લગ્નજીવનમાં મહત્ત્વનો મુદ્દો છે ગીલ્ટ. અપરાધભાવ જીવનસાથીને પ્રેમ કરનારી વ્યક્તિ પોતાની ભૂલ કે ખોટી વર્તણૂક અંગે ખુદ ગીલ્ટ ફીલ કરી માફી માંગવાનો કે ખુદને સુધારવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ સામી વ્યક્તિને ગીલ્ટી ફીલ થવા દેતી નથી અને એ માટે સ્વભાવમાં નમ્રતા અને ભૂલવાની વૃત્તિ જોઈએ. પતિ કે પત્ની પોતાની ફરજ ન બજાવી શકે. જાણતાં-અજાણતાં એકબીજાને હર્ટ કરે કે શારીરિક માનસિક નુકસાન કરે ત્યારે સંવેદનશીલ વ્યક્તિ અપરાધની લાગણી અનુભવે છે. સાચા અને શાણા જીવનસાથીની ફરજ એ છે કે તેઓ પોતાના પ્રિય પાત્રને આ `ગીલ્ટ'ની ફીલિંગમાંથી બહાલ લાવે ન કે તેને કટાક્ષ, આક્ષેપ અને ઝઘડા દ્વારા હતાશામાં ધકેલે, નીચી પાડે કે તેઓ કંઈ જ નથી એવું ફીલ કરાવે.
30 વર્ષની દીપ્તિની વાત કરીએ. એનો હસબન્ડ વિનય આમ તો હોશિયાર. સારું કમાતો હતો, પરંતુ છેલ્લાં 5-7 વર્ષમાં ધંધામાં અનેક વાર નુકસાન થયું. સ્વાભાવિક છે કે એને કારણે પરિવારની લાઈફ સ્ટાઈલ પર અસર પડી. ખરાબ સંજોગોમાં પતિની ઢાલ બનીને ઊભા રહેવાને બદલે દીપ્તિ વિનય સાથે રોજ ઝઘડા કરે છે. આક્ષેપ કરે છે કે તેં મારી જિંદગી બરબાદ કરી દીધી. તારામાં અમારાં સપનાંઓ પૂરાં કરવાની તાકાત જ નથી. તું આવડત વગરનો નકામો વ્યક્તિ છે. હવે પત્નીના આવા કટાક્ષ સાંભળીને કયા સંવેદનશીલ પતિને દુઃખ ન થાય? દીપ્તિ વાણી અને વર્તન દ્વારા વિનયને હંમેશાં એવું ફીલ કરાવતી કે આર્થિક ખેંચતાણને કારણે જીવનમાં જે કંઇ સમસ્યા આવી છે એને માટે તું જવાબદાર છે. તું અમારો ગુનેગાર છે. સતત અવહેલના અને આક્ષેપને કારણે વિનય ખુદ અપરાધભાવ અનુભવતો થઈ ગયો. એને સાચે જ લાગવા માંડ્યું કે એને કારણે જ પરિવારને મુશ્કેલી અનુભવવી પડે છે. એ ડિપ્રેશનમાં આવી ડ્રિંક્સના રવાડે ચડી ગયો અને અત્યારે એમનું લગ્નજીવન ડિવોર્સના આરે આવી ઊભું છું. અપરાધ ફીલ કરાવવાની વૃત્તિ એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. પીડાનો અદૃશ્ય હુમલો છે. એ ઊધઈની જેમ પતિ-પત્નીની લાગણીને અંદરથી ફોલીને ખોખલી બનાવે છે, તેથી એનાથી દૂર રહેવાનો સભાનપણે પ્રયાસ થવો જોઈએ. સામા છેડે બીજું એક ઉદાહરણ લઇએ.
અંજલિ અને પ્રિયંકનો 18 વર્ષનો દીકરો ન્યૂમોનિયાથી મૃત્યુ પામ્યો. દીકરાને તાવ હતો. હોસ્પિટલમાં એડમિટ કર્યો. કોઈ ઇન્જેક્શન લાવવાનાં હતાં, જે લાવતા પ્રિયંકને મોડું થઈ ગયું અને એ મૃત્યુ પામ્યો. પ્રિયંકનાં મનમાં ગીલ્ટ છે કે એને કારણે જ દીકરો મૃત્યુ પામ્યો. આ ગીલ્ટને કારણે તે ડિપ્રેશનમાં સર્યો. અંજલિએ એને એક પણ વખત આડો શબ્દ સંભળાવ્યો નથી. દીકરો ગુમાવ્યાનું દુઃખ તો એને પણ હતું, પરંતુ એને ખુદને સાચવી લીધી. એટલું જ નહીં પતિની પડખે રહી. એ પતિને એક જ વાત સમજાવતી કે દીકરાનું આયુષ્ય પૂરું થયું હશે. ઇન્જેક્શન તો માત્ર નિમિત્ત છે. આપણી એની સાથેની લેણાદેણી જ ન હશે. એના માટે ગીલ્ટ શું કામ? અંજલિના પ્રેમથી પ્રિયંક ફરી બેઠો થયો. જીવનસાથીમાં સમજણ અને માફીની વૃત્તિ હોય તો તેઓ પાર્ટનરને ગીલ્ટ ફીલ નથી કરાવતાં, પરંતુ ભુલાવવા પ્રયત્ન કરે છે. ગીલ્ટ લઘુતાગ્રંથિ અને આત્મપીડનની વૃત્તિને વિકસાવે છે. જીવનસાથીને પીડામાં તરફડતા જોવાથી પાર્ટનરને કેવો આનંદ આવતો હશે? આઈ ડોન્ટ નો, બટ આઈ થિંક No amount of guilt can change the past. અને એક સત્ય એ પણ છે કે દરેકના જીવનમાં એવી ક્ષણ આવે જ છે કે એનાથી કંઇ ખોટું થયું હોય કે કોઈને હર્ટ કર્યા હોય. એમાં વ્યક્તિ અને એના સંજોગો પણ કારણભૂત હોય છે.
ગીલ્ટ એ એવી ઊધઈ છે કે જે સંબંધરૂપી ઈમારતને અંદરથી કોતરી-કોતરીને સાવ પોલી બનાવી દે છે. જીવનસાથી જ્યારે સતત આક્ષેપો-આરોપો કરે છે, દરેક નેગેટિવ બાબત માટે પાર્ટનરને જવાબદાર ગણે છે ત્યારે સામી વ્યક્તિનું સેલ્ફ એસ્ટીમ સાવ તળિયે જતું રહે છે. એનો ખુદ પરનો ભરોસો જ ઊઠી જાય છે. એ સાચી બાબતે પણ સાથી સાથે આંખ મિલાવીને વાત કરી શકતી નથી. ડર, હતાશા અને લઘુતાગ્રંથિ એના વ્યક્તિત્વનો ભાગ બને છે. જેની અસર રૂટિન લાઈફ, ઘરના નિર્ણયો, બાળકોના ઉછેર અને ખુદ વ્યક્તિના વિકાસ પર પડે છે. ઘણા લોકોને ખુદને મોટી સાબિત કરવામાં કે ખુદના ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે પાર્ટનરને નીચા પાડવાની ટેવ હોય છે. અગર સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસનું વાવેતર કરી ખુશહાલ જીવન જીવવું હોય તો નીચેની બાબતો મહત્ત્વની છે.
પાર્ટનરને દુઃખી કરીને વ્યક્તિ સુખી નથી થતી. એના ગીલ્ટની અસર તમારા અંગત જીવન પર અને સામાજિક જીવન પર પડશે જ.
આક્ષેપ અને આરોપોને બદલે કઈ પરિસ્થિતિમાં ભૂલ કે ખોટું થયું એ સમજવાનો પ્રયત્ન કરો અને એ પરિસ્થિતિમાંથી સાથીને બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ.
તમે જ્યારે નાની કે મોટી બાબતે પાર્ટનરનું અપમાન કરો છો ત્યારે તમે ખુદને નાની બનાવો છે. બીજાને નાના કરી ખુદ મોટા ક્યારેય બનાતું નથી. વ્યક્તિ મોટી ઉદારતા અને ક્ષમાની ભાવનાથી બને છે.
એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિની ગંભીર ભૂલો જેવી કે એક્સ્ટ્રા મેરિટલ અફેર વગેરેને સંજોગવસાત્ નજરઅંદાજ કરીને સાથે રહે છે, પરંતુ દિલથી માફ કરી શકતા નથી ત્યારે એ ભૂલ માટે સતત ટોર્ચર કરવું મૂર્ખામી છે. પાર્ટનરની સંકુચિતતા અને ક્રૂર વર્તન સામી વ્યક્તિને સુધારવાને બદલે બગાડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો