માનવ ઇતિહાસ અને પુરાતત્ત્વશાસ્ત્રની દુનિયામાં એવાં અનેક સ્થળો આવેલાં છે, જેણે ઘણી વખત વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોની માન્યતાઓને હચમચાવી દીધી છે. એમાં તુર્કીનો સમાવેશ થાય છે. તુર્કીમાં ગોબેકલી તેપે નામનું સ્થળ છે, જે યુનેસ્કો દ્વારા 2018માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થળ સૌથી જૂનાં અને રહસ્યમય સ્થાપત્યોમાંનું એક માનવામાં આવે છે. ગોબેકલી તેપે તુર્કીના શાનલીઉર્ફા શહેરથી આશરે 15 કિલોમીટર દૂર પર્વતીય વિસ્તારમાં આવેલું છે. ગોબેકલી તેપેનો અર્થ પેટ જેવી ટેકરી અથવા નાભિ ટેકરી એવો થાય છે.   

ગોબેકલી તેપેની શોધ અને ઇતિહાસ

આ સ્થળ વિશે આમ જોવા જઇએ તો સૌ પ્રથમ વખત 1960ના દાયકામાં ખબર પડી હતી, પરંતુ એ વખતે તેને કબ્રસ્તાન માનવામાં આવ્યું હતું. 1994માં જર્મન પુરાતત્ત્વવિદ ક્લાઉસ શિમટે તેને મળેલ માહિતીના આધારે ખોદકામ શરૂ કર્યું હતું. એ ખોદકામ દરમિયાન જે માહિતી દુનિયા સમક્ષ આવી એ આશ્ચર્યજનક હતી. રેડિયોકાર્બન ડેટિંગ મુજબ ગોબેકલી તેપે આશરે 11,500 વર્ષ જૂનું છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગોબેકલી તેપે બ્રિટનના રહસ્યમય સ્ટોનહેંજ કરતાં આશરે 7000 વર્ષ પ્રાચીન છે. તે ઇજિપ્તના પ્રસિદ્ધ પિરામિડ કરતાં પણ લગભગ 6000 વર્ષ જૂનું છે. આના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે ગોબેકલી તેપે કેટલું જૂનું હશે. આ એવો સમય હતો જ્યારે માનવી હજુ માટીનાં વાસણો બનાવવાની કળા પણ બરાબર જાણતો નહોતો.   

સ્થાપત્ય અને અદ્ભુત રચના 

ગોબેકલી તેપે એ કોઇ શહેર કે વિસ્તાર નહોતો, પણ એક વિશાળ ધાર્મિક કે પૂજાનું સ્થળ હોવાનું મનાય છે. અહીં વિશાળ પથ્થરોના ગોળાકાર માળખાં મળ્યાં છે. અહીં મુખ્ય આકર્ષણોમાં પથ્થરના 200થી વધુ ટી આકારના સ્તંભો છે. દરેક સ્તંભની ઊંચાઇ ત્રણથી છ મીટર જેટલી છે. દરેક સ્તંભનું વજન આશરે 10થી 20 ટન જેટલું છે. પર્વતના ખડકોમાંથી આવા વિશાળ પથ્થરો કાપીને, ખેંચીને ટેકરી પર લાવવા અને ગોળાકારમાં ઊભા કરવા માટે સેંકડો લોકોના સામૂહિક શ્રમ અને આયોજનની જરૂર પડી હશે. અહીં ફક્ત પિલરો જ નથી, પરંતુ તેના ઉપર વિવિધ હિંસક અને જંગલી પ્રાણીઓનું ત્રિપરિમાણીય જેવું સુંદર કોતરણીકામ કરવામાં આવેલું છે. જેમ કે, સિંહ, આખલો, જંગલી ભૂંડ, શિયાળ, સાપ, વીંછી, કરોળિયા, ગીધ તથા અન્ય પક્ષીઓ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત માનવ આકૃતિઓનું પ્રતીક પણ જોવા મળ્યું છે. ટી આકાર પોતે જ એક માનવ આકૃતિનું પ્રતીકાત્મક સ્વરૂપ દર્શાવે છે. પિલરની બાજુમાં હાથ, આંગળીઓ, પટ્ટા અને લંગોટ જેવી આકૃતિઓ પણ કોતરેલી મળી આવી છે. જે દર્શાવે છે કે આ સ્તંભો કદાચ એ સમયના પૂર્વજો અથવા પૂજનીય દેવતાઓનું પ્રતિનિધિત્વ કરતા હશે.   

ગોબેકલી તેપેને લઈને માન્યતાઓ

ગોબેકલી તેપેની શોધ પહેલાં ઇતિહાસકારો માનતા હતા કે માનવીએ પહેલાં ખેતી શરૂ કરી, ગામડાં અને શહેરો વસાવ્યાં અને ત્યારબાદ નવરાશના સમયમાં ધર્મ તથા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગોબેકલી તેપેએ આ ધારણાને તદ્દન ખોટી પાડી દીધી હતી. આ સ્થળ ભટકતા અને શિકાર કરીને જીવતા માનવજૂથ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે. એવું બને કે ધર્મ અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થવાની ઇચ્છાએ માનવીને ખેતી કરવા અને એક જગ્યાએ સ્થાયી થવા માટે પ્રેરિત કર્યા હોઇ શકે છે.   

આ જગ્યાનું સૌથી મોટું રહસ્ય તો એ છે કે ઇ.સ. પૂર્વે 8000ની આસપાસ અહીંના લોકોએ આ ભવ્ય સ્થાપત્યને નષ્ટ કરવાને બદલે તેને માટી અને પથ્થરોથી દાટી દીધું હતું. તેમણે આમ શા માટે કર્યું તે અંગે આજે પણ સંશોધનો ચાલુ છે. ગોબેકલી તેપેના હજુ ફક્ત પાંચથી દસ ટકા ભાગને જ બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ જમીનની અંદર અનેક ગોળાકાર સંકુલ દબાયેલાં છે. આ ઉપરથી સાબિત થાય છે કે ગોબેકલી તેપે એ પથ્થરોનો ફક્ત ઢગલો નથી, પરંતુ માનવ ચેતના અને કળાની શરૂઆતનો સચોટ પુરાવો છે. આજે પણ દુનિયાભરના અનેક ઇતિહાસપ્રેમીઓ અને સંશોધકો ગોબેકલી તેપેની મુલાકાત લઇ રહ્યા છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો