામાં શું મૂકવું એ બધી માહિતી તો હવે એઆઈ આપે છે. માણસે પોતે વિચારવાનું કે સર્જન કરવાનું જ બંધ કરી દીધું. મશીન થકી, મશીન વડે ને મશીન માટે જીવતો આજનો માણસ. અમેરિકન કંપનીઓએ માણસોની લાગણીને મારી નાખી. આખી દુનિયાને આંકડાઓ વધારવા માટે દોડતા કરી દીધા.
બધું જ કન્ટેન્ટ બની ગયું. કોઈનો એક્સિડેન્ટ થાય તો એ કન્ટેન્ટ છે, કોઈ મરી જાય એ પણ કન્ટેન્ટ છે ને કોઈ સવારે નાસ્તામાં શું ખાય એ પણ કન્ટેન્ટ છે. સોશિયલ મીડિયાએ માણસજાતને બેનકાબ કરીને બતાવી કે આ જાતને નચાવવી હોય અને નગ્ન કરવી હોય તો કેટલું સહેલું છે. એથીક્સ/નૈતિકતા/સભ્યતા/સૌજન્યશીલતા ખાડામાં ગઈ. બધું એક્સ્ટ્રીમ. સંતુલનનો ભાવ નથી બોલાતો. અંતિમ છેડાની વાત કરો તો વ્યૂઝ મળે ને તો તમારી પ્રોફાઈલ ઊંચકાય.
કંપનીઓ પણ રિક્રૂટ કરતા પહેલાં કેન્ડિડેટને સોશિયલ મીડિયા પરથી એને જજ કરવા લાગી. દરેક માણસ જિંદગીની મજા માણવાને બદલે પોતાને બ્રાન્ડ બનાવવા ચાલી નીકળ્યો. રસ્તામાં જે મળે છે, જેનો ફોન આવે છે, જે ઘરે ક્યારેક મળવા આવે છે એ બધા માણસો નથી પણ પ્રોફાઈલ માત્ર છે, જે એના મુજબ ગોઠવાયેલા અલ્ગોરિધમ મુજબ જિંદગી જીવે છે. લગભગ દરેક માણસની આજે સ્વતંત્ર વિચારશક્તિ છે જ નહીં. એ માણસ એ જ છે જે તે એના સ્ક્રોલિંગમાં જુએ છે. કપડાં હોય કે લાઈફ પાર્ટનર, એ એની પસંદગી નથી ઈન્ટરનેટે એનું બ્રેઇનવોશ કરેલું છે.
સાદગી સ્ટ્રેટેજીમાં તબદીલ થઈ ગઈ. સંધાન સ્પર્ધામાં ફેરવાઈ ગયું. જૂના સોશિયલ મીડિયાના દિવસો બહુ યાદ આવે છે. એ સાલો રોમાંચ અને નિર્દોષતા ખતમ થઈ ગયાં. હવે તો બહુ વરવું અને કૃત્રિમ જગત છે. બધું જ ફેક છે. રોમના કોલોઝિયમમાં નિતનવાં પ્રાણી જોવા માટે ઓડિયન્સ સ્ટેડિયમમાં તો બેઠું રહેતું, આજની પ્રજા પોતે પ્રાણી બનીને ફરી રહી છે. આવતી કાલે કોઈ દર્શક જ નહીં બચે તો આ માનવજાતનું થશે શું?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો