`પારકે પૈસે પદમણી' આ કહેવત તો તમે સાંભળી જ હશે. આજકાલ મોટાભાગના લોકો આવું કરી રહ્યા છે. હજી થોડા મહિના પહેલાં જ ચીનમાં કેટલાક યુવાનો ભીખ માંગતા હતા!

જેમાં તેઓ બિયર, સિગાર કે નાસ્તાની પણ માંગણી કરતા હતા. જેને તેઓ `રમતિયાળ ભીખ' (playful begging) તરીકે ઓળખાવતા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેઓ ભીખ માંગવાને પણ એક મનોરંજન તરીકે ગણી રહ્યા હતા અને તેમને મળેલી ભીખથી પોતાના શોખ પૂરા કરી રહ્યા હતા. વધુમાં તેઓને લોકો દ્વારા ભીખ મળતી પણ હતી! થોડા દિવસ પહેલાં રાજસ્થાનના જયપુરમાં પણ જાહેર જગ્યા પર અને લાઇટના થાંભલે QR કોડવાળાં પોસ્ટર્સ જોવા મળ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે, `ગર્લફ્રેન્ડ કે સાથ ઘૂમને જાના હૈ, હેલ્પ મી.' આ પોસ્ટર્સ જોઇને કોઇ પણ વ્યક્તિ માથું ખંજવાળવા લાગી હતી, કારણ કે આને તો મોજશોખ કરવા માટે પૈસા જોઇએ છે! જો કોઇએ અભ્યાસ કે નાના-મોટા રોજગાર માટે હજી માંગણી કરી હોય તો કોઇ એકલદોકલ ખીસું હળવું પણ કરે, પરંતુ ગર્લફ્રેન્ડને ફેરવવા પૈસા કોણ આપે? ખૈર, આ પોસ્ટર્સ થોડા સમય માટે રાજસ્થાનમાં ચર્ચાના ચકડોળે તો ચડ્યું જ હતું.

એક જ કન્યા સાથે બે વરરાજાનાં લગ્ન!

થોડા દિવસ પહેલાં જ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં બે સગાભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં આ લગ્નએ ભારતભરમાં ચર્ચા જગાવી હતી.

હિમાચલ પ્રદેશના આ વિસ્તારમાં વર્ષો જૂનો બહુપતિત્વ(Polyandry)નો રિવાજ ચાલ્યો આવે છે અને હજી પણ ઘણા લોકો આ પ્રમાણે લગ્ન કરી રહ્યાં છે. મૂળ આ લગ્ન હાટી અને કિન્નર જાતિની એક વર્ષો જૂની પરંપરા હેઠળ થાય છે, જેને ત્યાંની સ્થાનિક ભાષામાં `ઉજલા પક્ષ' કે `જોડીદારા' કહેવામાં આવે છે. આ પ્રથામાં એક સ્ત્રી બે કે તેથી વધુ ભાઈ સાથે લગ્ન કરી શકે છે. નોંધનીય છે કે આ પરંપરાને જાળવી રાખવાનો મુખ્ય હેતુ પૈતૃક સંપત્તિને વહેંચાતી અટકાવવી અને સંયુક્ત કુટુંબની જાળવણી હોવાનું માનવામાં આવે છે. ભારત સિવાય ભુતાન, તિબેટ અને આફ્રિકાની કેટલીક જાતિઓમાં પણ આ બહુપતિત્વનો રિવાજ ચલણમાં છે. નેપાળમાં પણ બહુપતિત્વનો રિવાજ ચલણમાં છે. મૂળ બહુપતિત્વનો રિવાજ સદીઓથી ચાલતી આવેલી પરંપરા, જમીનનું વિભાજન અટકાવવા ઉપરાંત આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે ચાલ્યો આવ્યો હોવાનું મનાય છે. જોકે, આધુનિક શિક્ષણ અને શહેરીકરણના પ્રભાવને કારણે આ પરંપરાઓ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે.

એક પેશન્ટના શરીરમાંથી 8125 પથરી નીકળી

જેને પણ પથરી હોય છે તે ખૂબ જ સારી રીતે જાણે છે કે, જ્યારે પથરીનો દુખાવો ઊપડે ત્યારે કેવી બૂમ પડી જાય છે. પથરીનો દુખાવો ઊપડતા જ જે તે પેશન્ટ અસહાય બની જાય છે.

જોકે, આ પથરીઓ સંખ્યામાં એક કે બે હોય છે, પરંતુ જો આ જ પથરીની સંખ્યા હજારોમાં હોય તો? તો તો બૂમ નહીં સીધા મૃત્યુલોક જ પહોંચી જઇએ! થોડા દિવસ પહેલાં જ ભારતના હરિયાણાના ગુરુગ્રામમાં 70 વર્ષની જૈફ વય ધરાવતા પેશન્ટના પિત્તાશયમાંથી કુલ 8125 પથરી કાઢવામાં આવી હતી. આ પથરીઓ કાઢવા માટે ડોક્ટર્સને કુલ એક કલાક લાગ્યો હતો અને કાઢેલી પથરીઓ ગણવામાં 6 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. આ સમગ્ર ઓપરેશન માટે કુલ દસ ડોક્ટર્સની ટીમ કામે લાગી હતી અને તેમને આખરે સફળતા મળી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પેશન્ટને છેલ્લા કેટલાંય વર્ષથી પેટમાં દુખાવો થતો હતો, પરંતુ તેઓ જેમતેમ કરીને રાહત મેળવી લેતા હતા. જ્યારે દર્દ અનહદ વધવા લાગ્યું ત્યારે તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો અને આખરે પથરીના દુખાવામાંથી રાહત મેળવી લીધી.