હિન્દી સિનેમાનાં ગીતો વિશે લખતી વખતે ઘણી વાર આપણે શબ્દો, સંગીત કે ગાયકની વાત કરીએ છીએ, પરંતુ કેટલાંક ગીતો એવાં હોય છે, જે માત્ર સાંભળવા પૂરતાં સીમિત નથી હોતાં; તે કોઈ બીજની જેમ ધીરે-ધીરે આપણા મનમાં બેસી જાય છે, વિચારોમાં ફેલાય છે અને પછી જીવનને સમજવાની એક નવી ચાવી બની જાય છે. ગુલઝારનું `ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા...' એવું જ એક ગીત છે.   


1978માં આવેલી ફિલ્મ `દેવતા'નું આ ગીત પહેલી નજરે એક સરળ પ્રેમગીત લાગે છે. ગુલઝારના શબ્દો, આર. ડી. બર્મનનું સંગીત અને કિશોરકુમાર તથા લતા મંગેશકરના સ્વરો મળીને એક નાજુક રોમેન્ટિક વાતાવરણ સર્જે છે. આ ચાર લોકોને હિન્દી સિનેમા સંગીતમાં બહેતરીન ગીતો આપ્યાં છે, પણ `ગુલમોહર' તેમનું એક અસાધારણ સર્જન છે. કદાચ આ એકમાત્ર ગીત છે, જે સંપૂર્ણપણે એક ઝાડને સમર્પિત છે. આવું સાહસ ગુલઝાર જ કરી શકે.   

આમ રોમેન્ટિક ગીત છે, પણ થોડું ઊંડાણથી સાંભળીએ તો સમજાય છે કે અહીં માત્ર પ્રેમની વાત નથી. અહીં પ્રેમ કેવી રીતે કલ્પનામાં રૂપાંતરિત થાય છે, કેવી રીતે કોઈ વ્યક્તિ આખી પ્રકૃતિનું રૂપક બની જાય છે અને કેવી રીતે માનવમન વાસ્તવિકતાથી આગળ વધીને પોતાની એક નવી દુનિયા રચે છે તેની વાત છે.   

ફિલ્મ `દેવતા' તમિલ નિર્દેશક એસ. રામનાથનની (જેમણે અમિતાભ બચ્ચન સાથે `બોમ્બે ટુ ગોવા' અને `મહાન' બનાવી હતી) પાંચમી હિન્દી ફિલ્મ હતી. તે શિવાજી ગણેશનની તમિલ હિટ ફિલ્મ `ગ્નાના ઓલિ'ની રિમેક હતી. તેમાં સંજીવ કુમાર, શબાના આઝમી, રાકેશ રોશન, ડેની અને સારિકા મુખ્ય ભૂમિકામાં હતાં. તેમાં એક એવા પિતા(સંજીવ કુમાર)ના ત્યાગ, પ્રેમ, અન્યાય, પ્રાયશ્ચિત્ત અને મુક્તિની વાર્તા છે, જે પોતાની દીકરી માટે બધું ગુમાવી દે છે.   

આ `ગુલમોહર' ગીત રાકેશ અને સારિકા પર ફિલ્માવાયું હતું. ગીત ફિલ્મમાં એ સંદર્ભમાં આવે છે જ્યાં તે બંને વચ્ચેનો પ્રેમ માત્ર આકર્ષણ કે સંવાદ સુધી સીમિત નથી રહેતો; તે એક એવી અવસ્થામાં પ્રવેશી રહ્યો છે જ્યાં પ્રેમી-પ્રેમિકા એકબીજાને નવી નજરથી જોવાનું શરૂ કરે છે. પ્રેમમાં આ એક વિશિષ્ટ ક્ષણ હોય છે. વ્યક્તિ સામેની વ્યક્તિને માત્ર તેના નામ, ચહેરા કે વ્યક્તિત્વથી ઓળખતી નથી; તે તેના માટે નવા અર્થો શોધવા લાગે છે. આ જ માનસિક અવસ્થાને ગુલઝારે ગીતમાં કાવ્યનું સ્વરૂપ આપ્યું છે.   

ગીતની શરૂઆત જ એક અદ્ભુત કલ્પનાથી થાય છે; `જો તારું નામ ગુલમોહર હોત તો?'   

આ એક સામાન્ય પ્રશ્ન નથી. વાસ્તવમાં નામ બદલવાથી કંઈ બદલાતું નથી, પરંતુ પ્રેમના પ્રદેશમાં તર્ક કરતાં કલ્પના વધુ શક્તિશાળી હોય છે. પ્રેમમાં માણસ ઘણી વાર સામેની વ્યક્તિને તે જેવી છે તેવી જોતો નથી; તે તેને પોતાના અનુભવ, સ્મૃતિ અને સ્વપ્નોના રંગોથી રંગીને જુએ છે. મનોચિકિત્સામાં આ પ્રક્રિયાને Idealization કહેવામાં આવે છે. આપણે પ્રિય વ્યક્તિને થોડી વધારે સુંદર, થોડી વધારે અર્થસભર અને થોડી વધારે વિશેષ બનાવી દઈએ છીએ.   

ગુલઝાર અહીં પ્રેમિકાને ગુલમોહરનું નામ આપે છે. નોંધવા જેવી વાત એ છે કે તેમણે ગુલાબ, કમળ કે ચંપા પસંદ નથી કર્યું. તેમણે ગુલમહોર પસંદ કર્યું. ગુલમહોર એવું વૃક્ષ છે જે વર્ષના મોટાભાગના સમયમાં સામાન્ય દેખાય છે, પરંતુ વર્ષાઋતુના આગમન પહેલાંની કાળઝાળ ગરમી તે જ્યારે ખીલે, ત્યારે આખું આકાશ તેનાં ફૂલોની આગથી રંગાઈ જાય છે.   

પ્રેમ પણ ઘણી વાર આવો જ હોય છે. લાંબા સમય સુધી શાંત અને અદૃશ્ય રહેલી લાગણીઓ એક દિવસ અચાનક એવી તીવ્ર રીતે ખીલી ઊઠે છે અને પછી દુનિયાનો આખો રંગ બદલાઈ જાય છે.   

ગુલઝારે અહીં દિલચસ્પ મનોવૈજ્ઞાનિક પક્ષ પ્રસ્તુત કર્યો હતો; પ્રેમી માત્ર પ્રેમિકાને એક ફૂલ કે વૃક્ષ સાથે સરખાવતો નથી, તે આખી દુનિયાને તેના નામની આસપાસ ફરીથી ગોઠવવા લાગે છે. જો તેનું નામ ગુલમોહર હોત તો વસંતની ઓળખ પણ કદાચ બદલાઈ જાત. જાણે પ્રકૃતિ પોતે તેના અસ્તિત્વમાંથી અર્થ મેળવતી હોય. ગુલઝાર લખે છે:   

આયેગી બહારેં તો, અબકે ઉન્હેં કહના જરા, ઇતના સુને   

મેરે ગુલ બિના, ઉનકા કહાં બહાર નામ હોતા   

અર્થાત્, હવે વસંત આવે તો તેને કહેજો કે મારા ફૂલ વગર તેને કોણ વસંત ગણવાનું છે?   

મનુષ્યનું મગજ નામો અને પ્રતીકો દ્વારા વિચારે છે. કોઈ વ્યક્તિને આપણે જે ઉપમા આપીએ છીએ તે ઉપમા ધીમે ધીમે આપણા અનુભવનો ભાગ બની જાય છે. કોઈને `ચાંદ' કહીએ (જે ગુલઝારનાં ગીતો અને કવિતામાં સૌથી વધુ વખત આવે છે. આ જ ફિલ્મમાં બીજું એક ગીત `ચાંદ ચુરા કે લાયા હૂં, ચલ બૈઠે ચર્ચ કે પીછે' પણ એટલું જ સુંદર છે) તો તેના પ્રત્યેની લાગણી અલગ બને છે; કોઈને `ગુલમોહર' કહીએ તો અલગ. ગુલઝાર આ માનસિક પ્રક્રિયાને અત્યંત સૂક્ષ્મ રીતે પકડી લે છે. તેઓ જાણે કહે છે કે પ્રેમ એ વ્યક્તિને બદલવાની પ્રક્રિયા નથી; પ્રેમ એ તેને જોવા માટે નવી ભાષા શોધવાની પ્રક્રિયા છે. એટલે જ તેઓ કલ્પના કરે છે; ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા. મૌસમ-એ-ગુલ કો હંસાના ભી હમારા કામ હોતા.   

આ ગીતની બીજી વિશેષતા એ છે કે તેમાં પ્રેમનો માલિકીભાવ નથી. અહીં `તું મારી છે' જેવી કોઈ ઘોષણા નથી. અહીં પ્રેમ અધિકાર તરીકે નહીં, સર્જન તરીકે વ્યક્ત થાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં પ્રેમનાં બે સ્વરૂપોની વાત થાય છે; એક એવો પ્રેમ જેમાં વ્યક્તિ સામેની વ્યક્તિને પ્રાપ્ત કરવા માંગે છે અને બીજો એવો પ્રેમ જેમાં વ્યક્તિ સામેની વ્યક્તિના અસ્તિત્વથી પોતાની દુનિયા વધુ સુંદર મહેસૂસ કરે છે.

`ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા' બીજા પ્રકારના પ્રેમનું ગીત છે. અહીં પ્રેમી પ્રેમિકાને પોતાની કરવા માંગતો નથી; તે માત્ર તેની હાજરીથી પોતાની કલ્પનાની દુનિયા ખીલતી મહેસૂસ કરતો રહે છે.   

એક મુખડા અને બે અંતરાનું સૌથી ટૂંકું ગીત છે, પણ તેનો પ્રભાવ મહાકાવ્ય જેવો છે. આ જ ગુલઝારની કમાલ છે. આખું ગીત `જો આવું હોત તો...' જેવી સંભાવનાઓ પર ટકેલું છે. મનોવિજ્ઞાનમાં તેને Counterfactual Thinking કહેવામાં આવે છે; એટલે કે એવી દુનિયાની કલ્પના કરવી જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી.

રસપ્રદ વાત એ છે કે સર્જનાત્મકતા અને કવિતાનો મોટો ભાગ આ જ પ્રક્રિયામાંથી જન્મે છે. વૈજ્ઞાનિક એવો પ્રશ્ન પૂછે છે : `શું છે?' જ્યારે કવિ પૂછે છે : `જો આવું હોત તો?' ગુલઝારનું સમગ્ર ગીત આ બીજા પ્રશ્નમાંથી જન્મે છે.   

શબ્દોની આ દુનિયાને આર. ડી. બર્મનનું સંગીત અસાધારણ સહયોગ આપે છે. સામાન્ય રીતે આર. ડી. બર્મનનું નામ આવે ત્યારે ઊર્જા, પ્રયોગ અને નવીનતાની યાદ આવે છે, પરંતુ અહીં તેઓ એકદમ જુદા દેખાય છે. તેમણે સંગીતને શબ્દોથી આગળ ધકેલ્યું નથી; તેને પાછળ શાંત ઊભું રાખ્યું છે. ધૂન જાણે ગીતને કહે છે; `હું તારી સાથે છું, પરંતુ તારા પર હાવી નહીં થાઉં.'   

ગીતની ગતિ ધીમી છે, પ્રવાહી છે, ઉતાવળ વિનાની છે. તેમાં કોઈ નાટકીય ઉછાળો નથી. આ ધીમી ગતિ અત્યંત અર્થપૂર્ણ છે, કારણ કે કલ્પના હંમેશાં ધીમે ધીમે ખીલે છે. જેમ ગુલમહોરના વૃક્ષ પર એકસાથે બધાં ફૂલો નથી આવતાં, તેમ આ ગીતમાં પણ ભાવનાઓ ધીમે ધીમે ખૂલતી જાય છે.   

કિશોરકુમાર અને લતા મંગેશકરે આ ગીતને અદ્ભુત ન્યાય આપ્યો છે. લતાના અવાજમાં તો સાહજિક રીતે જ લિરિકલ (ઊર્મિપ્રધાનતા) છે, પણ કિશોરના અવાજમાં જે રોમેન્ટિસિઝમ અને રમતિયાળપણું છે તે આ ગીતને ગુલમહોરના ઝાડની જેમ જ ચંચળ બનાવે છે. અહીં બંને પ્લેબેક સિંગર નથી, પણ બે આંતરિક અવાજો છે.   

એક કલ્પના શરૂ કરે છે, બીજો તેને આગળ વધારે છે. એક સ્વપ્ન જુએ છે, બીજો તેમાં રંગ ભરે છે. પરિણામે ગીત એક સંવાદ જેવું લાગે છે; એવો સંવાદ જે કદાચ બે પ્રેમીઓ વચ્ચે ચાલે છે, પરંતુ એટલો જ કદાચ એક વ્યક્તિના પોતાના મનમાં પણ ચાલતો હોય છે.   

આ ગીતમાં મૌનનો પણ એટલો જ મહત્ત્વનો હિસ્સો છે જેટલો શબ્દોનો. પંક્તિઓ વચ્ચેની ખાલી જગ્યાઓ, વાદ્યોની સંયમિત હાજરી અને સ્વરોની નાજુક અવરજવર, આ બધું મળીને એવી જગ્યા બનાવે છે જ્યાં શ્રોતા પોતાના અનુભવને મૂકી શકે. મહાન કવિતા અને મહાન સંગીત બંનેની એક ખાસિયત હોય છે : તેઓ બધું કહી દેતા નથી. તેઓ થોડુંક ખાલી રાખે છે, જેથી શ્રોતા પોતાની લાગણીઓથી તેને પૂર્ણ કરી શકે.   

ગુલઝારની રચનાઓમાં પ્રકૃતિ માત્ર પૃષ્ઠભૂમિ નથી. વૃક્ષો, પાંદડાં, ફૂલો, વરસાદ, પવન, આ બધું તેમની કવિતામાં જીવંત પાત્રોની જેમ વર્તે છે, પરંતુ `ગુલમોહર'માં તેઓ એક ડગલું આગળ વધે છે. અહીં પ્રકૃતિ અને પ્રેમિકા વચ્ચેની સરહદ જ અદૃશ્ય થઈ જાય છે. પ્રેમિકા વૃક્ષ બની જાય છે અને વૃક્ષ પ્રેમિકાનું નામ ધારણ કરી લે છે.   

કદાચ આ જ ગીતનું સૌથી મોટું સૌંદર્ય છે.   

સામાન્ય માણસ પ્રેમમાં પડે છે અને કહે છે, `તું સુંદર છે.'   

કવિ પ્રેમમાં પડે છે અને કહે છે, `જો તારું નામ ગુલમોહર હોત તો આખી વસંત તારા નામે ઓળખાત.'   

આ બે વાક્યો વચ્ચે જ કવિતા અને જીવનનો તફાવત છુપાયેલો છે.   

આ ગીત આપણને પ્રેમ વિશે જેટલું શીખવે છે, એટલું જ સર્જનશક્તિ વિશે પણ શીખવે છે. મહાન સર્જકો ચીજોને તે જેવી છે તેવી જ નથી જોતા. તેઓ તેમને નવી રીતે નામ આપે છે. તેઓ દુનિયામાં એવા સંબંધો શોધે છે જે બીજાને દેખાતા નથી. ગુલઝારે એક સ્ત્રી અને એક વૃક્ષ વચ્ચે એવો જ એક સંબંધ શોધ્યો અને પછી એ સંબંધને શબ્દો, સંગીત અને સ્વરોમાં એટલી સુંદર રીતે ગૂંથ્યો કે દાયકાઓ પછી પણ ગીત માત્ર સંભળાતું નથી, તે ખીલે છે.   

બિલકુલ ગુલમહોરનાં ફૂલોની જેમ. 

  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: