સામાન્ય રીતે હિપોપોટેમસનું જીવન 25થી 30 વર્ષનું જ હોય છે. ઘણીવાર કેટલાક હિપોપોટેમસ 32થી 35 વર્ષ સુધી પણ પોતાનું આયુષ્ય ભોગવી લેતા હોય છે, પરંતુ કોઇ હિપોપોટેમસ 50 વર્ષથી પણ વધુ જીવન જીવી રહ્યો છે તો તે આશ્ચર્યની વાત છે. અમેરિકાના એક હિપોપોટેમસે થોડા દિવસ પહેલાં જ પોતાનો 52મો જન્મદિવસ મનાવ્યો હતો અને તે હાલમાં પણ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત જોવા મળે છે. 20 નવેમ્બર, 2025ના રોજ સેન ડિએગો હ્યુમન સોસાયટીના રમોના વન્યજીવ કેન્દ્રમાં આ હિપોપોટેમસનો બર્થડે પણ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ભારતમાં પણ એક ભેંસનો બર્થડે ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. પ્રસ્તુત હિપોપોટેમસનું નામ હન્ના છે અને તે માદા પિગ્મી હિપોપોટેમસ છે. આ પ્રજાતિ હવે લુપ્ત પ્રાય ગણવામાં આવે છે, કારણ કે દુનિયાભરમાં જોવા મળતા હિપોપોટેમસ કદાવર હોય છે જ્યારે આ પિગ્મી હિપોપોટેમસ કદમાં નાના અને એકદમ ક્યૂટ લાગતા હોય છે. અલબત્ત, તેને જોઇને તેની ઉંમરનો અંદાજો પણ લગાવી શકાતો નથી. હન્ના અહીં ખૂબ જ પ્રેમથી રહે છે અને જે તે મુલાકાતીઓ પણ આ હન્ના હિપોપોટેમશને જોઇને ખૂબ જ રાજી થાય છે.
આ પિંક નહીં, પણ વ્હાઇટ સિટી છે!
કલરને લઈને, પોતાના વિસ્તારના કદને લઈને અથવા તો હેરિટેજ લુકના લીધે કેટલાંક સિટી દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરતાં હોય છે. જો કલરની વાત કરીએ તો ભારતના રાજસ્થાનમાં આવેલું જયપુર પિન્ક સિટી તરીકે દુનિયાભરમાં ફેમસ છે અને તુર્કમેનિસ્તાનમાં આવેલું તેનું કેપિટલ અશ્ગાબાદ વ્હાઇટ સિટી તરીકે પણ દુનિયાભરમાં ફેમસ છે. અહીં તમને મોટાભાગની ઈમારતો વ્હાઇટ રંગમાં જ જોવા મળશે! એટલું જ નહીં, પરંતુ અહીં તમને રસ્તાઓ, બસસ્ટેશન, લેમ્પ, પોસ્ટ તેમજ કાર પણ વ્હાઇટ રંગનાં જ જોવા મળશે. આ સિટીને લઇને આશ્ચર્યની વાત એ છે કે, અહીં માત્ર વ્હાઇટ કાર જ ચલાવી શકાય છે! તમે અન્ય કલરની કાર અહીં ચલાવી શકતા નથી. જો તમે અન્ય કલરની કાર ચલાવો છો તો પોલીસ તમારી કારને જપ્ત તો કરી જ લે છે અને દંડ પણ ફટકારે છે. આ અજીબોગરીબ નિયમની શરૂઆત વર્ષ 2018માં પૂર્વ રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બેદીમુખામેદોવે કરી હતી, કારણ કે તેમને વ્હાઇટ રંગ ખૂબ જ પસંદ હતો! મૂળ આ અશ્ગાબાદ `વ્હાઇટ માર્બલ સિટી' તરીકે વિશ્વવિખ્યાત છે. આ વ્હાઇટ માર્બલ સિટીને જોવા દુનિયાભરના પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.
6 ફૂટ 3 ઈંચના માણસે 119 ટનની હોડી હાથથી ખેંચી!
માનવ પોતાની આંતરિક શક્તિને ઓળખી શકતો નથી અને જે માનવ પોતાની આંતરિક શક્તિને ઓળખી જાણે છે, તે એવું કરતબ કરે છે જેની નોંધ સમગ્ર વિશ્વ લે છે. કેનેડાના વેસ્લી `મૂસ' ડેર વિન્સકીએ પણ પોતાની આંતિરક શક્તિ ઓળખીને એક એવો ગિનીસ રેકોર્ડ નોંધાવ્યો છે જેની નોંધ આખા વિશ્વમાં લેવામાં આવી છે. વેસ્લીએ એક કોમ્પિટિશનમાં પોતાના હાથ દ્વારા અંદાજિત 119 ટનની મોટી હોડી ખેંચી હતી. આ હોડીમાં 130થી કરતાં પણ વધુ માણસો સવાર હતા. વેસ્લીએ કુલ 65 ફૂટ સુધી આ હોડી ખેંચી રાખી હતી! આશ્ચર્યની વાત એ છે કે, વેસ્લી પોતે 6 ફૂટ 3 ઇંચની હાઇટ ધરાવે છે અને તેનું વજન 145 કિગ્રા. છે. તેમ છતાં તેના આ સાહસની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. મૂળ આ કોમ્પિટિશન અમેરિકાના ઓહિયો રાજ્યના સેન્ડસ્કી શહેરમાં સ્ટ્રોંગમેન ચેમ્પિયન્સ લીગ(SCL)ના નામે યોજવામાં આવી હતી. આ કોમ્પિટિશનમાં કુલ 15 સ્પર્ધકો હતા. વેસ્લીએ આ રેકોર્ડ નોંધવા માટે માત્ર 1 મિનિટ અને 21 સેકન્ડનો જ સમય લીધો હતો. નોંધનીય છે કે વેસ્લી છેલ્લાં બાર વર્ષથી આ કોમ્પિટિશનમાં ભાગ લઇ રહ્યા છે.