ભૂતિયા ઘરનું નામ પડે એટલે લોકો એ ઘરથી બે કદમ દૂર ભાગતા હોય છે, ત્યારે એવાં મકાનો કોઈ ખરીદતું નથી, પરંતુ એવાં મકાનો વેચવા માટે પણ અજબનું માર્કેટિંગ ચાલી રહ્યું છે. ભૂતિયા ઘરોને કારણે જાપાનમાં રોજગારીની એક નવી જ દિશા ખૂલી છે. ભૂતિયા ઘરમાં એક રાત રોકાવા માટેની નોકરીની તક ખૂલી છે. હોન્ટેડ હાઉસ સિટરની નોકરી કંઈ જેવી તેવી નથી, કેમ કે એ માટે એક, બે નહીં પણ 54 હજાર રૂપિયાનો પગાર ચુકવાય છે ! એ રાતવાસો કોઈ ભૂતને શોધવા કે ભગાડવા માટે નહીં, પણ એ ઘર વેચી શકાય એવા કીમિયા માટે હોય છે.
વેલ, જામનગર હોય કે જાપાન કેટલાંક ઘર એવાં હોય છે કે તે અંગે લોકોમાં વહેમ ઘૂસી જતો હોય છે. ખાસ કરીને કોઈ ઘરમાં રહેનારો કમોતને ભેટતો હોય, ત્યારે સતત એવો ભાસ શરૂ થાય છે કે એ મૃતકનો આત્મા એ ઘરમાં ભટકતો હોય છે. એવા ઘરમાં રહેવા કોઈ રાજી થતું નથી. ઘણી વાર એવાં ઘરો માટે સતત વાયકા ચાલતી હોય કે તેમાં વાસણો ખખડે કે રાત્રે ભૂતાવળ દેખાય! કેટલાયને એવા અનુભવો થતા હોય જેને હકીકતથી સમજાવી શકાય નહીં. એમાં વળી ડરી જવાય એવા અનુભવ હોય તો એ વાત વંટોળની જેમ વહેતી થઈ જતી હોય છે. એ કારણે એવી ઈમારતો ભૂતિયા ઘર તરીકે જાણીતી થઈ જતી હોય છે. એવાં મકાનો વર્ષોવર્ષ ખાલી રહે તો એ મકાનના માલિક કે બિલ્ડરને આર્થિક ખોટનો વેપલો થઈ જતો હોય છે. આજે જ્યારે ઘરની કિંમત આસમાને અડી રહી છે, ત્યારે એવું મકાન વેચાયા વિનાનું પડી રહે એ કોઈને પોસાય ખરું? પરંતુ ક્યારેક ઘરની છાપ જ ભૂતિયા ઘર તરીકે ચલણમાં હોય ત્યારે એ ઘર વેચાયા વિના પડી રહેતું હોય છે, તેમાં કોઈ રહેવાની પણ હિંમત કરતું નથી. એ ધીરે ધીરે ખંડેર બનીને વધુ ભયાવહ બની જતું હોય છે.
જાપાનમાં એવાં અનેક મકાનો છે, જેમાં કોઈ વ્યક્તિનું કમોત થયું હોય કે હત્યા થઈ હોય, કોઈએ આત્મહત્યા કરી હોય કે જીવલેણ આગ લાગી હોય. આ પ્રકારનાં મકાનો ભૂતિયા મકાન તરીકે કમનસીબ જાહેર થઈ જતાં હોય છે. લોકો વહેમને કારણે એ ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. એવાં મકાનોને જાપાનમાં જિક્કો બુક્કેન કહે છે. ટૂંકમાં કહીએ તો કમોત થયાં હોય એવાં મકાનોમાં કોઈ રહેવા માંગતું નથી અને તેથી એવાં મકાનોના વેચાણ થતાં નથી. આ ડર દૂર કરવા માટે લોકોને એક રાત રાખવામાં આવે છે. એ માટે મોટી રકમ ચૂકવવામાં આવે છે. 88 હજાર યેન લઈને લોકો ભૂતિયા ઘરમાં એક રાત રોકાવા માટે જાય છે. એ રાતનું રોકાણ કોઈ ભૂતને જોવા કે કાઢવા માટે નથી. અહીં રહેનારા લોકો કેમેરા અને બીજાં ઉપકરણોની મદદથી પેરાનોર્મલ એક્ટિવિટીની તપાસ કરે છે. જો એ રાતના રોકાણ દરમિયાન કોઈ અસામાન્ય ઘટનાનો અનુભવ ન થાય તો એ સંપત્તિમાં કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી થતી ન હોવાનું કે દેખાઈ ન હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.
એ સર્ટિફિકેટ મળવા સાથે જ એ મકાનમાં કોઈ ભૂતબૂત નથી, એવું પ્રમાણિત થઈ જાય છે. એટલે લોકો એ ઘર ખરીદવામાં આશંકિત થતા નથી. જોકે, કેટલીય કંપનીઓ એવી છે કે જે આવા ભૂતિયા ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી ન હોવાના પ્રમાણપત્ર બાદ એવી કોઈ ગતિવિધિ જોવા મળે તો વળતર પણ ચૂકવી દે છે. જાપાનમાં એ રીતે રિયલ એસ્ટેટનું એક નવું જ ક્ષેત્ર ખૂલી ગયું છે, જેમાં ભૂતિયા મકાનોને વેચવા માટે એક નવું જ બજાર ખૂલી રહ્યું છે. સાથે સાથે મકાન ભૂતિયું ન હોવાનાં સર્ટિફિકેટ આપવા માટે એક નવી જ પહેલ દ્વારા રોજગારીની તક પણ પેદા થઈ છે. ક્યાંક છેતરપિંડી પણ થતી હોય છે, પરંતુ જ્યારે હવે વસ્તી વધવા સાથે મકાનોની અછત શરૂ થઈ છે, ત્યારે આ સર્ટિફિકેટ સાથે ઘર વેચવા માટે એક નવું જ ક્ષેત્ર ખૂલી ગયું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો