પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને પહાડી વિસ્તારોમાં દાયકાઓ જૂની અલગ ગોરખાલેન્ડની માંગને કાયમી બંધારણીય ઉકેલ આપવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર અને ગોરખા સમુદાયના પ્રતિનિધિઓ સાથે ત્રિપક્ષીય બેઠક યોજ્યા બાદ પંકજ કુમાર સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ ભારતીય બંધારણના દાયરામાં રહીને વહીવટી સ્વાયત્તતા, પ્રદેશ માટે વિશેષ નાણાકીય સહાય તથા 11 ગોરખા સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના માળખા પર વિસ્તૃત ડ્રાફ્ટ તૈયાર કરશે. 1907થી શરૂ થયેલ આ આંદોલન ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખ તેમજ આર્થિક ઉપેક્ષા સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. અગાઉ DGHC અને GTA જેવી સંસ્થાઓ રચાઈ હોવા છતાં વિધાયી સત્તા અને નાણાકીય સ્વાયત્તતાના અભાવે આ વિવાદ અનિર્ણિત રહ્યો હતો. ભારતીય સેનામાં 1815થી અપ્રતિમ શૌર્ય દાખવનાર ગોરખા સમુદાયની રાષ્ટ્રીય ઓળખ અને સુરક્ષા સંવેદનશીલતાને ધ્યાને રાખીને રચાયેલી આ નવી સમિતિ ક્ષેત્રીય અસંતોષ દૂર કરવામાં નિર્ણાયક સાબિત થશે.

જિનેટિક સાયન્સમાં જનરેટિવ AI : ક્રાંતિ અને જૈવ-સુરક્ષાના પડકારો

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને આર્ક ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ્સની મદદથી બેક્ટેરિયોફેજના સંપૂર્ણ અને કાર્યાત્મક જીનોમ તૈયાર કરીને બાયોટેક્નોલોજીમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. પ્રયોગશાળામાં પરીક્ષણ કરાયેલા 285 AI-ડિઝાઇન જીનોમમાંથી 16 જીનોમ એવા સક્ષમ વાઇરસ બનાવવામાં સફળ રહ્યા, જે બેક્ટેરિયલ પ્રતિકારને તોડી શકે છે. આ વિકાસ માત્ર જૈવિક ડેટાના વિશ્લેષણ પૂરતો સીમિત નથી, પરંતુ શરૂઆતથી જ કાર્યાત્મક જૈવિક રચનાઓનું નિર્માણ કરવાનો નવો અધ્યાય છે. આ ટેક્નોલોજી એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામે લડવા, સુપરબગ્સનો નાશ કરવા, કેન્સર કોષોને લક્ષિત કરવા અને ઝડપી રસી શોધવા માટે આશીર્વાદરૂપ છે. જોકે, તેની `ડ્યૂઅલ-યૂઝ' પ્રકૃતિ ગંભીર જોખમો પણ ઊભાં કરે છે. આ ક્ષમતાનો દુરુપયોગ જૈવ-આતંકવાદ કે અનપેક્ષિત ઝૂનોટિક સંક્રમણ ફેલાવવા માટે થઈ શકે છે. ભારત જેવા દેશો માટે `ઈન્ડિયા AI મિશન' હેઠળ AI સાર્વભૌમત્વ જાળવવાની સાથે DNA સંશ્લેષણનું કડક સ્ક્રિનિંગ અનિવાર્ય બન્યું છે.

ભારતના મુક્ત વ્યાપાર કરારો (FTA) : નિકાસ અને વૈશ્વિક બજારમાં તેજી

વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા ભારતે મુક્ત વ્યાપાર કરારો(FTA)ના માળખાને ઝડપથી વિસ્તાર્યું છે. ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારોમાં શૂન્ય-જકાત પ્રવેશ, પ્રેફરેન્શિયલ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને પ્રોડક્ટ ડાઇવર્સિફિકેશનનો સીધો લાભ મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ વસ્તુ અને સેવાઓની નિકાસ 863.1 અબજ યુએસ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી છે, જેમાં 441.8 અબજ ડોલરની વસ્તુ નિકાસ સામેલ છે. એપ્રિલ-જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં નિકાસમાં વાર્ષિક ધોરણે 11.37%નો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ભારત-યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) આ વ્યાપારિક સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કરાર હેઠળ યુએઈ સાથેનો દ્વિપક્ષીય વેપાર 100.06 અબજ ડોલરને વટાવી ગયો છે અને વર્ષ 2025-26માં યુએઈ 37.36 અબજ ડોલર સાથે ભારતનું સૌથી મોટું FTA નિકાસ ગંતવ્ય બન્યું છે. બંને દેશોએ 2032 સુધીમાં આ વ્યાપાર 200 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. 

ચૂંટણીમાં કાળું નાણું અટકાવવા સુપ્રીમ કોર્ટની કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી 

ચૂંટણી પ્રક્રિયામાંથી કાળાં નાણાંના પ્રભાવને નાબૂદ કરવાની પ્રાથમિક જવાબદારી ભારતીય ચૂંટણીપંચ (ECI)ની હોવાનું સ્પષ્ટ કરતાં સર્વોચ્ચ અદાલતે મહત્ત્વપૂર્ણ આદેશો જારી કર્યા છે. અદાલતે અવલોકન કર્યું કે ગેરકાયદેસર ધનબળ મતદારોની સ્વતંત્ર નિર્ણયશક્તિને પ્રભાવિત કરે છે, જે બંધારણના અનુચ્છેદ 326 હેઠળ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અને અનુચ્છેદ 14 હેઠળ સમાન તકની ભાવનાને નબળી પાડી લોકશાહીને ધનતંત્રમાં ફેરવે છે. ન્યાયાલયે ચૂંટણીમાં કાળાં નાણાંના ઉપયોગ સામે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ જપ્ત કરાયેલ રોકડ કે સંપત્તિની માહિતી 24 કલાકમાં જિલ્લા મેજિસ્ટ્રેટ કે સક્ષમ અદાલતને આપવી પડશે. ચૂંટણી સંબંધિત એફઆઈઆરની તપાસ એક વર્ષમાં પૂર્ણ કરી દર ત્રિમાસિક ગાળે ચૂંટણીપંચને સ્ટેટસ રિપોર્ટ સુપરત કરવો પડશે. 10 લાખથી વધુની રોકડ પકડાય તો આવકવેરા વિભાગને તાત્કાલિક જાણ કરવી, કેસોનો ઝડપી નિકાલ કરવો અને ઉમેદવારો સામેના ફોજદારી કેસ પાછા ખેંચવા માટે હાઈકોર્ટની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. ચૂંટણીપંચ અને રાજ્યોએ 18 નવેમ્બર, 2026 સુધીમાં આ અંગે અમલીકરણ અહેવાલ આપવાનો રહેશે.  



આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો