જ્યો ર્જ બર્નાડ શો પછી દાયકાઓ સુધી એવું કોઈ ભેજાબાજ પાક્યું ન હતું જેને ઓસ્કાર અને નોબેલ બંને મળે. બોબ ડિલન નામનો જિનિયસ ગીતકાર. બહુ અચ્છો ગાયક. તેઓ 2001માં ઓસ્કાર મેળવી ચૂક્યા હતા. 2016માં તેમને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ મળશે એવું જાહેર થયું. બોબ ડિલનને ખબર પણ ન હતી અને તેઓ નોબેલ લેવા ગયા પણ નહીં. નોબેલ કમિટીએ તેમને ફોન કર્યો તો તેમણે સહજ રીતે માહિતી મેળવીને ફોન મૂકી દીધો એવી વાત સાંભળવા મળી હતી. બાકી એમનો કોન્ટેક્ટ થઈ પણ શક્યો ન હતો. અત્યારે એ વિદ્વાન માણસ કોઈ જ લાઇમલાઈટ વિના શાંતિથી જિંદગી જીવે છે. એક જમાનો એવો પસાર થઈ ગયો છે જેમાં આવું અદકેરું સન્માન આમંત્રણ વિના આવી પહોંચતું. અત્યારે એ સમય આવી રહ્યો છે કે આવું સન્માન મેળવવા માટે એપ્લિકેશન ફોર્મ ભરવું પડે અને જો તમે અમેરિકાના પ્રેસિડેન્ટ હો તો મીડિયા સામે રડવું પડે કે મને નોબેલ પીસ પ્રાઈઝ કેમ ન આપ્યું?
હું તો સૌથી વધુ લાયક છું.
મહાનતાને ટકોરા મારવા પડે? એ તો દેખાય અને અનુભવાય. મહાનતાને લેબલ લગાડીને ફરવું પડે? જો હા, તો એ સમાજની સમજશક્તિનો હ્રાસ કહેવાય. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. મહાનતાને ગાઈ વગાડીને કહેવું પડે છે કે, મને જુવો, મને સાંભળો,
હું અસ્તિત્વ ધરાવું છું. જો ઢોલ ન પીટે તો અંધારા ખૂણામાં આયખું પતી જાય ને છેલ્લે સ્મશાનયાત્રામાં ગણીને સત્તર લોકો આવ્યા હોય, એ પણ શરમના માર્યા. કલાકારનું કામ શું? કલામાં રમમાણ રહેવાનું. વિજ્ઞાની શું કરે? થિયરીનો આવિષ્કાર કરે. સેવક શું કરે? દીન-દુ:ખિયાના જખમો પર રાત-દિન જોયા વિના ગાંઠના પૈસે મલમ લગાવે, પણ આ લોકોએ પોતાના કામની સાથે ઢંઢેરો પીટવો પડે તો એ અરુચિકર નથી લાગતું? પોતાનો જ વરઘોડો જ્યારે કોઈ સર્જકે કાઢવાની નોબત આવે તો એ માણસોનો સમુદાય સ્વાર્થની ટોચે બેસી ગયો છે એમ સમજવું. સેલ્ફ-બ્રાન્ડિંગ એ મોટી મજબૂરી છે ને એ સમાજનું દૂષણ છે એવું લોકોને લાગતું નથી.
અહીં કલાકારોનો કે જે તે ક્ષેત્રના પ્રોફેશનલ્સનો વાંક છે એવું કહેવાનો મતલબ નથી. અહીં તો કોઈના ઉપર પણ દોષારોપણનો પ્રયાસ થતો નથી, પણ એટલું તો વિચારવું રહ્યું કે ઉત્ક્રાંતિની રોલર કોસ્ટર રાઈડમાં આપણે એવા કયા બિંદુએ પહોંચી ગયા કે મેરિટ દેખાડવા માટે સ્કોલરે જાતે પરીક્ષા વિનાનું સ્વયં રચિત પરિણામ બધાને દેખાડવું પડે છે? ભારત સરકારના હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ્સ છે - પદ્મ એવોર્ડની શ્રેણી. વર્ષોથી એ નિયમ થઈ ગયો છે કે પદ્મ એવોર્ડ જોઈતો હોય તો એ વ્યક્તિએ જાતે ફાઇલિંગ કરીને પોતાનું નોમિનેશન ભરવાનું. એનો અર્થ એ કે જે તે માણસે સરકારને કહેવાનું કે હું મારી જાતને મહાન ગણું છું તો તમને અનુકૂળતા હોય તો મને પણ મહાન ગણી લો અને એનું એક સર્ટિફિકેટ પહોંચતું કરો. કેવી દયાજનક સ્થિતિ! આ શું સંગીત, કલા, સાહિત્ય, કવિતા, સેવા, વિજ્ઞાનનું અપમાન નથી? ઘણી એવી નિષ્ઠાવાન વ્યક્તિઓ મળી આવશે જેમને એ અનુભૂતિ જ ન હોય કે તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તેઓ તો કોઈ અકરામની આશા વિના બસ પોતાનું કામ કર્યે જાય છે.
પણ ભૂતકાળની સોનેરી ક્ષણો યાદ કરીને અફસોસ કરતા બેઠા રહેવાનો આ સમય નથી. સમય પ્રમાણે ચાલવું પડે છે. એવી આશા હવે રાખવી નક્કામી કે જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી નાઇટહૂડના ખિતાબથી નવાજનાર બ્રિટિશ સરકારને રવીન્દ્રનાથ ટાગોરે ઇલકાબ પાછો આપી દીધો હતો. લતા મંગેશકરે અચકાતાં અચકાતાં ભારતરત્ન સ્વીકાર્યો કે તેઓ એવોર્ડ માટે કામ કરતાં નથી. આ માહોલ જ ગયો. હવે તો ચારે દિશા અને દસે બાજુઓથી આપણી ઉપર આક્રમણ થઈ રહ્યું છે કે - મને જુઓ, મને સાંભળો, મને તમારા કાન ઉછીના આપો. હવે તો દરેક બીજી વ્યક્તિ ફોલોઅર માંગે છે, લાઈક અને કૉમેન્ટ્સ પણ માંગે છે, સબસક્રાઇબ કરવા માટે અરજીઓ કરે છે, પોતાનાં સત્કાર્યોની વાહવાહી માંગે છે, સ્ટેજ ઉપર હોય તો તાલીઓની પણ ઉઘરાણી કરી લે છે. વીર માંગડાવાળો આવું એક ગુજરાતી પિક્ચર હતું. અત્યારે બધા વીર નથી રહ્યા, પણ માંગવાવાળા તો થઈ જ ગયા છીએ. એક સમયે મમ્મી-પપ્પા એવું શીખવાડતા કે બીજાના ઘરે જઈએ અને તે લોકો ઓફર કરે તો કંઈ ખાવા-પીવાનું નહીં. હવે બાળકોને શું ટ્રેનિંગ આપવાની છે? કે જે જોઈએ તે માંગી લે, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની પાસે. આ સમાજ તારી કદર કરીને તને સામેથી નહીં આપે.
મહાન કવિ રિલ્કેએ એવું કહ્યું હતું કે ખ્યાતિ શું છે? એક નામની આજુબાજુ ઊભી થયેલી ગેરસમજોનો સમૂહ! એટલે કે તમે બહુજન લોકોને બાટલીમાં ઉતારવા સફળ થયા છો કે તમે અગત્યના માણસ છો. એ જ રીતે હવે માન-સન્માનનું છે. એવોર્ડ વિનિંગ, વિઝનરી, માનપાનધારી એવાં બધાં વિશેષણો ઇન્સ્ટાગ્રામની પ્રોફાઈલથી લઈને વિઝિટિંગ કાર્ડ સુધી જોવા મળે છે. એક સમય હતો જ્યારે આપણે માણસને મળી શકતા, હવે હરતા ફરતા બાયોડેટાને મળવું પડે છે. માણસ પોતાની ચંદ સિદ્ધિઓના સરવાળાથી વિશેષ કંઈ નથી?
કલાને પાવતીની જરૂર પડે એવા સમયમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. સદ્ગુણો, સત્કાર્યો, સંશોધન અને સર્જનને લોટરી જેવા નસીબની આવશ્યકતા ઊભી થઇ છે. જે કલાકારે પોતાના સર્વાઇવલ માટે કે પોતાની ગુમનામીને કોઈ ઓળખ મળે એના માટે જાતે નોમિનેશન ફાઇલ કરવું પડતું હશે, એના આત્મસન્માનના કેવા ધજ્જિયા ઊડ્યા હશે એનો અંદાજ છે? સેલ્ફ પબ્લિસિટીના જોરે કોઈ અયોગ્ય ઉમેદવાર સિંહાસન ઉપર બેસી જાય તે બીજા લાયક સર્જકોને કેવડો મોટો અન્યાય થયો એનો હિસાબ કરી શકાશે? સમાજની ફરજ છે કે સૌથી નોંધપાત્ર યોગદાન આપનારી વ્યક્તિનો જાહેરમાં આભાર વ્યક્ત કરે. જે તે એવોર્ડ તો આભારવિધિનું માત્ર માધ્યમ છે. ખુદની તાજપોષી કરવી પડે એવો સમય આવ્યો છે ને સમાજ પોતાની ફરજમાંથી ચૂકી રહ્યો છે. ગુણનું સન્માન થવું જોઈએ કે સન્માનમાંથી ગુણનું ઉત્પાદન થવું જોઈએ?