આજનો સમય દેખાડાનો છે, આપણે જેવા છે તેવા નહીં, પરંતુ રૂપ, સંપત્તિ, હોશિયારી કે જીવનના અન્ય કોઇ પણ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. સોશિયલ મીડિયા પર અનેક જાતના ફિલ્ટર દ્વારા થતું ખુદનું પ્રદર્શન એ આપણો અંદરનો ઇગો છે. હું કોઇથી ઊતરતો હોઈ જ કેમ શકું? અને કદાચ ઊતરતો હોઉં તો પણ એની બીજાને જાણ કેમ થવી જોઇએ? શ્રેષ્ઠ ન હોવું એ કોઇ અપરાધ હોય એ રીતે આજે લોકો ગુરુતાગ્રંથિને એટલે કે સુપિરિયારિટી કોમ્પ્લેક્સને ઓઢીને ફરે છે. દંભ કે અહમ્ જે આજ સુધી દુર્ગુણ ગણાતો હતો, તે આજે ગુણ, આવશ્યકતા અને ક્યાંક મજબૂરી બનેલો જોવા મળે છે, જે વ્યક્તિને ખામીઓ છુપાવી દુનિયા સમક્ષ અક્ષમ ચિત્ર ઊભું કરવા પ્રેરે છે. મતલબ કે ગુરુતાગ્રંથિ એ વાસ્તવિક અહંકાર નથી હોતો, પરંતુ લઘુતાગ્રંથિને, ખામીને દબાવવા માટે ઓઢેલો આંચળો છે.


આમેય માનવ મન અતિ ચંચળ છે. આપણે રોજબરોજની જિંદગીમાં એવા અનેક લોકોને મળીએ છીએ કે જેઓ દંભી, અભિમાની, શોબાઝ અને આક્રમક દેખાય છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ માત્ર અભિમાન નથી, પરંતુ એક એવી ઊંડી માનસિક પ્રક્રિયા છે જેને સુપિરિયારિટી કોમ્પલેક્સ કહેવાય છે. ઘણી વખત એ સમાજ સામે લડવાનું અને ખુદને બચાવવાનું હથિયાર સાબિત થાય છે. દરેક મનુષ્યને કોઇ ને કોઇ ખામી દેખાય જ છે અને એને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ પોતાની વાસ્તવિક કમીઓને સ્વીકાર નથી કરી શકતી અને સમાજની સામે ખુદને કમજોર બતાવતા ડરે છે ત્યારે તેનું અર્ધજાગ્રત મન એક સુરક્ષાતંત્ર વિકસિત કરે છે, જે ખુદને વિશ્વાસ અપાવે છે કે તે બીજાની દૃષ્ટિએ બહેતર, બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે. વ્યક્તિ પોતાની આંતરિક શૂન્યતાને બાહરી ઢોંગથી ભરવાની કોશિશ કરે છે જ્યારે કોઇ યુદ્ધમાં જાય તો ખુદને દુશ્મનથી બચાવવા માટે કવચ પહેરે છે એમ કેટલાક લોકો સમાજના અસ્વીકારના, નિષ્ફળતાના અને બેનકાબ થવાના ડરથી પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરતું કોઇ પણ કવચ પહેરી લે છે. આવી વ્યક્તિઓ જ્યાં સુધી અન્ય વ્યક્તિને નીચી કે ઊતરતી ન બતાવે ત્યાં સુધી ખુદને સુરક્ષિત નથી માનતી. તેઓ પોતાની સાચી અને રચનાત્મક આલોચના પણ સહન નથી કરી શકતી એટલું જ નહીં, પોતાની વર્તમાન નિષ્ફળતાને છુપાવવા માટે ભૂતકાળની કોઇ સફળતાને વારંવાર પ્રદર્શિત કર્યા કરે છે.

દાખલા તરીકે કોઇ એક સિનિયર મેનેજર આજના સમયમાં ટેક્નિકલ નોલેજમાં નવી પેઢીથી લગભગ કંઇક અંશે ઊતરતો હોવાનો. એમની ટીમના નવયુવાનો નવા સોફ્ટવેર પર ઝડપથી કામ કરે છે, ત્યારે મેનેજરને પોતાની મહત્તા ખોવાનો ડર રહે છે. આ ડરથી બચવા માટે એ પોતાના અનુભવ અને સિનિયોરિટીનું કવચ ધારણ કરી ખુદને શ્રેષ્ઠ બતાવે છે અને નવા યુવાનો પર ગુસ્સો કરે, એમની ભૂલને મેગ્નિફાય કરીને બતાવે કે વગર જોઈતી શિખામણ આપે. આમ કરીને તેઓ નવા યુવાનો સામે પોતે શ્રેષ્ઠ છે એવું બતાવે છે, જે યુવાનોની ટેક્નોલોજિકલ હોશિયારી સામે ટકી રહેવાનું કવચ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. શ્રેષ્ઠતાની ભાવના હંમેશાં નકારાત્મક કે વિનાશકારી નથી હોતી. કેટલીક સામાજિક અને વ્યક્તિગત પરિસ્થિતિઓમાં એ લંગરનું કામ કરે છે, જે રીતે સમુદ્રમાં તોફાનથી બચવા માટે જહાજને લંગર બચાવે છે એ જ રીતે જ્યારે સમાજ કે પરિવાર કોઇ વ્યક્તિને પૂરી તરહ નકારે છે ત્યારે પોતાની કોઇ ખૂબી કે વિશિષ્ટતા માટે શ્રેષ્ઠતાની લાગણી આ નકાર સામે ટકાવે છે. ઘણી વખત ગરીબ, શારીરિક રીતે નિર્બળ કે અતિ સામાન્ય વ્યક્તિને સમાજ ચણા-મમરાની જેમ જુએ છે. આવી સ્થિતિમાં નબળી વ્યક્તિ પણ પોતાનું મૂલ્યાંકન સમાજની દૃષ્ટિથી કરશે તો એ ખુદની નજરમાં નકામો સાબિત દેખાશે. એના બદલે વ્યક્તિ પોતાનામાં જે કંઇ થોડું ઘણું સારું, રચનાત્મક કે સ્વીકાર્ય છે એને વધારીને લોકોને બતાવશે, જે એના આત્મસન્માનને ટકાવી રાખે છે, એટલું જ નહીં ધીમે ધીમે આવા લોકો ઘણીવાર પોતે દુનિયા સમક્ષ જે તસવીર બતાવી છે એવા બનીને સાચા અર્થમાં કશુંક પ્રાપ્ત પણ કરે છે. પોતે પણ કંઇક છે એ લાગણી કંઇ નથીની નકારાત્મકતા કરતાં સારી સાબિત થાય છે.

દાખલા તરીકે કોઇ ગરીબ વ્યક્તિ કલાકાર છે. સરસ મજાની મૂર્તિઓ બનાવે છે, પણ જોઇતા પૈસા કમાઇ નથી શકતો. ઘણા પૈસાવાળા એની મજાક ઉડાવે છે ત્યારે કલાકાર વિચારે છે કે આ અમીરો પાસે ભલે પૈસા હોય, પરંતુ જે કલા અને સર્જનની શક્તિ મને ઇશ્વરે આપી છે એવી એમની સાત પેઢીમાં પણ નહીં હોય. તેઓ પૈસાથી અમીર છે, પરંતુ હું તો આત્માથી અમીર છું. અહીં પોતે કલાત્મક રૂપે શ્રેષ્ઠ છે એવું વિચારવું કોઇ અહંકાર નથી, પરંતુ લંગર છે જે લોકોનાં મેણાંટોણાં અને અવગણના સામે એને ટકાવી રાખે છે.

જે લોકો પોતાના સુપિરિયોરિટી કોમ્પ્લેક્સને કવચ બનાવે છે તેમના વિકાસની શક્યતા નહીંવત્ રહે છે, કારણ કે કવચમાં એક પ્રકારની નકારાત્મકતા અને આક્રમકતા હોય છે. જ્યારે આ શ્રેષ્ઠતાની ભાવનાને વ્યક્તિ લંગર તરીકે સ્થાપિત કરે છે ત્યારે તે સાચી દિશામાં જાય છે, કારણ કે આ શ્રેષ્ઠતા કઠિન સમયમાં આત્મ-સંરક્ષણની ઇચ્છાથી જન્મે છે. એ બીજાને નુકસાન નથી પહોંચાડતી એમાં વ્યક્તિ શાંત-સ્વાભિમાની અને દૃઢ દેખાય છે એટલું જ નહીં તે માનસિક રૂપથી ટટ્ટાર રહે છે. શ્રેષ્ઠતાનો ભાવ માનવ સહજ છે, પરંતુ એને કઇ દિશા આપવી એ આપણા હાથમાં છે. જો એને કવચ બનાવશો તો આખી જિંદગી બનાવટી જિંદગી જીવશો અને લંગર બનાવશો તો એ દરેક તોફાનથી બચાવી કિનારે લઇ જશે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: