અનુજ કુમાર નામના ફિલ્મ વિવેચકે 2014માં `ધ હિંદુ' સમાચારપત્રમાં લખ્યું હતું, `26 વર્ષથી ધોબીને ત્યાં પડી રહેલો ડ્રેસ પહેરવાલાયક રહ્યો હોય? વેલ, ગુલઝારની `લિબાસ' ખાલી ઇસ્ત્રીટાઇટ જ નહીં, રોફ મારવા માટે પણ ફિટ છે. `લિબાસ'ની ક્રીઝમાં આપણા જૂઠ અને સચ્ચાઈની ઉપેક્ષા છુપાયેલી છે. ગુલઝાર કોઈક ચોરની જેમ તમારા અંતરઆત્મામાં ઘૂસીને તેને જાહેરમાં લઇ આવે છે. તમારી આંખો અને હોઠ જ્યારે લાગણીઓને દગો આપવા લાગે, તો એમ થાય કે ઘૂસણખોરી માટે ચોરને પકડીને દંડ કરીએ, પણ ત્યાં તો ગુલઝાર પડદા પર તેની કવિતા રચીને તમને મોહિત કરી નાખે.'
30 વર્ષ પહેલાં 1988માં બનેલી નસીરુદ્દીન શાહ-શબાના આઝમી-રાજ બબ્બર અભિનીત ગુલઝારની ફિલ્મ `લિબાસ' તમે ન જોઈ હોય તે શક્ય છે. તે આજ સુધી થિયેટરમાં રિલીઝ થઇ નથી. ભારતમાં અત્યાર સુધીમાં તેનું બે જ વાર જ સ્ક્રીનિંગ થયું છે; 1992 અને 2014ના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં. 2017માં એવા સમાચાર આવ્યા હતા કે, `લિબાસ'ને વિધિસર રીતે રિલીઝ કરવામાં આવશે, પણ ત્યારેય થિયેટરમાં ફિલ્મ જોવા મળી
ન હતી.
આગલા જ વર્ષે 2016માં ફિલ્મના નિર્માતા અને ટ્રેડ મેગેઝિન `સુપર સિનેમા'ના એડિટર વિકાસ મોહનનું અવસાન થયું હતું. એવું કહેવાય છે કે જે તે સમયે તેમના પર આવકવેરાની જબ્બર ઉઘરાણી હતી અને તેમણે તેમાંથી બચવા માટે નાદારી નોંધાવી હતી. તેમને હતું કે તેઓ જો `લિબાસ'ને રિલીઝ કરશે, તો સરકાર તેમને ફ્રોડના કેસ જેલમાં પૂરી દેશે.
બીજી વાત એવી પણ છે કે વિકાસ મોહન ફિલ્મમાં અમુક ફેરફાર ઇચ્છતા હતા અને ગુલઝાર તેને પોતાની રીતે જ બનાવવા ઇચ્છતા હતા. ફિલ્મના અંતે શબાનાનું પાત્ર કયા નાયકને અપનાવે છે તે ગુલઝારે દર્શકો પર છોડ્યું હતું, પણ નિર્માતાની જિદ્દ હતી કે તે રાજ બબ્બરના નાયકને સ્વીકારે અને `ખાધું, પીધું ને રાજ કર્યું'ના ભાવ સાથે ફિલ્મ પૂરી થાય. ગુલઝારે ના પાડી એટલે નિર્માતાએ ફિલ્મને રિલીઝ કરવાનો ઇનકાર કરી દીધો. આંટીઘૂંટીના કારણે એક બહેતરીન ફિલ્મ ડબ્બામાં
પડી રહી.
ગુલઝાર ગામડાના હોવાથી તેમને શહેરી યુગલોના સંબંધોના ગૂંચવાડા બહુ આકર્ષે છે. દાખલા તરીકે, આંધી, પરિચય, નમકીન, ખુશ્બૂ અને લેકિન. `લિબાસ' પહેલાં આગલા જ વર્ષે તેમણે નસીરુદ્દીન શાહ-રેખા-અનુરાધા પટેલને લઈને `ઈજાજત' બનાવી હતી. તેમાં વિવાહિત જીવનમાં બીજી સ્ત્રીની હાજરીથી સર્જાતી કશ્મકશની વાત હતી. `ઈજાજત'માં તો હજુય ગુલઝારે માનવીય લાગણીઓની `ઈજ્જત' રાખી હતી, કારણ કે એક પુરુષ એકસાથે બે સ્ત્રીઓને ચાહતો હોય તેની આપણા સમાજમાં નવાઈ નથી, પણ `લિબાસ'માં તો તેમણે માણસોની સચ્ચાઈનાં રહ્યાં-સહ્યાં કપડાં કાઢી નાખ્યાં.
`ઈજાજત'માં પતિ તેની આગળની ગર્લફ્રેન્ડથી અળગો નથી થયો તે જાણીને પત્ની બંનેને જગ્યા આપવા માટે થઈને ઘર છોડી જાય છે તેવી વાર્તા હતી, તો `લિબાસ'માં ગુલઝારે સાહસ કરીને એવી સ્ત્રીનું પાત્ર પેશ કર્યું હતું જે સુખ માટે ઘર બહાર જાય છે અને પતિ તેને જગ્યા કરી આપે છે.
સુધીર ભારદ્વાજ (નસીરુદ્દીન શાહ) મહત્ત્વાકાંક્ષી નાટ્ય નિર્દેશક છે. સીમા (શબાના આઝમી) તેનાં નાટકોની નાયિકા પણ છે અને પત્ની પણ. સુધીર તેના કામને બહુ પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે સીમા પણ એટલી જ સમર્પિત રહે. સુધીર અણિશુદ્ધ પર્ફોર્મન્સનો આગ્રહી છે અને ભૂલ થાય તો બીજા કલાકારોની જેમ સીમા પર પણ બધાની સામે ત્રાડો પાડે છે. એક જગ્યાએ રિહર્સલમાં સુધીર સીમાને કહે છે, `ખાના બનાના ભૂલ જાઓગી તો બર્દાશ્ત કર લૂંગા, ડાયલોગ ભૂલ જાઓગી તો કભી બર્દાશ્ત નહીં કરૂંગા.'
કળાને સમર્પિત યુગલની આ સાર્વજનિક નોકઝોક પાછળ અસુખ અને અસંતોષનો લાવા સળગે છે. બંને સુખી છે, પણ સીમા પણ સ્વતંત્ર દિમાગની સ્ત્રી છે. તેને સુધીરનો હાવી થઇ જવાનો આ સ્વભાવ પસંદ નથી. સીમાને વિવાહમાં એકલતાનો અનુભવ પણ કોરી ખાઈ રહ્યો છે. ગુલઝાર સીમાના આ ભાવને હોશિયારીથી અભિવ્યક્ત કરે છે. સીમાને પડોશના એક દેખાવડા છોકરામાં રસ પડે છે. એ છોકરો દૂધી છોલવાની છીણી માગવા આવ્યો હોય છે! એક યુવા સ્ત્રીને શરીરની ભૂખ છે તે હકીકતને રસોડાના માધ્યમથી વ્યક્ત કરવાનું કામ ગુલઝાર જ કરી શકે.
એવામાં સુધીરના બાળપણના દોસ્ત ટી.કે.(રાજ બબ્બર)નું આગમન થાય છે. તે એટલો સાહજિક છે કે સુધીર સીમા કરતાં પણ વધુ તેના દોસ્ત સાથે ખૂલીને વાતો કરે છે. ટી. કે.ને પણ સીમાની સુંદરતા આકર્ષે છે. ત્રણે દોસ્તો અવારનવાર મળતાં રહે છે. એ મુલાકાતોમાં એક સંબંધ ઉછરી રહ્યો હતો, તો બીજો કરમાઈ રહ્યો હતો. સુધીરને તેનાં નાટકોમાંથી નથી, તો બિઝનેસમેન ટી. કે. પાસે સમય જ સમય છે.
સીમાની એકલતા અને નાટકોનું બોરડમ આગમાં ઘી બનીને ટપકે છે. ત્રણેને કશું સમજાય તે પહેલાં સીમા અને ટી.કે.ની ઘનિષ્ઠતા તેમના આપસી સંબંધોમાં વળ ચઢાવીને ગૂંચવી નાખે છે. ગુલઝારે અત્યંત માર્મિક રીતે સીમાના જીવનમાં બે પુરુષોને પેશ કર્યા હતા. સુધીર માટે તેનું થિયેટર પહેલાં હતું અને સીમા પછી હતી. ટી. કે. માટે સીમા પહેલાં હતી અને તેનો બિઝનેસ પછી હતો.
સુધીર સાથે બોર થઇ ગયેલી સીમાને ટી.કે.માં એ બધું જ દેખાતું હતું, જેની તેને ઈચ્છા હતી. કોઈને એવું લાગે કે સુધીર આ કહાનીમાં વિલન છે, પણ ગુલઝારની ફિલ્મોમાં વિલન નથી હોતા, માણસો હોય છે. `ઈજાજત'માં સુધા(રેખા)એ માયા(અનુરાધા પટેલ)ને વિલન ગણાવી ન હતી. `ઈજાજત'માં રેખાએ નસીરુદ્દીન શાહને માયાને અપનાવી લેવા સલાહ આપી હતી. `લિબાસ'માં નસીરુદ્દીન શાહ શબાના આઝમીને રાજ બબ્બરને અપનાવી લેવા સલાહ આપે છે.
ગુલઝાર આ વાત ખૂબસૂરતીથી મૂકે છે. એક દિવસ સુધીર સીમા અને ટી.કે.ને સામસામા લાવીને મૂકી દે છે અને કહે છે કે તેને સારી રીતે ખબર છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. સુધીર મુખર્જી નામના એક કાલ્પનિક વ્યક્તિ અને તેની પત્નીની વાત કરે છે. સુધીર અચ્છો એક્ટર છે, એટલે મુખર્જીના નામે પોતાની જ વાત કરે છે અને ધીમે-ધીમે તે સીમા અને ટી. કે.ને તેમની અસલિયત પર લઇ આવે છે. સીમા નિર્દોષતામાં બોલી જાય છે, `આખિર શાદીશુદા ઔરત હૈ, ક્યા ઇતના નહીં સમજતી? ઇતની મેચ્યોર નહીં હોંગી કિ...'
સુધીર વચ્ચે બોલીને મુદ્દા પર આવે છે,
`ઇતની મેચ્યોર હો તુમ? ઇતના સમજતી હો કિ જિસ રાહ પે જા રહી હો, જિસકે સાથ જા રહી હો વો ઝૂઠમૂઠ કા કોઈ ડ્રામા તો નહીં કર રહા હો?'
ટી. કે. છોભીલો પડીને ત્યાંથી જતા રહેવા માટે ઊભો થાય છે અને કહે છે કે આ પતિ-પત્ની વચ્ચેનો મામલો છે અને તે બહારનો માણસ છે. તે વખતે સુધીર તેને કહે છે, `બૈઠ જાઓ ટી.કે. તુમ કોઈ બચ્ચે નહીં હો. બૈઠ જાઓ. દેખો ટી.કે., ઇન રિશ્તોં મેં કાનૂની, ગૈર કાનૂની કુછ નહીં હોતા. કાનૂનન કોઈ પત્ની નહીં બનતી, કાનૂનન કોઈ શોહર નહીં હોતા. લો હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. હમ જબરદસ્તી ઇન રિશ્તોં પર કાનૂની મોહરેં લગાતે હૈં. આજ તક કોઈ કિસી કો આતે નહીં રોક સકા ઔર ના કિસી કો જાતે થામ સકા હૈ ઔર મૈં યે કેન્સર લે કર નહીં ઘૂમ સકતા. તુમને ઠીક કહા, અગર સીમા મેરે સાથ નહીં રહના ચાહતી તો મુઝે કોઈ જબરદસ્તી નહીં કારની ચાહિયે, મૈં નહીં કરૂંગા, લેકિન મૈં ઇસે રાસ્તે પર નહીં છોડ સકતા. મૈં તુમ્હારા ફૈસલા જાનના ચાહતા હૂં. તુમ દોનોં કા ફૈસલા જાનના ચાહતા હૂં. અગર તુમ દોનોં ફ્લર્ટ નહીં કર રહે હો, એક દૂસરે કો ધોખા નહીં દે રહે હો, સચમુચ એક દૂસરે કો ચાહતે હો, તો હાથ પકડો ઔર નિકલ જાઓ ઇસ ઘર સે.'
સુધીરથી અલગ થઇને બીજા શહેરમાં ટી. કે. સાથે રહેતી સીમામાં પતિ માટે દરકાર અને સહાનુભૂતિ રહી જાય છે. એકવાર ગુમસૂમ બેઠેલી સીમાને ટી.કે. પૂછે છે પણ ખરો, `શું થયું, સુધીરની યાદ આવી ગઈ?' સીમા ખાલી `હમ્મ' કહીને ચૂપ રહે છે. ત્યારે ટી. કે. કહે છે;
`એટલે જ લગ્ન કરીને હું તને અહીં લઇ આવ્યો. ખબર હતી, ત્યાં રહી હોત તો અતીત યાદ આવત. અતીત ખરાબ હોય સીમા, તો માણસ ધૂળની જેમ ખંખેરી નાખે, ખતમ કરી દે, પણ સુધીર જેવો. તેને મારા પર અંધવિશ્વાસ હતો. જે પણ થયું, મને તેનો અફસોસ નથી, જરા પણ નહીં. બસ એટલું જ છે કે તું મારા કોઈ દોસ્તને ત્યાં ન હોત, તો સારું થાત, કારણ કે તું જ્યાં પણ હોત, હું આવું જ કરત. હું તને પ્રેમ કરત.'
આર. ડી. બર્મને તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ સંગીત ગુલઝારની ફિલ્મોમાં આપ્યું છે. `લિબાસ' તેનો વધુ એક પુરાવો છે. તેમાં ચાર ગીતો હતાં અને ચારેય ખૂબસૂરત હતાં. વિશેષ તો લતા મંગેશકરના અવાજમાં `સિલી હવા' ગીતમાં સીમાને સુધીર માટે આવેલી અંતરની પીડા હતી. ગુલઝારે એમાં લખ્યું હતું:
જીતને ભી તય કરતે ગયે, બઢતે ગયે યે ફાસલે
મિલોં સે દિન છોડ આયે, સાલોં સે રાત લેકે ચલે
સિલી હવા છૂ ગઈ, સીલા બદન છિલ ગયા
2014માં ફિલ્મ ફેસ્ટિવલમાં `લિબાસ' પ્રદર્શિત થઇ, ત્યારે દર્શકગણમાં ગુલઝાર પણ હતા. ફિલ્મને પડદા પર જોવાની લાગણીને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા ગુલઝારે ત્યારે હસતાં-હસતાં કહ્યું હતું, `દોસ્તો, હું પણ એટલો જ ફિલ્મ માટે ક્યુરિયસ છું, જેટલા તમે છો. તમે પણ ફિલ્મ નથી જોઈ અને મેં પણ નથી જોઈ.'
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
