આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલા વાઇરસના `બુંદિબુગ્યો' (Bundibugyo) વેરિઅન્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જુલાઈ 2026ના પ્રથમ સપ્તાહ સુધીમાં માત્ર કોંગોમાં જ 1400થી વધુ કન્ફર્મ કેસ અને 430થી વધુ લોકોનાં મોત નોંધાયાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના ડાયરેક્ટર-જનરલ દ્વારા આ સ્થિતિને વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવ્યા બાદ, મેન્યુફેક્ચરર્સની તાકીદની અપીલ પર WHOએ ઈબોલા બુંદિબુગ્યો વાઇરસ માટેની પ્રથમ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ટેસ્ટને ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ(EUL)માં મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટિંગ કિટ આવવાથી દર્દીઓનું વહેલું નિદાન થઈ શકશે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે (ECDC) પણ યુરોપમાં પ્રથમ ઈમ્પોર્ટેડ કેસ મળ્યા બાદ તમામ દેશોને સતર્ક રહેવા અને એરપોર્ટ સ્ક્રીનિંગ કડક કરવા સૂચના આપી છે, જેથી આ વાઇરસને વૈશ્વિક મહામારી બનતો અટકાવી શકાય. ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં આ વાઇરસ સામે સાવધાની દર્શાવાઈ રહી છે.
ભારતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે `સર્વમ'ની મોટી ડીલ સફળ થઇ!
ભારતની સોવરિન એઆઈ ક્ષેત્રે બેંગલુરુસ્થિત સ્ટાર્ટઅપ `સર્વમ એઆઈ'(Sarvam AI)એ વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. તેણે યુરોપની કંપની સાથે કરાર કર્યા છે. ભારત સરકારના `ઈન્ડિયા એઆઈ મિશન' અંતર્ગત સર્વમ એઆઈએ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને અનુરૂપ પાવરફુલ ફાઉન્ડેશનલ મોડલ્સ `Sarvam 30B' અને `105B' પેરામીટર મોડલ્સ રજૂ કર્યાં છે. આ મોડલ્સ 11 ભારતીય ભાષાઓમાં અત્યંત સચોટ, માનવીય અવાજ સાથે સંવાદ સાધવા અને 500 મિલિસેકન્ડથી પણ ઓછા સમયમાં પ્રતિક્રિયા આપવા સક્ષમ છે. તેનાં મલ્ટિમોડલ ફીચર્સ જેમ કે, ડોક્યુમેન્ટ ઇન્ટેલિજન્સ અને ઇમેજ રેકગ્નિશન ભારતીય સ્ક્રિપ્ટોમાં અદ્ભુત કામ કરી રહ્યાં છે. આ મોડલ બેન્કિંગ, શિક્ષણ અને સરકારી વહીવટમાં સ્થાનિક ભાષાઓ દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, સર્વમ એઆઈએ સાબિત કર્યું છે કે ભવિષ્ય ભારતનું છે અને આ ટેક્નોલોજી વિદેશી પ્લેટફોર્મ્સ પરની ભારતની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરી દેશે.
અમેરિકા-ઈરાનમાં તણાવ હળવો થતાં
ક્રૂડના ભાવ ઘટતાં વિશ્વમાં રાહત સર્જાઇ!
પશ્ચિમ એશિયા(મિડલ ઈસ્ટ)માં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ હળવી બની છે, પરંતુ સંપૂર્ણ સુધારો નથી. ક્રૂડના ભાવ ઘટતાં ભારત સહિત વિશ્વમાં રાહત થઇ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કતારના દોહા ખાતે પરોક્ષ મધ્યસ્થતા વાટાઘાટો ચાલી રહી છે, જ્યાં ઈરાને અમેરિકા સામે કડક શરતો મૂકી છે. ઈરાન તેના 6 અબજ ડોલરના ફ્રીઝ થયેલા ફંડને મુક્ત કરવા ઉપરાંત વ્યૂહાત્મક રીતે અતિ મહત્ત્વની `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) પર પોતાનું સંપૂર્ણ સાર્વભૌમત્વ અને નિયંત્રણની સત્તા સ્વીકારવા અમેરિકા પર દબાણ કરી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં વિદેશી જહાજો પર ઈરાને કડક નિયમો લાદ્યા છે અને તાજેતરમાં જ બિનમંજૂર માર્ગનો ઉપયોગ કરતું એક મોટું કન્ટેનર જહાજ ત્યાં ફસાઈ ગયું હતું. વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ સપ્લાયનો 20 ટકા હિસ્સો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, તેથી જો અહીં તણાવ વધશે અથવા ઈરાન માર્ગ બ્લોક કરશે, તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે અને વિશ્વભરમાં ફુગાવો તથા આર્થિક કટોકટી વકરી શકે છે. પૂરા વિશ્વની નજર અત્યારે સુધારા પર આવેલી સ્થિતિ જળવાય છે કે કેમ તેના પર છે.
ફિફા વર્લ્ડકપ 2026 : પેરાગ્વેએ જર્મનીને હરાવીને ફૂટબોલ જગતમાં સર્જ્યો મોટો અપસેટ
અમેરિકા, કેનેડા અને મેક્સિકોની ધરતી પર રમાઈ રહેલા ફિફા મેન્સ વર્લ્ડકપ 2026માં ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોટો નજારો જોવા મળ્યો છે. રાઉન્ડ ઓફ 32(Round of 32)ના અત્યંત રોમાંચક નોકઆઉટ મુકાબલામાં ફૂટબોલની મહાસત્તા અને 4 વખતની ચેમ્પિયન જર્મનીની ટીમને અંડરડોગ ગણાતી પેરાગ્વેની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી છે. પેરાગ્વેના જોસ કેનાલેએ નિર્ણાયક સ્પોટ-કિક ફટકારીને પોતાની ટીમની ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરી હતી. આ મેચને વર્લ્ડકપ નોકઆઉટ ઇતિહાસનો સૌથી મોટો અપસેટ માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ ગ્રૂપ સ્ટેજમાં યુએસએ સામે ખરાબ રીતે હાર્યા બાદ પેરાગ્વે વહેલી બહાર થઈ જશે તેવી અટકળો હતી, પરંતુ તેમણે શાનદાર વાપસી કરીને પ્રત્યેક ફૂટબોલ પ્રેમીને ચોંકાવી દીધા છે, જેના કારણે 2026ના આ વર્લ્ડકપનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો