ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. 500 આહિરોની વસ્તીના આ ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે.

હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારેય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના 4800 મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામપંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામપંચાયત છે. લોકતંત્રના પાયાના એકમ એવાં ગામોની પંચાયતની ચૂંટણીનાં આ કેટલાંક વિશિષ્ઠ ઉદાહરણો છે.

1 મે, 1960ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ હતી. 1 એપ્રિલ, 1963થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામપંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેનાં પ્રતીકો વિના લડાય અને ચૂંટણીનાં દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામપંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.

બહુ વાજબી રીતે સમરસ ગ્રામપંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળની દેણ મનાય છે, પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર 1992માં ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જોકે, તેનો પદ્ધતિસર અને વ્યવસ્થિત અમલ 2001થી થયો છે. સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃદ્ધિને કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીનાં ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ , મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, ક્લેશ, મારામારી, ધાકધમકી, અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને, વિના વિરોધ, બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામપંચાયતની રચના થાય તે માટે 2001થી સમરસ ગ્રામપંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામપંચાયત બને છે.

છેલ્લે જૂન 2025માં 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં 56 મહિલા અને 761 સામાન્ય સમરસ ગ્રામપંચાયતો બની હતી. તે પૂર્વે 2021-22માં 1189 સામાન્ય અને 116 મહિલા સમરસ પંચાયતો હતી. 2025માં 761માંથી સૌથી વધુ 103 સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે 56 મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ 9 મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. 2001થી 2023 સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા 14,721 થઈ હતી. અમલના અઢી દાયકે કુલ મહિલા સમરસ પંચાયતોનો આંકડો 768એ પહોંચ્યો છે.

રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. 1992માં માત્ર રૂ. 1,000 રોકડ પુરસ્કાર હતો. 2001માં રૂ. 60,000 થી રૂ. 1,00,00 હતો, જે હવે મહત્તમ રૂ. 12થી 15 લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલાં વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામપંચાયત બને તે ગામમાં એકથી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણાં ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ.

સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે.

જો તે ચૂંટણીનાં દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્ત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વ સંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતાં તત્ત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ્વ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી, ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેતૃત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઊભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેનો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન? તેવો પણ સવાલ ઊઠે છે. વળી, ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામપંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે, પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફળસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી.

સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ ઊભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એકસરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી. સંઘ વિચારક દત્તોપંત ઠેંગડી કહે છે કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે, પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વર્ષથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામપંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે.

વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે, પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઊભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો, વાદવિવાદથી ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે, પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો