આપણામાં કહેવત છે કે ધરતીનો છેડો ઘર. ભલે આખી દુનિયા ફરીએ, પરંતુ જ્યારે ઘરે આવીએ ત્યારે હાશકારો થાય. આપણા માટે આપણું ઘર સ્વર્ગ સમાન છે, એ રીતે રાજાઓ માટે તેમના પેલસ સ્વર્ગ સમાન હતા. અત્યારે ભલે રાજાશાહી ન હોય, પરંતુ જ્યારે એમનો યુગ હતો ત્યારે તેઓ પોતાના માટે અદ્ભુત પેલેસ બનાવડાવતા હતા. એમાં અમુક પેલેસ તો એવા છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા છે.

આ પેલેસમાં ગોલેસ્તાન પેલેસનો સમાવેશ થાય છે. જે ઇરાનની રાજધાની તેહરાનમાં આવેલ છે. આ પેલેસ પર્શિયન સંસ્કૃતિ, સ્થાપત્ય અને ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ છે. ગોલેસ્તાન શબ્દનો અર્થ ફૂલોનો બગીચો એવો થાય છે.

પેલેસનો ભવ્ય ઇતિહાસ

ગોલેસ્તાન પેલેસનો ઇતિહાસ સફાવિદ રાજવંશ એટલે કે 15મી સદી જેટલો જૂનો છે. આ પેલેસની સ્થાપના પહેલાં એક કિલ્લા તરીકે કરવામાં આવી હતી. તેની ખરી ભવ્યતા કાજાર રાજવંશ દરમિયાન ખીલી હતી. 1794માં જ્યારે આગા મોહમ્મદ ખાન કાજારે તેહરાનને પોતાની રાજધાની બનાવી ત્યારે આ કિલ્લાને શાહી પેલેસ બનાવવામાં આવ્યો હતો. નાસેર અલ દિન શાહે યુરોપના પ્રવાસો કર્યા હતા અને ત્યાંના સ્થાપત્યથી પ્રભાવિત થઇને ગોલેસ્તાન પેલેસમાં પશ્ચિમી શૈલીનો સમાવેશ કર્યો હતો. પરિણામે આ પેલેસ અતિથી અતિ ભવ્ય બન્યો હતો. સમયની સાથે વંશના શાસનોમાં પરિવર્તન આવતું ગયું એટલે પેલેસમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું. જે પેલેસમાં પહેલાં રાજાઓ વસવાટ કરતા હતા ત્યાં પહલવી વંશના શાસન દરમિયાન આ મહેલનો ઉપયોગ માત્ર શાહી સમારંભો અને વિદેશી મહેમાનોના સ્વાગત માટે જ કરવામાં આવતો હતો. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી તેને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યો.

પેલેસની વિશેષતાઓ

દરેક પેલેસની પોતાની આગવી વિશેષતા હોય છે એ રીતે ગોલેસ્તાન પેલેસ એક-બે નહીં, પરંતુ આઠ વિવિધ પ્રકારના ભવ્ય મહેલોના સમૂહથી બનેલો છે. આ પેલેસનું સૌથી જૂનું આકર્ષણ તખ્ત એ મરમર એટલે કે માર્બલ સિંહાસન છે, જે આશરે 65 જેટલા ટુકડાઓમાંથી બનેલું છે અને તેના ઉપર અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. ખુલ્લા આંગણામાં આ ભવ્ય સિંહાસન રાખવામાં આવ્યું છે. બીજું તેનું આકર્ષણ સૂર્યની ઇમારત છે, જેને શમ્સ ઓલ એમારેહ કહેવામાં આવે છે. આ ઇમારત એ સમયની સૌથી ઊંચી ઇમારત હતી. નાસેર અલ દિન શાહ તેહરાનનો નજારો જોવા માટે આ ઇમારતનો ઉપયોગ કરતા હતા. સૂર્યની આ ઇમારતમાં યુરોપિયન ઘડિયાળો અને પર્શિયન ટાઇલ્સનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. ત્રીજી વિશેષતા તલાર એ આયનેહ એટલે કે અરીસાનો હોલ છે. આ હોલની દીવાલો અને છત ઉપર અસંખ્ય અરીસાઓનું કામ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં આરીસાઓમાંથી બનેલો આ હોલ પ્રખ્યાત છે. સૌથી મજેદાર વાત તો એ છે કે જ્યારે આ હોલમાં રોશની કરવામાં આવે છે ત્યારે તે સ્વર્ગની જેમ ઝળહળી ઊઠે છે.

પેલેસ અને રોમાંચક તથ્યો

ગોલેસ્તાન પેલેસ સાથે કેટલાંક રોમાંચક તથ્યો જોડાયેલાં છે, જે તેને વધુ ખાસ બનાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ પેલેસ ઇરાનનો પહેલો એવો સ્થાપત્ય નમૂનો હતો જ્યાં પર્શિયન કળામાં, યુરોપિયન શૈલીની ભેળસેળ કરવામાં આવી હતી. મહેલના અરીસાના હોલમાં જેને ડાયમંડ હોલ પણ કહેવામાં આવે છે એમાં એટલું બારીકાઇથી અરીસાકામ કરવામાં આવ્યું હતું કે તે હીરાની જેમ ઝળહળે. વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમમાં ગોલેસ્તાન પેલેસનો સમાવેશ થાય છે,

   કારણ કે એ વખતે આ પેલેસમાં અનેક કીમતી ચીજવસ્તુઓ હતી, તેથી તેને વિશ્વના સૌથી મોટાં ખાનગી સંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. ઇરાનના છેલ્લા સમ્રાટ મોહમ્મદ રેઝા પહલવીનો રાજ્યાભિષેક પણ આ જ મહેલમાં કરવામાં આવ્યો હતો. મહેલની બહારની દીવાલો પર શિકાર, યુદ્ધ અને શાહી જીવનનાં દ્શ્યોને જીવંત કરે એ પ્રકારની કલાત્મક ટાઇલ્સ લગાવવામાં આવી છે. નાસેર અલ દિન શાહ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા હતા, તેથી તેમણે મહેલના એક વિભાગમાં તે સમયના દુર્લભ ફોટાઓનો સંગ્રહ રાખ્યો હતો. આજે પણ અા વિશ્વના સૌથી જૂના ફોટોગ્રાફિક આર્કાઇવ્સમાંનું એક છે.

ગોલેસ્તાન પેલેસ એ સ્થાપત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિનો એવો ત્રિવેણી સંગમ છે, જે વિશ્વમાં ક્યાંય જોવા મળતો નથી. તેની પથ્થરની દીવાલોમાં અને અરીસાની ચમકમાં ઇરાનનાં અનેક ઉત્થાન અને પતનની વાતો છુપાયેલી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો