આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે એવું માનીએ કે હું આ કામ કરી રહ્યો છું. આ ‘હું’ એટલે શું? ‘હું’ એ એક અનુભૂતિ હોય છે. એ આપણા વિશેની આપણી એક ધારણા, ઇગોની ગલીપચી હોય છે. પણ ઠીક છે, ‘હું’નો સાવ જ કાંટો ન કાઢી નાખવો હોય તો એમ કહી શકાય કે હું એ ફેક્ટરીની અંદર એસી કેબિનમાં બેઠેલો બોસ છે. બોસે પોતે કશું કામ ન કરે. કામ તો મજૂરો કરે. ફેક્ટરીમાં કોઈ મજૂર, ભલે બોસના આદેશને અનુસરીને, પાંચ ઇંટ ઉપાડીને પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી લઈ જાય તો પણ એવું ન કહી શકાય કે ઇંટને અહીંથી ત્યાં લઈ જવાનું કામ બોસે કર્યું. ના, બોસ તો બેઠા છે શાંતિથી. અસલી શ્રમ તો મજૂર કરી રહ્યો છે. શ્રમની ક્રેડિટ બોસ ન લઈ શકે. બોસમાં એટલી નમ્રતા હોવી જોઈએ કે એ પોતાને કર્તા ન ગણાવે. બહુ બહુ તો એ પોતાને માર્ગદર્શક ગણાવી શકે. એમાં પણ પ્રશ્નો છે. બોસને જે માર્ગદર્શન સૂઝે, એમના મનમાં જે વિચારો ઝબકે એ પણ મગજના કોષોમાં, બોસની જાણબહાર થતી એક પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પર એટલા બધા પરિબળોનો પ્રભાવ હોય છે કે એ બધા વિશે જો બોસ વિચારવા બેસે તો એ મૂંઝાઈ જાય કે અલ્યા, હું આ જે બધા નિર્ણયો લઉં છું તે હું લઉં છું કે હજારો પરિબળો મળીને નિર્ણય લે છે. પણ ઠીક છે, એટલી ઝીણી માથાકૂટમાં ન ઉતરીએ અને એટલું સ્વીકારીને આગળ વધીએ કે શ્રમ મજૂર કરે છે, બોસ નહીં. કાર્ય કોષો કરે છે, ‘હું’ નહીં.

કવિ નરસિંહ મહેતાએ સચોટ શબ્દોમાં કહેલું: હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે ચાલતું કૂતરું એવું માને કે ગાડું તો હું ચલાવી રહ્યો છું. ગીતામાં કૃષ્ણએ અર્જુનને કર્તાભાવ છોડવાની સલાહ આપેલી. આ સોનેરી સલાહ છે. કર્તાભાવ છૂટે તો મગજ પરનો ઘણો બધો બોજ ઘટે. આ કરવા જેવું કામ નથી થઈ શકતું એમાં મૂળ સમસ્યા એ છે કે કર્તાભાવ છોડવો સહેલો નથી હોતો. 

ઠીક છે, કર્તાભાવ ન છૂટતો હોય તો ‘કોષભાવ’ કેળવી શકાય? એ કામ થોડું સહેલું પડે એવું છે, કારણ કે કોષો આપણા જ છે, કામ આપણા જ કોષો કરે છે એટલે આપણે એવું કહી શકીએ કે જે કંઈ કામ થાય છે એમાં હું, મારો ઇગો, મારી સેલ્ફ ઇમેજ વગેરે પરદા પાછળ હાજર તો હોઈએ છીએ અને કામનો દોરીસંચાર પણ અમારા હાથમાં હોય છે, પરંતુ ટેક્નિકલી અસલી કામ શરીરના કોષો કરતા હોય છે.

આ સૂક્ષ્મ બાબત છે, પરંતુ શાંતિથી વિચારીએ અને આ વાતને અમલમાં મૂકીએ તો આપણામાં નમ્રતા પણ પ્રગટી શકે અને આપણા મગજ પરનો ઘણો બોજ ઘટી શકે.

તો, ગયા લેખમાં એ વાત ચાલી રહી હતી આપણું બધું જ કામ કોષો કરે અને કોષોને કામ કરવા માટે તાકાત-ઊર્જા-‘વીજળી’ જોઈએ. કોષને ઊર્જા પૂરી પાડવાનું કામ કોષની જ અંદર રહેલા કણાભસૂત્રો-માઈટોકોન્ડ્રિયા કરે. કણાભસૂત્રો એટલે ભઠ્ઠી. એમાં બળતણનું-ગ્લુકોઝનું દહન થાય અને શક્તિ છૂટી પડે. ચૂલામાં લાકડું બળે અને એની ગરમીથી ચૂલા પરના વાસણમાં ખોરાક રંધાય, કંઈક એવી જ આ પ્રક્રિયા હોય. હા, કણાભસૂત્રમાં ‘ભડકા’ ન જોવા મળે. 

એક કોષમાં અનેક ભઠ્ઠી એટલે કે કણાભસૂત્રો હોય છે. જેમાં સૌથી વધારે ભઠ્ઠીઓ હોય એવો કોષ કયો? જવાબ યાદ આવ્યો? (જવાબ પછીના ફકરામાં.) હિન્ટઃ તમે કે હું કે કોઈ પણ માણસ અસ્તિત્વમાં કઈ રીતે આવે? આપણા અસ્તિત્વનો આરંભ કયા સ્વરૂપે થાય? સૌ જાણે છે કે આપણે માતાના પેટમાં જન્મીએ અને આપણા જીવનનો આરંભ એક કોષરૂપે થાય. મજા જુઓ. આપણે અલગ છીએ, માતા અલગ છે, પણ માતાના શરીરમાં આપણે એક કોષ તરીકે જીવનની શરૂઆત કરીએ ત્યારે ટેક્નકલી આપણે માતાના શરીરના જ અસંખ્ય કોષોમાંનો એક કોષ હોઈએ છીએ (રિવિઝનઃ શરીરમાં કેટલા કોષો હોય? સ્ત્રીમાં કેટલા? પુરુષમાં કેટલા? જવાબઃ 2023ના સંશોધનના અંદાજ મુજબ પુરુષના શરીરમાં 36 ટ્રિલિયન, સ્ત્રીના શરીરમાં 28 ટ્રિલિયન અને દસ વર્ષના બાળકના શરીરમાં 17 ટ્રિલિયન કોષો હોય છે. એક ટ્રિલિયન એટલે કેટલા? દસ લાખ કરોડ એટલે કે દસ ખર્વ. આગળ વધીએ).

માતાના શરીરના અંદાજે 28 ટ્રિલિયન એટલે કે 280 ખર્વ કોષોમાંના એક અંડકોષમાં પુરુષના શુક્રકોષનો પ્રવેશ થાય. એ શુક્રકોષના બે ભાગ હોય, માથું અને પૂંછડી. પૂંછડી બહાર રહી જાય અને માથું અંડકોષમાં પ્રવેશે. પછી અંડકોષની અંદર સમાયેલા પરાયા એવા શુક્રકોષમાંથી ડીએનએ એટલે કે વારસાની સામગ્રી બહાર નીકળીને અંડકોષના ડીએનએ સાથે ભળે. આ તબક્કે અંડકોષના મહેમાન જેવો જે શુક્રકોષ હોય છે એની અંદરની ભઠ્ઠીઓ-કણાભસૂત્રો પછી નાશ પામે. 

છેવટે, એક તરફ શુક્રકોષ હોય જેમાં એક પણ ભઠ્ઠી ન હોય અને બીજી તરફ એ શુક્રકોષનો યજમાન એવો અંડકોષ હોય જેમાં મેક્સિમમ ભઠ્ઠીઓ હોય. 

શરીરના અન્ય સરેરાશ કોષમાં સો-બસો-પાંચસો કણાભસૂત્રો હોય, જ્યારે આ ફલિત અંડકોષમાં અંદાજે એકાદ લાખ સુધીના કણાભસૂત્રો હોય. અને એ જ અંડકોષની અંદર બિરાજમાન શુક્રકોષમાં ઝીરો ભઠ્ઠી હોય. આપણા આખા જીવનમાં કોષની અંદરના કણાભસૂત્રોની મહત્તમ અને લઘુત્તમ સંખ્યાનો ખેલ એકસાથે, એક જગ્યાએ, એક જ કોષમાં જોવા મળે. 

અંડકોષમાં પ્રવેશી ચૂકેલા શુક્રકોષ પાસે એકેય ભઠ્ઠી ન હોવાનું કારણ એ કે હવે એણે કશું કરવાનું રહેતું નથી. એણે એનું કામ કરી લીધું. હવે એને શક્તિની જરૂર નથી. એનું કામ હતું, ડીએનએ-રંગસૂત્રો માતૃકોષની અંદર પહોંચાડવાનું. એ પૂરું થયું. હવે એક જ કામ બચેઃ વિલિન થઈ જવાનું. 

રહ્યો અંડકોષ. એણે ઘણું બધું કામ કરવાનું હોય. સહેજ નાટ્યાત્મક રીતે કહીએ તો આપણા અસ્તિત્વની પ્રારંભિક પળો-મિનિટો-કલાકોમાં આપણે એટલું બધું કામ કરીએ છીએ જેટલું પછી આખી જિંદગીમાં આપણે ક્યારેય નથી કરતા. (ફરી એ જ વાત, જેની ચર્ચા લેખના આરંભે કરેલી. જીવનના આરંભની એ પળે આપણે એટલે કે આપણો ‘હું’ કશું નથી કરતો. કામ તો શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ –ઝાયગોટ- કરે છે, પરંતુ એ તબક્કે આપણું આખું અસ્તિત્વ એ એક કોષમાં સમેટાયેલું હોય છે. એ તબક્કે, એ કોષ એટલે જ આખેઆખા આપણે. એ તબક્કે ‘હું એટલે કોષ’ એ સમીકરણ દીવા જેવું સ્પષ્ટ હોય. (ફરી વિચારી જુઓઃ કર્તાભાવ છોડીને કોષભાવ અપનાવા જેવો ખરો કે નહીં?)

તો, જીવનના આરંભે ફલિત અંડકોષ-ઝાયગોટ તરીકે આપણી યાત્રા શરૂ થાય ત્યારે એ એક કોષ પાસે કરવાનાં કામો એટલાં બધાં હોય કે વાત ન પૂછો. એક તરફ, પુરુષ તરફથી મળેલા રંગસૂત્રોના તાંતણાઓએ સ્ત્રીના રંગસૂત્રોના તાંતણા સાથે વીંટળાઈને વારસાગત લક્ષણોના આદાનપ્રદાનનું કામ કરવાનું હોય (બાળક કેટલે અંશે માતા પર ઉતરશે અને કેટલું પિતા પર ઉતરશે એ જદ્દોજહદના ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટનું વિરાટ કાર્ય). આ ઉપરાંત એકકોષી નવા મનુષ્યને પછી બહુકોષી ભ્રૂણ તરીકે વિકસાવવાનો હોય. જાણે માણસ નામનું એક રોકેટ અવકાશમાં લૉન્ચ કરવાનું હોય. રૉકેટને લૉન્ચ કરવા માટે ખૂબ શક્તિ જોઈએ. એમ એક નવા મનુષ્યનું જીવનરૉકેટ લૉન્ચ કરતી વખતે ઘણી ઊર્જા જોઈએ.

માટે, શુક્રકોષને આવકાર્યા પછીના અંડકોષમાં, આપણા સ્વતંત્ર જીવનના પ્રથમ કોષમાં મહત્તમ ભઠ્ઠીઓ-કણાભસૂત્રો-માઈટોકોન્ડ્રિયા હોય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો