મસૂરી નાનકડી જગ્યા છે. થોડાક સો કે વધીને થોડાક હજાર લોકોથી વધુ માણસો એટલી જગ્યામાં સમાઈ શકે એમ જ નથી. છતાં પણ લાખોની સંખ્યામાં ત્યાં છેલ્લા થોડા વર્ષોમાં પ્રવાસીઓ ઊમટી પડે છે.

સરકારે પ્રતિબંધ લાદવો પડ્યો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને જે તે પ્રવાસીનો નંબર લાગશે એને જ જવા મળશે. હિમાચલ પ્રદેશ, લદાખ, ઉત્તરાખંડ, સાઉથમાં આંદામાન નિકોબાર કે કેરળની વધતાઓછા અંશે આ જ હાલત છે. ટૂરિસ્ટનો ઇન-ફ્લો અચાનક વધી ગયો છે છેલ્લાં દસેક વર્ષમાં. એ ફ્લો વધ્યો એમાં મોટું કારણ ઇન્સ્ટાગ્રામ અને તેની સ્ટોરીનું ફીચર છે. દેખાદેખીમાં કે એફ-ઓ-એમ-ઓ : ફિઅર ઓફ મિસિંગ આઉટની લાગણીમાં જનસમૂહનો સૈલાબ ખાબકી પડે છે. પરિણામે કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળની ખાસ કંઈ નેચરલ બ્યૂટી રહેતી જ નથી. તે જગ્યાનું ઓવર કોમર્શિયલાઇઝેશન થઈ જાય છે. ઘરથી દૂર શાંતિ લેવા ગયા જોઈએ, પરંતુ ત્યાં પણ ભીડ અને ગોકીરો જ મળે છે.

ખૈર, આપણો પ્રશ્ન કે ફરિયાદ અત્યારે એ નથી કે વર્જિન પ્લેસ ખૂટતાં જાય છે ને બધે જ માનવ હસ્તક્ષેપને લીધે કુદરતી ખૂબસૂરતી નથી રહેતી. આપણે વાત કરવી છે આ પ્રકૃતિપ્રેમીઓની જે બડા વાલા ઝોલા ઉઠા કર ચલ લેતે હૈં. જેને પોતાને ટૂરિસ્ટ કહેવામાં અપમાન લાગે છે ને જાતે જ ટ્રાવેલરનું ટેગ પોતાના ઉપર લગાવી દે છે. જેની એક પણ ઇન્સ્ટા પોસ્ટ હેશટેગ નેચર લવર વિનાની હોતી નથી. સોશિયલ મીડિયાના ઉદય પછી દરેક ત્રીજો માણસ કેમેરા પર્સન એટલે કે ફોટોગ્રાફર થઈ ગયેલો. ડીએસએલઆરના વેચાણમાં મોટો જમ્પ આવેલો. પછી ઇન્સ્ટાગ્રામે ફોટો અને વીડિયો ઉપર વધુ ભાર મૂક્યો એટલે એક ને એક બેકગ્રાઉન્ડ બોરિંગ ન લાગે એટલે શૂટિંગ માટે જુદી જુદી જગ્યાની જરૂર ઊભી થઇ. માટે બાજુના ગામમાં જવાનું થાય તો પણ ચાલુ ગાડીએ કે ચાલુ બસે વીડિયો ઉતારીને રીલ મૂકવાનો ટ્રેન્ડ જાગ્યો. પછી તો અંતિમ પરિણામ સ્વરૂપ ઘણા બધા દીપ્તિ ભટનાગર બનવા લાગ્યા. અચાનક નેચર લવરની કોમ્યુનિટીમાં ચેપી રોગ લાગ્યો અને ટ્રાવેલિંગનો ચેપ એવો તો વધ્યો કે બધા પોતાના આત્માને શોધવા પહાડો અને દરિયાકિનારે ફરવા લાગ્યા (હેશટેગ સોલ_સર્ચિંગ). અત્યારે લાખો લોકો ખરેખર એ ભ્રમમાં જીવી રહ્યા છે કે તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મના હીરો કે હિરોઇન છે.

વિરાટ વાચકો, આપણને એક પણ સામે વાંધો નથી, પણ ફરી ફરીને ધ્યાન જાય છે માત્ર બે શબ્દો પર - નેચર લવર અર્થાત્ કુદરતના સ્નેહી અર્થાત્ પ્રકૃતિના પ્રેમી ઉર્ફે સૃષ્ટિના સંબંધી. ખરેખર એવું છે ખરું? કુદરત માટેનો કેવો પ્રેમ ઉભરાય છે? જંગલમાં ફરવાથી કે કોઈ ખડકની કિનારીએ બેસીને ફોટો પડાવવાથી કે દરિયામાં અન્ડર વોટર ડૂબકીવાળો વીડિયો લઇ લેવાથી નેચર લવર બની જવાય? અરે! શહેરની ઓપન ટુ સ્કાય રેસ્ટોરાંમાં જમવા જતી વખતે મચ્છર કરડતા હોય છે ને ફરવા જતી વખતે ઓડોમસના લપેડા કરવા પડતા હોય એ નેચર લવર છે? કુદરતી સ્થળે ફરવા જતી વખતે સમય કરતાં વધુ કપડાં લઇ જવામાં આવતા હોય એ કુદરત માટેનો પ્રેમ છે? મોબાઈલ કરતાં વધુ પાવરબેંક સાથે રાખવી પડતી હોય અને અજાણી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી કટ થઈ જાય તો હાંફળાંફાંફળાં થઈ જવાતું હોય એ પ્રકૃતિ નામની છોકરી માટેનો પ્રેમ હોઇ શકે, પણ આ ધરાની પ્રકૃતિ માટેનો હરગિજ નહીં. કુદરતી જગ્યાએ પચાસ જાતનાં જીવડાં જ હજારો હોય, જમવાના ઓપ્શન પણ ઓછા હોય, લાઈટ હોય કે ન પણ હોય, અતિશય ઠંડી કે ગરમી કે અચાનક વરસાદ વરસી પડતો હોય, વેસ્ટર્ન ટોઇલેટની તો વાત જવા દો, પણ ખુલ્લામાં તમામ કામ પતાવવાં પડે - આ કુદરત છે દોસ્ત. કુદરત સફેદ બેડશીટ પાથરેલા કિંગ સાઈઝ બેડ અને સવારના કોન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ ને ત્રણ કિલોમીટરના ગાઈડ સાથેના એકદમ સુરક્ષિત ટ્રેક સાથે નથી આવતી. કુદરત સરપ્રાઈઝ આપવાને બદલે શોક વધુ આપે, કારણ કે એ કુદરત છે. આવી કુદરતને ખરો પ્રેમ કરનારા કેટલા?

ધરતીકંપ પણ કુદરતનો એક ભાગ છે. વાવાઝોડું પણ કુદરતનો એક ભાગ છે. ફાટેલા જ્વાળામુખીથી પંદર કિલોમીટર સુધી લાગતી કાળઝાળ ગરમી પણ કુદરતનો એક ભાગ છે. ભૂસ્ખલન થવું પણ કુદરતનો એક ભાગ છે. ગઈ કાલ સુધી કલકલ નિનાદ કરતું નાનું શું ઝરણું રૌદ્ર સ્વરૂપા નદીમાં તબદીલ થઈ જાય ને તબાહી મચાવી દે એ પણ કુદરતનું જ સ્વરૂપ છે. કાદવ કીચડ કુદરતની દેન છે. જીવડાં કરડવાં કુદરતની દેન છે. તડકામાં ચામડી ડાર્ક થઈ જવી કુદરતની દેન છે. શું આ કુદરત માટે સાચો પ્રેમ છે ખરો? ના. મોટાભાગના લોકોનો કુદરત સાથેનો પ્રેમ પણ આજકાલના રિલેશન જેવો છે - શરતી અને તકલાદી. સિચ્યુએશન શિપ જેવો. ગમે ત્યારે બ્રેકઅપ થઈ જાય. પોતાનું કમ્ફર્ટ પહેલાં જોઈએ. સિમ્પલ વાત છે. પંક્ચરવાળું ટાયર બદલતા ન આવડતું હોય તો પોતાને ગાડીના કે ડ્રાઇવિંગના શોખીન જાહેર ન કરાય. આ તો એના જેવું છે કે અમુક ચાગલી છોકરીઓને નાનાં બાળકો રમાડવાં બહુ ગમતાં હોય, પણ એનું ડાયપર બદલવાની વાત આવે તો દૂર ભાગશે. આ પ્રેમ નથી દંભ છે, જુઠાણું છે, રાજકારણ છે.

ટ્રાવેલિંગ હવે હોબી નથી રહી, પણ પર્ફોર્મન્સ આર્ટ બની ગઈ છે.

માણસને ફરવા કરતાં ફરતા દેખાવામાં વધુ રસ છે. ટેન્ટ ક્યારેય ખોલ્યો નથી કે બાંધ્યો નથી, પણ બીજાના ટેન્ટમાં સેલ્ફી લઈને અન્ડર ધ સ્ટાર્સનું કેપ્શન મૂકવું છે. મોટાભાગના લોકો માટે ફરવું એટલે ઝિંદગી ના મિલગી દોબારા ફિલ્મની જેમ મોંઘી ટ્રિપ પર જઈને ટોમાટીનો ફેસ્ટિવલમાં એકબીજા ઉપર ટામેટાં ફેંકવાં. એને મોટું સાહસ ગણાવી લેશે. તારાને જોવાને બદલે એનું ટાઈમલેપ્સ થાય છે ને નદી માણવાને બદલે એનું સ્લો-મો થાય છે. ઇન્સ્ટામાં બતાવવામાં કંઈ જ ખોટું નથી, પણ જાતની અંદર કેટલું ઊતર્યું એ મહત્ત્વનું છે. કુદરતની કાળી બાજુથી દૂર ભાગવાને નેચર લવ કઈ રીતે કહી શકાય? આવી કોઈ જગ્યાએ પ્રવાસ ગોઠવાયો હોય અને જરા પણ અગવડ પડે તો ફરિયાદોની કાગારોળ કરતા ઘણા સો કોલ્ડ નેચર લવર જોયા છે, જે લાઈટ વિના એક રાત કાઢી શકતા નથી. મોબાઈલનું નેટવર્ક ન મળતાં વ્યથિત થઈ જાય છે. પહાડ ઉપર મેગી ન મળે કે સવારે નાસ્તામાં બ્રેડબટર ન મળે તો એ જગ્યા અણગમતી થઈ જાય છે. ઇસકો નેચર સે પ્યાર નહીં છીછોરાપંતિ બોલતે હૈં. માટે જ દુનિયાના મહાન મુસાફરો કમ્પ્યૂટર યુગ પહેલાં થઈ ગયા. ઈબ્ન બતૂતા હોય કે માર્કો પોલો કે મેગેલન કે નયન સિંઘ રાવત. (ગૂગલ કરી લેવું.) ચાલો, વધુ એક અફસોસ. રાજકારણ ને રીલની સાથે ટ્રાવેલિંગ પણ પર્ફોર્મન્સ બની ગયું. શું કરી શકીએ?