ગુજરાતીઓ બે વસ્તુઓ ક્યારેય છોડી શકતા નથી. સારા સંબંધો અને સારી થેલીઓ. આ વાક્ય સાંભળીને તમને ભલે હસવું આવે, પરંતુ આપણા ગુજરાતીના ઘરમાં એક વાર નજર નાખી જુઓ તો તમને પણ આ વાત સો ટકા સાચી લાગશે.  

સરકાર ભલે પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકે, પણ ગુજરાતીઓ અને થેલીઓનો સંબંધ તોડવો `મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ'. આપણા માટે થેલી એ માત્ર થેલી નથી પણ લાગણી છે, જીવનશૈલી છે.  

ગુજરાતમાં થેલીનાં પણ અનેક નામ છે. થેલી, કોથળી, ઝભલું, પોટલી. દુનિયામાં કદાચ કોઈ એવી પ્રજા નહીં હોય જે થેલીને આટલો આદર આપે. અહીં તો સારી થેલીને ફેંકી દેવી એ પરિવારની મિલકત વેચી દેવા જેટલો ગંભીર અપરાધ ગણાય છે.  

ગુજરાતીના ઘરમાં પ્રવેશો એટલે તમને ભગવાનનું મંદિર દેખાય, ટીવી દેખાય અને પછી કોઈ ને કોઈ ખૂણામાં પડેલી થેલીઓ દેખાય. રસોડામાં, કબાટમાં, સ્ટોરરૂમમાં, પલંગના ગાદલા નીચે, ડ્રોઅરોમાં. જ્યાં નજર નાખો ત્યાં થેલી જ થેલી દેખાય. અમુક થેલીઓ તો એટલી જૂની હોય કે તેના પર જે દુકાનનું નામ હોય એ વર્ષો પહેલાં બંધ થઈ ગઈ હોય, છતાં એની થેલી આજે પણ સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં સેવા આપી રહી હોય. ગુજરાતી ગૃહિણી માટે થેલી ફેંકવી એ મહાપાપ છે. દરેક થેલી માટે એક જ અમર વાક્ય હોય છે, `રાખી મૂકો, ક્યારેક કામ લાગશે.' આ `ક્યારેક' ક્યારે આવે એની તારીખ કોઈ પંચાંગમાં લખાયેલી નથી હોતી, છતાં આખું કુટુંબ એના પર અતૂટ વિશ્વાસ રાખે છે.  

વિજ્ઞાનીઓ હજુ સુધી એક રહસ્ય ઉકેલી શક્યા નથી. તમે બજારમાંથી એક જ થેલી લઈને આવો ને કબાટમાં મૂકો, પણ એના બે મહિના પછી કબાટ ખોલો તો અંદર પચીસ થેલીઓ બેઠી હોય. થેલીઓના આવા વસ્તી વધારાનું કારણ આજ સુધી જાણી શકાયું નથી.  

થેલીઓનું પણ આખું વર્ગીકરણ હોય છે. નાની, મોટી, જાડી, પાતળી, કલરફુલ, પારદર્શક, બ્રાન્ડેડ અને ખાસ પ્રસંગ માટેની વી.આઈ.પી. થેલી. કેટલીક બ્રાન્ડેડ થેલીઓ તો એવી પ્રતિષ્ઠિત હોય છે કે તેમાં બટાકા કે ડુંગળી મૂકવાની હિંમત કોઈ કરતું નથી. એ થેલીઓનો ઉપયોગ માત્ર ભેટ આપવા કે કોઈ માનનીય મહેમાનને સામાન આપવાના પવિત્ર પ્રસંગે જ થાય. આપણે વસ્તુને નહીં, થેલીને ઓળખીએ છીએ. `ભૂરી થેલીમાં કામના કાગળ છે.' `લીલી થેલીમાં પૂજાનો સામાન છે.' `લાલ કોથળીમાં દવા છે.' `ફૂલવાળી થેલીમાં જૂના ફોટા છે.' વસ્તુ યાદ ન હોય, પણ થેલીનો રંગ બધાને યાદ હોય!  

અમારા ઘરમાં ચા, દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ, ખાંડ, શાકભાજી, ફ્રૂટ, તેલિયા ફૂડ, કપડાં, જોડાં, ચોપડા, કાગળિયાં, પૂજાનો સામાન ટૂંકમાં કહું તો માણસ સિવાયની લગભગ દરેક વસ્તુ ક્યારેક ને ક્યારેક કોઈ થેલીમાં નિવાસ કરી ચૂકી હોય છે. ઘણીવાર તો એક થેલીની અંદર બીજી, તેની અંદર ત્રીજી અને તેની અંદર ચોથી થેલી હોય છે. એવું લાગે કે થેલી રહસ્યના પડળોવાળી થ્રિલર ફિલ્મ છે.  

મજાની વાત તો એ છે કે જ્યારે ખરેખર થેલીની જરૂર પડે ત્યારે એકેય મળતી નથી. આખું ઘર ઊથલપાથલ થાય. ત્રીસ-ચાલીસ થેલીઓ બહાર આવે, પણ જે કદની જોઈએ એ જ ગાયબ હોય. અંતે દૂધની થેલીમાં શાક અને શાકની થેલીમાં દવા મૂકીને કામ ચલાવવું પડે. મને લાગે છે કે જો સરકાર `થેલી ગણતરી અભિયાન' શરૂ કરે તો માણસની વસ્તી ગણતરી કરતાં વધુ કર્મચારીઓની જરૂર પડે. અર્થશાસ્ત્રીઓ `થેલી સંગ્રહ સૂચકાંક' અને રિસર્ચર `થેલીનો વસ્તી વિસ્ફોટ' પર સંશોધન કરે તો એને નોબેલ પ્રાઇઝ મળે. એક વાત નક્કી છે. ગુજરાતી માટે થેલી માત્ર સામાન લઈ જવાનું સાધન નથી. એ ઘરનું અનૌપચારિક લોકર છે, યાદોની તિજોરી છે અને `ક્યારેક કામ લાગશે' નામના અડગ વિશ્વાસનું સ્મારક છે. ગુજરાતના દરેક ઘરમાં એક થેલી બેન્ક ચાલે છે. આ બેન્કમાં ખાતું ખોલાવવા પૈસાની જરૂર નથી, બસ એક નવી થેલી લઈને ઘરે આવો, ખાતું આપોઆપ ખૂલી જશે અને આખો પરિવાર ગર્વથી બોલી ઊઠશે, `વાહ! આ થેલી તો બહુ કામ લાગશે.'  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો