વિશ્વમાં અમુક એવાં સ્થળો આવેલાં છે, જેને જોઇને આપણને આશ્ચર્ય થાય અને તેની રચનાને લઇને મનમાં અનેક સવાલો ઉત્પનન થાય.
એવું જ એક સ્થળ ભુતાનમાં છે, જેને પારો તાત્સાંગ કહે છે. તેને વિશ્વભરમાં ટાઇગર્સ નેસ્ટ અથવા લટકતા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા ઇતિહાસ, સ્થાપત્યની જટિલતા અને આધ્યાત્મિક રહસ્યોથી ભરપૂર છે.
900 મીટર સીધા ચઢાણવાળા પર્વત પર આટલી મોટી ઇમારત બાંધવી એ આજના આધુનિક યુગમાં પણ પડકારજનક છે. તો 17મી સદીમાં તે કેવી રીતે બન્યું હશે તે વિચારવા જેવું છે. આ મઠમાં કુલ ચાર મુખ્ય મંદિરો અને આઠ રહેણાક મકાનો છે, જે એકબીજા સાથે લાકડાના પુલ અને ખડકોમાં કોતરેલા દાદરથી જોડાયેલા છે. આ ઇમારતો પહાડના પથ્થરો સાથે જડાયેલી છે. તેની દીવાલો સફેદ ચૂનાથી રંગેલી છે અને ઉપરના ભાગમાં લાલ રંગનો પટ્ટો અને સોનેરી છત છે, જે તેને ક્લાસિક ભુતાની શૈલી આપે છે.
ગુફાનું ધાર્મિક મહત્ત્વ
આ સ્થળનું નામ તાત્સાંગ એટલે કે વાઘનું રહેઠાણ કેવી રીતે પડ્યું. તેની પાછળ એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા છે. એવું કહેવાય છે કે 8મી સદીમાં જ્યારે ભૂતાન અને તિબેટના વિસ્તારોમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી રહ્યો હતો, ત્યારે ગુરુ પદ્મસંભવે પવિત્ર વાઘણનું રૂપ ધારણ કરેલી પોતાની પત્ની પર સવાર થઇને અહીં ઊતરણ કર્યું હતું. તેમણે પર્વતની એક સાંકડી ગુફામાં કઠોર તરસ્યા કરી અને આઠ શક્તિશાળી રૂપો ધારણ કર્યાં. આ તપસ્યા દ્વારા તેમણે સ્થાનિક અસુરોને પરાજિત કર્યા અને આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. આજે પણ તે મુખ્ય ગુફા વર્ષમાં એક જ વાર દર્શન માટે ખોલવામાં આવે છે. ગુરુ પદ્મસંભવ પછી આ સ્થળ મહાન સાધુઓ અને ધ્યાન ધરનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 9મી સદીમાં તિબેટિયન વિદ્વાનો અહીં સાધના કરવા આવતા હતા. 12મી સદીમાં લાપા લ્હાનપા જેવા મહાન ગુરુઓએ અહીં સાધના કરી હતી. 14મી સદીમાં સોંગ પિનલોપ નામના શાસકે અહીં એક નાનું મંદિર બનાવ્યું હોવાના પુરાવા મળે છે. વર્તમાનમાં જે મઠ આપણે જોઇએ છીએ તે ઘણો પછી બન્યો હતો.
દેવદૂત દ્વારા મઠનું નિર્માણ
આ સ્થળ સદીઓથી પવિત્ર હતું, પરંતુ ત્યાં ભવ્ય મઠનું નિર્માણ 17મી સદીમાં કરવામાં આવ્યું હતું. ભુતાનના તે સમયના ચતુર્થ દ્રુક દેસી ગ્યાત્સે તેનઝિન રબગ્યેએ આ પવિત્ર ગુફાની આસપાસ મઠ બાંધવાનો પાયો નાખ્યો હતો. તેમણે ગુરુ રિનપોચેના સન્માનમાં આ મઠ બનાવ્યો હતો. એવું કહેવાય છે કે બાંધકામ દરમિયાન ઘણા ચમત્કારો થયા હતા. પર્વતની ધાર પર પથ્થરો ચડાવવા અશક્ય હતાં, ત્યારે સ્થાનિક લોકો માનતા હતા કે દેવદૂતોએ બાંધકામમાં મદદ કરી હતી.
વિનાશ અને પુનઃ નિર્માણ
1998માં એક દુઃખદ ઘટના બની હતી. મઠના મુખ્ય હિસ્સામાં અચાનક ભયાનક આગ લાગી હતી. આ આગમાં અનેક પ્રાચીન મૂર્તિઓ, અમૂલ્ય હસ્તપ્રતો અને ભીંતચિત્રો બળીને રાખ થઇ ગયાં હતાં. દુર્ગમ રસ્તો હોવાને કારણે ફાયર બ્રિગેડ કે કોઇ મદદ પહોંચી શકી નહોતી. માત્ર એક સાધુ આ ઘટનામાં બચી શક્યા હતા. એકાએક ભયાનક આગ કઇ રીતે લાગી એ રહસ્યમય હતું. ભુતાનના રાજા જિગ્મે સિંગ્યે વાંગચૂકના નેતૃત્વમાં તરત જ પુનઃનિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. 2005 સુધીમાં આ મઠને ફરીથી તેના મૂળ વૈભવ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો.
પારો તાત્સાંગનાં સાત મંદિરો
ઇતિહાસ મુજબ આ આખું સંકુલ 7 અલગ અલગ મંદિરોનું બનેલું છે. તાત્સાંગ લખાંગ જે મુખ્ય મંદિર છે ત્યાં ગુરુ રિનપોચેની મૂર્તિ છે. અહીં ડ્રોલો લખાંદ નામનું મંદિર છે, જ્યાં ગુરુએ વાઘણ પર સવાર થઇને દાનવોનો નાશ કર્યો હતો એની મૂર્તિ છે. જ્યારે કુંગા બોધિ લખાંગમાં બૌદ્ધ જ્ઞાન અને ગ્રંથો રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેની આસપાસ અન્ય નાનાં મંદિરો છે, જે વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત છે.
પારો તાત્સાંગનો ઇતિહાસ એ ભુતાનની સંસ્કૃતિની જીવંત ડાયરી છે. તે પહાડની ધાર પર સ્થિત હોવા છતાં અનેક યુદ્ધો, આગ અને કુદરતી આપત્તિઓ સામે અડીખમ ઊભું છે. આજે તે ભુતાનનું રાષ્ટ્રીય પ્રતીક અને વિશ્વભરના પ્રવાસીઓ માટે શ્રદ્ધાનું ધામ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
